કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨૦. કદમ ખોલ દેડકાની પોળ

From Ekatra Wiki
Revision as of 12:56, 17 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. કદમ ખોલ દેડકાની પોળ|}} <poem> મદન ગોપાલની હવેલીનો ઝાંપો કવિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૦. કદમ ખોલ દેડકાની પોળ


મદન ગોપાલની હવેલીનો ઝાંપો
કવિશ્રી મનહર મોદીના
માથામાં
બાર વાગ્યાના
તેર ટકોરા પાડીને
હજી
હમણાં જ
ઊંઘી ગયો છે.
બે
પગ
પહોળા કરીને
કદમ ખોલ
દેડકાની પોળની સામેના
મારા મકાનમાં હું નથી હોતો ત્યારે
મારો પડછાયો
મને
મનમાં ને મનમાં ગમતા
એક લોખંડના સળિયાના સહસ્રશત ટુકડાઓ
કરી કરીને
દોઢ દોઢ ફૂટની
બારીઓ બનાવે છે.
ઉતાવળમાં ને ઉતાવળમાં ઉમરેઠમાં
ખાવો રહી ગયેલો
મોટી પૂનમનો સ્વાદિષ્ટ પ્રસાદ
મારી ડાબી આંખમાંથી જમણી આંખમાં
દોડી જાય છે.
અને રણછોડરાયજીના નામનો
તીખ્ખો તમતમતો
ઉચ્ચાર
કરતો કરતો
પોતાને જ સ્વાહા કરી જાય છે.
અમદાવાદની લાંબી લાંબી મૂછોનાં જેવા કાંકરિયા તળાવની
પાણીની સ્ટીમલૉન્ચ લક્ઝરી બસનાં પૈડાં સાથે
અથડાય છે
ત્યારે
હઠીસીંગનાં દહેરાંમાં ગોમતીપુરના ઝૂલતા મિનારાની
લંબાઈ
ઓગળી જાય છે.
મદન ગોપાલની હવેલીનો ઝાંપો
ક્યારેય
દેડકાની પોળના જેવો થઈ શકશે નહીં.
અને
મારા મકાનમાં હું ક્યારેય
પાછા પગલે
પગલે પગલે
પાછો પાછો
જઈ શકીશ નહીં.
અને
એટલે જ
મારો પડછાયો મને મનમાં ને મનમાં ગમતા
એક લોખંડના સળિયાના સહસ્રશત ટુકડાઓ
કરી કરીને
દોઢ દોઢ ફૂટની
બારીઓ બનાવે છે.
અમદાવાદની લાંબી લાંબી
મૂછોના જેવા કાંકરિયા તળાવની પાણીની
સ્ટીમલૉન્ચ લક્ઝરી બસનાં પૈડાં સાથે અથડાય છે
અને
હઠીસીંગનાં દહેરાંમાં ગોમતીપુરના ઝૂલતા મિનારાની
લંબાઈ
ઓગળી જાય છે
ત્યારે
મદન ગોપાલની હવેલી
અને
દેડકાની પોળ
એકબીજાને પકડવા માટે મારી આસપાસ
ગોળ ગોળ
ચક્કર ચક્કર
ફર્યા
કરે છે.
(ૐ તત્ સત્, પૃ. ૩૧)