કંકાવટી મંડળ 1/નિવેદન

From Ekatra Wiki
Revision as of 12:58, 19 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} <center>[મંડળ પહેલું : પહેલી આવૃત્તિ]</center> {{Poem2Open}} જે ડોસીપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નિવેદન


[મંડળ પહેલું : પહેલી આવૃત્તિ]

જે ડોસીપુરાણ આજે પાખંડમાં પરિણમ્યું છે, તેની હિમાયત કે ધાર્મિક પ્રચાર ખાતર આ સંગ્રહ નથી. આ બધું તો શુદ્ધ કંઠસ્થ લોકસાહિત્યની સંશોધનદૃષ્ટિએ જ સંઘરાયું છે. કેમ કે આ સાહિત્યની અંદર આપણા સામાજિક ઇતિહાસનાં પગલાં પડેલાં છે. એ ધૂળમાંથી આપણે તો સોનું જ ધમવાનું છે. નવા યુગના ચણતર કાજે, લઈ શકાય તેટલી સામગ્રી પણ આ ખંડિયેરમાંથી લેવાની છે. સંશોધનદૃષ્ટિએ ન જોઈ શકનારને માટે પણ આમાં નરી પરીકથાની મોહક સૃષ્ટિ તો છલોછલ ભરી છે. આ સંગ્રહની પ્રથમ પ્રેરણા કરનાર સૂરત શહેરના સેવક શ્રી દયાશંકર શુક્લ છે. પોતે મેળવેલી થોડીએક વ્રતકથાઓ એમણે મને મોકલેલી, તે પરથી જ એ આખો પ્રદેશ હાથ ધરી, અસલ ડોસી-ભાષામાં જ આ કથાઓ ઝીલી લેવા હું લલચાયો. પણ એ ડોસી-ભાષાનો આખો ધોધ વહેતો કરનાર અને એક પછી એક વ્રતકથા અશ્રુ ટપકાવે તેવી સચોટ જે ભાવવાહી વાણીમાં કહી સંભળાવનાર તો ભાવનગરવાળાં અમારાં માતુશ્રી સૌ. મોંઘીબહેન પરમાનંદ ઠક્કર છે. પછી એમનું અધૂરું રહેલું પૂરું કરવામાં અમારા બળવંતભાઈનાં નાની મા ‘બીજીબા’નો અને સૌરાષ્ટ્ર-સંસ્થાનાં વાર્તાભંડાર ‘ફઈબા’નો પણ મોટો હિસ્સો છે. બહેન શ્રી કંચનબહેન ઠક્કર તથા શ્રી નર્મદાબહેન રાવળના સૌજન્યનો પણ આમાં સફળ હિસ્સો છે. ભાવનગર અંત્યજશાળામાં કામ કરનાર ભાઈ ગૌરીશંકર ચાતુર્વેદી કે જેને હરેક પ્રકારની લોકવાર્તા લોકકંઠેથી ઝીલીને શુ્દ્ધ લોકશૈલીએ કાગળ પર ઉતારવાની અચ્છી આવડત છે, તથા લોકસાહિત્યનાં મારાં નવાં સાહસોમાં ઊલટ દાખવનાર વિદ્યાર્થી કાંતિ જોશી, એ બન્નેનો પણ હું ઋણી છું. શ્રાવણિયા સોમવારની મોટી કથા વગેરે કેટલીએક કથાઓ, પુસ્તકનું કદ હદ બહાર વધી જતું હોવાથી રાખી લેવી પડી છે. એટલે આ સંગ્રહનો બીજો ભાગ કરવો જ રહ્યો છે. ગુજરાત–કાઠિયાવાડનાં બહેનો–ભાઈઓને વિનતિ કરું છું કે આ સંગ્રહમાં ન આવ્યું હોય તે વ્રતસાહિત્ય, જેવું હોય તેવું, મને સત્વર મોકલી આપે. રાણપુર : ઉત્તરાયન 1983 [સન 1927] સંપાદક


[પાંચમી આવૃત્તિ]

દેવાદિક તત્ત્વ પરત્વે લોકસમૂહે જે દૃષ્ટિએ નિહાળ્યું અને જે એક લૌકિક રહસ્યદર્શન વિકસાવ્યું તેનો પરિપૂર્ણ ખ્યાલ કરાવવાને માટે ‘કંકાવટી’નો આ એક જ ભાગ પૂરતો નથી. એટલા માટે જ હું આના જેવડો બીજો ખંડ પણ પ્રકટ કરી ચૂક્યો છું : તેમ એમાં મેં સુદીર્ઘ ને સવિસ્તર પ્રવેશક પણ આપેલ છે. નરી વાર્તાદૃષ્ટિએ પણ એમાંની સામગ્રી મનોરંજક અને સાહિત્યશીલ છે. પણ તે ઘણાં વર્ષો પાછળથી પ્રગટ થયો એટલે ઘણા વાચકોનું લક્ષ તે તરફ ગયું લાગતું નથી. રાણપુર : 9-10-1941 ઝ. મે.