અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/વિહંગરાજ
Revision as of 13:16, 21 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> તરસ્યા એ વાદળીને તીર, {{space}}વિહંગરાજ તરસ્યા ઊડે રે; સંધ્યાના સાગરન...")
તરસ્યા એ વાદળીને તીર,
વિહંગરાજ તરસ્યા ઊડે રે;
સંધ્યાના સાગરને નીર,
વિહંગરાજ તરસ્યા ઊડે રે.
આભમાં પ્રચંડ પૂર ઊછળે છે પાણીડાં;
મનોવેગી વાય ત્યાં સમીર;
વિહંગરાજ તરસ્યા ઊડે રે.
ઘેરાં ઘેરાં ડોલતાં હિન્ડોલ મેઘહોડલાં;
ગર્વઘેલાં, ઘટા શાં ગંભીર;
વિહંગરાજ તરસ્યા ઊડે રે.
સાન્ધ્યરંગી સાળુ, મહીં મેઘશ્યામ વાદળી;
રૂપેરી પાલવનાં ચીર :
વિહંગરાજ તરસ્યા ઊડે રે.
આંખડીનાં કિરણ કિરણ વરસે કંઈ ફૂલડાં;
વીજળીની વેલ શા અધીર :
વિહંગરાજ તરસ્યા ઊડે રે.
ઊડો રાજ! પાંખમાં ભરી અનન્ત પ્રેરણા;
સાગરને નથી સામા તીર;
વિહંગરાજ તરસ્યા ઊડે રે.
વીજળીની વેલ શા અધીર,
વિહંગરાજ તરસ્યા ઊડે રે.