શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૨. હું આંખ મીંચું છું

From Ekatra Wiki
Revision as of 10:43, 15 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨. હું આંખ મીંચું છું


આ બપોર ખૂબ ભારેખમ છે, તપાવેલા લાલચોળ લોઢાની આ બપોરથી હું શેકાઉં છું. ગળે શોષ પડે છે…રસ્તા પર ચઢતાં ઝાંઝવાં મને અકળાવે છે…દીવાલોના પડછાયા ગરમ છે… મારી આંખ સામેની બારીના કાળા સળિયા હું સહી શકતો નથી… હું આંખ મીંચું છું.

મીંચેલી આંખમાં કંઈક ચિત્રવિચિત્ર ભાસ મને થાય છે. નથી ઉજાસ, નથી અંધકાર… આજ સુધીના ઉઘાડી આંખે જોયેલા રંગો કરતાં મીંચેલી આંખે જે દેખાય છે તે કંઈક જુદું અને તેથી આકર્ષક છે…મને જકડતી જેલની ઊંચી દીવાલો, જાડા સળિયા, કડક મૂછોવાળા ખાખી સંત્રીઓ — આ બધું બંડીવાળા હાથથી ગબડાવી શકાતું નથી; નજર આ બધું ન ગમતું હોવા છતાં મોં આગળથી હડસેલી શકતી નથી ને મારી પાસે એક જ ઉપાય રહે છે આંખ મીંચવાનો… સદ્ભાગ્યે, આંખને પાટા બાંધવામાં આવ્યા નથી… ને પાટા બાંધવામાં આવે તોય શું…? આંખ મીંચીને પાટાને જોવાનો પણ ઇનકાર થઈ શકે છે. હું મને ન ગમતું નહિ જોવાનો નિર્ણય કરી શકું છું ને આંખ મીંચીને મેં એ પુરવાર કર્યું છે.

હું આંખ મીંચીને મને જોવાનો પ્રયત્ન કરું છું… કહો ને હું મારી સ્વપ્નમૂર્તિ ઘડવા મથામણ કરું છું… મારી બધી ઇન્દ્રિયોને હું એકઠી કરવા મથું છું, મારા મગજને તાન પડે છે; હૃદયને ઉન્નત કરવા પ્રયત્ન કરું છું…પણ ક્યારેક પવન શઢમાં ન ભરાતો હોય ને હોડી પાણીમાં ચોટેલી રહે એવો અનુભવ કરું છું… તેજનું પૂતળું છું, અંધકારનું પૂતળું છું કે પછી તેજ–અંધકારનું પૂતળું છું? મારી મીંચેલી આંખથી આનો જવાબ મેળવવા પ્રયત્ન કરું છું. પણ હું કંઈ જ કરી શકતો નથી…અથવા કંઈ નહિ કરી શકવાની પ્રતીતિ કરું છું… હું હાડચામનો માળો છું, માંસનો પિંડ છું.. પંચમહાભૂતનો લોદો છું… હું છું એટલું જ મીંચેલી આંખથી મને સમજાયું છે અને તેની ખાતરી હું આપી શકું છું…

મેં ઉઘાડી આંખે અરીસામાં મારા ચહેરાને અનેક રીતે ટીકીટીકીને જોયો છે… આ ચહેરાનો છે એથી જુદો આકાર હોત તો લોકોને મારો જે પરિચય છે તેમાં ફરક પડત ખરો? મારો આ ચહેરો વિવિધ માણસોની આંખથી કઈ રીતે જોવાતો હશે? શું જેટલી આંખો એટલા મારા ચહેરા હશે? લોકો આંખ મીંચીને મને જોવા પ્રયત્ન કરે તો હું કેવો દેખાઉં? હું જન્માંધ હોત તો મને હું કેવો લાગત? હવે હું સૂરદાસની જેમ તપાવેલા લોઢાના સળિયા આંખમાં ખોસી દઈ અંધત્વ સ્વીકારી લઉં તોપણ જે કંઈ આજ સુધી જોયું છે તે કેવી રીતે ન જોયું કરી શકાય? આંખો મીંચ્યા પછીયે કેટકેટલું યાદ આવે છે!… અનેક ચહેરાઓ… પદાર્થો… પ્રકાશ… રંગો…આ બધાંને જ્યારે પ્રયત્નપૂર્વક મીંચેલી આંખના નિગૂઢ ઊંડાણમાં ડુબાડી દેવા હું મથું છું ત્યારે મને શું લાધે છે? તમે આંખ મીંચીને મને જોવા પ્રયત્ન કરો તો હું જે કહેવા માગું છું તેનો અણસાર કદાચ પામી શકો…

મને મારી મીંચેલી આંખોવાળો ચહેરો અરીસામાં જોવાની ભારે ઇચ્છા થાય છે… એવા ચહેરાનો ફોટોગ્રાફ પણ મળી શકે, પણ એમાં પોતાના જીવંત ચહેરાને મીંચેલી આંખે પોતે જ જોયાના ભાવ-અનુભવ આવતા નથી. હું આંખ મીંચીને મારા શરીરના કોટડાની બહાર જવા મથું છું…હું મને મારા જ્ઞાનતંતુઓની જાળમાંથી મુક્ત કરવા મથું છું… મારે માછલીને જીવંત રહે એ રીતે પાણીથી અલગ પાડવી છે…હું મુઠ્ઠીઓ વાળી મારી રગોમાંના લોહીનું દબાણ આપી મને મારાથી છૂટો પાડવા અથવા હું મારાથી છૂટો થવા મથું છું અને હું થાકું છું… આખો ખેલ જરાક માટે થઈને અટકી જાય છે…આ નહિ થઈ શકે…આંખ ખોલીને ફરીથી અરીસામાં હું મારી આંખના ઊંડાણમાં મને જોવા મથું છું…કશુંક છે ને એ કેમેય હાથમાં આવતું નથી…

મને મીંચેલી આંખોનું આકર્ષણ છે… બાળક ઊંઘે છે ત્યારે એનાં બિડાયેલાં પોપચાં તળે શું શું થતું હશે? બિડાયેલી આંખોના એ નાનકડા ટાપુ પર સોનાના મહેલ રચાતા હશે, ફૂલો ચહલપહલ કરતાં હશે, પરીઓ ગીતો ગાતી હશે, ચાંદામામા મલક મલક કરતા સફેદ દાઢી તળે બાળકોને છુપાવી સંતાકૂકડીની રમત ચગાવતા હશે. ક્યારેક હું નીચો વળી બાળકની પાંપણ પર ચાંદામામાના એકાદ કિરણને શોધી કાઢવાનો પ્રયત્ન કરું છું ને પછી મારી ઘેલછા પર હસી લઉં છું… આ ટચૂકડી આંખોમાં ચાંદામામા જ શા માટે આવે? મોટાં શિંગડાંવાળા, કાળા જડબાં ને સફેદ મોટા દાંતવાળા, લાલ નહોરવાળા ‘ખાઉં ખાઉં’ કરતા રાક્ષસો પણ આવી શકે! મારું ચાલે તો રાક્ષસોના આવવાના માર્ગો પર ગગલી ઘાંચણના દંડથી અભેદ્ય દીવાલ રચી દઉં…પણ એથી આંખમાં પરીઓ આવતી અટકી નહિ જાય? હવે વિક્રમની દુનિયામાંથી હું બહિષ્કૃત છું. એકલવીરનાં પરાક્રમોની ઝંખના, ઉત્સાહ ને બળ ચાલી ગયાં છે…હવે થાકું છું.. .ઊંઘવા માગું છું ને છતાં આંખ મીંચી શકાતી નથી…

તમે તમારી પ્રિયતમાની મીંચેલી આંખને પણ ચારુ ચુંબનથી અંકિત કરી હશે! એ આંખોમાં તમે અનંગ રૂપે મિત્ર વસંતને લઈ વિહરી નહિ આવ્યા હો એની શી ખાતરી? તમે ભલે એકલા હો…અર્ધશય્યા સૂની હોય ને છતાં તમારી પ્રિયતમાની આંખમાં તમારું એક રૂપ લીલાવિહાર કરતું હોય એની શક્યતા પણ ખરી ને? શી ખબર તમારી પ્રિયતમા મીંચેલી આંખમાં કઈ રીતે તમને જોઈ રહી છે? હું એકલતાની ઉદાસી ઓઢીને ફરું છું…મને ખબર નથી, હું કોઈની મીંચેલી આંખમાં કેટલા આકારો લઈ, કેટલી રીતે, કઈ રીતે વિહરી શકું? પ્રિયતમાની આંખોની – નિમીલિત આંખોની પણ એક આગવી નજાકત હોય છે! સમગ્ર સ્નેહનું એક નિગૂઢ રૂપ બંધ પોપચાં આડે અદૃશ્ય અમૃતકિરણોથી સ્નેહી હૃદયને સ્પર્શે છે ત્યારે દિવસ-રાત, પ્રકાશ-અંધકાર – આવી આવી ભેદની સભાનતા વિગલિત થઈ જાય છે… સ્મરણ પણ નથી રહેતું કે પ્રિયાની આંખો નિમીલિત છે કે અર્ધનિમીલિત કે પૂર્ણ વિકસિત – એ પ્રિયાની આંખ છે એટલું ભાન પણ હૃદયને એવું તો ઝંકૃત કરી દે છે કે શું જોવાય છે એ વાત ભુલાઈ જાય છે ને રોમાંચક અનુભૂતિ જ માત્ર અવશિષ્ટ રહે છે!

ને બુદ્ધનાં નિમીલિત ચક્ષુની વાત! સુંદરમે બુદ્ધના ચહેરામાંથી સૌન્દર્યનું આ પરમ નિધાન કઈ નજરે શોધ્યું હશે? એ નજર મળ્યા પછી કવિતા લખાય ન લખાય એની શી તથા? અંદરનાં બધાં તોફાનો શમી ગયાં હોય…જલની સપાટી શાંત-સૌમ્ય ચમકથી મલકતી હોય…આકાશ સ્વચ્છ હોય…ન કોઈ સંઘર્ષ, ન કોઈ વેદના, નહિ ઉદાસી, નહિ ચાંચલ્ય…હંસના આકારનું શ્વેત જહાજ…શઢ વિશ્રંભથી ઢળેલા હોય, જહાજનો દીવો સ્થિર-સૌમ્ય પ્રકાશે ચમકે ને એની ઝાંય નિમીલિત નેત્રોમાંથી ઝમે ત્યારે ગુલાબી ઠંડીની જેમ, જોનારની ચેતનાને એ નેત્રો સ્પર્શે છે ને તાજબી બક્ષે છે. હું અવારનવાર મારી આંખ સામેના અવકાશમાં એ નિમીલિત નેત્રોને ઉપસાવવા મથું છું… મારાં નેત્રોને એ મૌન પ્રસન્નતાના શાંત ઉજાસથી ભરી દેવા મથું છું…હું આંખો મીંચું છું…મારી ઈન્દ્રિયોના મેળ વગર વાગતા સૂરોને નિયંત્રિત કરી કોઈ મધુર રાગમાં નિબદ્ધ કરવા મથું છું…તોફાન શમાવી શાંતિ અનુભવવી છે ને તેથી હું મારા ચિત્તની ચંચળ સપાટીને સ્થિર કરવા મથું છું…એ માટે શૂન્ય થવાની મારી તૈયારી છે…પણ શૂન્ય થવું ક્યાં સહેલું છે? આંખો મીંચીને પણ આંખો મીંચ્યાનું ભાન ભૂલી જવું ક્યાં સહેલું છે?

અનેક વાર આંખ મીંચી હું મને પોતાને શાંત કરવા, આજુબાજુની અશાંતિમાંથી ઊગરી જવા પ્રયત્ન કરું છું…પણ જ્યાં હું મારી બે આંખ મીંચું છું ત્યાં મારી આંખોનાં અનેક પ્રતિબિંબો મને એવી રીતે તાકે છે કે હું વિચલિત થઈ જાઉં છું, હું તાલ ચૂકી જાઉં છું, સૂરમાં ભૂલ કરી બેસું છું…રાગ તૂટી જાય છે. ને આંખ મીંચતાંય નિદ્રા ન આવતી હોય એવી વિષમ સ્થિતિનો અનુભવ કરું છું. આમાંથી કેમ ઊગરી શકાય? મૃત્યુની કાળી હથેળીઓ આંખો પર મુકાય ત્યારે આમાંથી ઊગરવાનું શક્ય બનશે ખરું? પણ એ અત્યારે કહેવું બિલકુલ કવેળાનું જ ગણાય.

(નંદ સામવેદી, પૃ. ૧૭–૨૦)