કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૮. નાનકડી નારનો મેળો

From Ekatra Wiki
Revision as of 11:49, 18 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. નાનકડી નારનો મેળો|}} <poem> હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં, ::...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૮. નાનકડી નારનો મેળો


હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં,
તેજના ટશિયા ફૂટે રે લોલઃ
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં,
ખીલેથી વાછડાં છૂટે રે લોલ.
હાલોને સહિયર! પાણીડાં જઈએ,
વીરડે વાતું કરશું રે લોલઃ
વાટકે વાટકે ભરશું રે લોલ.
આખાબોલું તે અલી અલ્લડ જોબનિયું,
હૈયે ફાગણિયો ફોરે રે લોલ :
ઘૂમટો તાણીને હાલો ઉતાવળી,
ઘરડા બેઠા છે ગામચોરે રે લોલ.
હાલોને સહિયર! પાણીડાં જઈએ,
વીરડે વાતું કરશું રે લોલઃ
વાટકે વાટકે ભરશું રે લોલ.
નેણનાં નેવાંને ઊટકે આંજણિયાં,
હથેળી હેલને માંજે રે લોલ;
ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું,
એકબીજાને ગાંજે રે લોલ.
હાલોને સહિયર! પાણીડાં જઈએ,
વીરડે વાતું કરશું રે લોલ;
વાટકે વાટકે ભરશું રે લોલ.
સાસુએ માગ્યાં ઊનાં પાણી ને
સસરે દાતણ માગ્યું રે લોલઃ
કાચી નીંદરને કાંઠેથી સપનું
મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ.
હાલોને સહિયર! પાણીડાં જઈએ,
વીરડે વાતું કરશું રે લોલ;
વાટકે વાટકે ભરશું રે લોલ.
હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં,
તેજના ટશિયા ફૂટે રે લોલઃ
મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો,
આપણી વાતું નો ખૂટે રે લોલ.
હાલોને સહિયર! પાણીડાં જઈએ,
વીરડે વાતું કરશું રે લોલ;
વાટકે વાટકે ભરશું રે લોલ.
(સિંજારવ, પૃ. ૬૨-૬૩)