કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/કવિ અને કવિતાઃ વેણીભાઈ પુરોહિત
કવિશ્રી વેણીભાઈ પુરોહિતનો જન્મ ૧લી ફેબ્રુઆરી, ૧૯૧૬ના રોજ જામખંભાળિયામાં. વતન પણ જામખંભાળિયા. સંવેદનશીલ માતા ગુલાબબહેન. પિતા જમનાદાસ સંગીતના શોખીન. પ્રાથમિક શિક્ષણ મુંબઈની બુદ્ધિવર્ધક મ્યુનિસિપલ શાળામાં. માધ્યમિક શિક્ષણ જામખંભાળિયાની જે.વી.જે. હાઈસ્કૂલમાં. આમ કિશોરાવસ્થા વતનમાં વીતી. થોડોક સમય મુંબઈ રહ્યા. ‘બે ઘડી મોજ’ પત્રિકામાં જોડાયા. ૧૯૩૯માં રેખાબહેન સાથે લગ્ન. અમદાવાદ આવીને ૧૯૩૯થી ૧૯૪૨ દરમિયાન ‘પ્રભાત’ દૈનિકમાં અને પછી ભારતીય સાહિત્યસંઘમાં જોડાયા. ૧૯૪૨માં સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો. દસ માસ સુધી સાબરમતી જેલમાં રહ્યા. ત્યારબાદ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં પ્રૂફરીડર તરીકે કાર્ય શરૂ કર્યું. અહીં કવિશ્રી બાલમુકુન્દ દવે સાથે પરિચય થયો. એ પરિચય ઘનિષ્ઠ મૈત્રીમાં પરિણમ્યો. એ પછી ‘પ્રજાબંધુ’ અને ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે સેવાઓ આપી. ચુનીલાલ વર્ધમાન શાહ પાસેથી પત્રકારત્વની દીક્ષા મળી. ત્યારપછી ‘વર્તમાન’ અને ‘ભારતી’ સામયિકોમાં કાર્ય કરતા. એ પછી મુંબઈ ગયા. આજીવન મુંબઈમાં જ રહ્યા. ‘ફિલ્મીસ્તાન’, ‘મોજમજાહ’, ‘ચિત્રલેખા’, ‘જી’ જેવાં સામયિકોમાં પણ તેમણે સેવાઓ આપેલી. એ પછી તેઓ ‘જન્મભૂમિ’ દૈનિકમાં આજીવન કાર્યરત રહ્યા. ‘જન્મભૂમિ’માં તેઓ ‘અખા ભગતની ગોફળગીતા-ધપ્પા’ નામ કટાક્ષકૉલમ પણ લખતા. ૩જી જાન્યુઆરી, ૧૯૮૦ના રોજ મુંબઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. વેણીભાઈના કાવ્યસર્જનની શરૂઆત ૧૯૩૭માં થઈ. તેમની પ્રથમ રચના ‘પુરાણો દીવડો’ ‘કુમાર’માં પ્રગટ થયેલી. તેમની પાસેથી ત્રણ કાવ્યસંગ્રહો – ‘સિંજારવ’ (૧૯૫૫), ‘દીપ્તિ’ (૧૯૫૬) અને ‘આચમન’ (૧૯૭૫) મળ્યા. તેમના ‘દીપ્તિ’ સંગ્રહને મુંબઈ રાજ્યનું દ્વિતીય પારિતોષિક, ‘આચમન’ને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક મળેલું. ‘ગુલઝારે શાયરી’ મણકો-૧૦ (૧૯૬૨) તેમની ગઝલોનો સંચય છે. તેમણે બાળસુલભ બોધક ટુચકા કાવ્યો પણ લખેલાં, જે ‘જોઈતારામની જડીબુટ્ટી’ને નામે પ્રકાશિત થયેલા. તેને રાજ્ય સરકારનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયેલું.
આ કવિને ‘ગળથૂથી’માં જ કવિતા અને કાવ્ય-સંગીતના સંસ્કારો મળ્યા છે. વેણીભાઈ પુરોહિતે તેમના ‘પદ્ય પ્રવાસની પાર્શ્વભૂ’ નામના લેખમાં લખ્યું છેઃ ‘મારું જન્મસ્થળ જામખંભાળિયા સંગીતશોખીન ગામ છે. શાસ્ત્રીય સંગીત, ઠૂમરી, દાદરા, ગઝલના જલસાઓ એ ગામમાં ચાલ્યા જ કરતા. કોઈને ઘેર રાત્રે નાનકડી મહેફિલ જામે અને સંગીતના સાચા શોખીનો જ તેમાં હાજરી આપે. એ જલસાઓમાં હુંય મારા પિતાશ્રીની આંગળી ઝાલીને જતો...’ આમ સંગીતપ્રિય ગામમાં રોજબરોજ યોજાતા સંગીતના જલસા, સંગીતમય વ્યાખ્યાનો, હરિકીર્તનો, નવરાત્રિના ગરબા અને રાસની તેમજ હોલિકાઉત્સવમાં દુહા અને સોરઠાની રમઝટ વગેરેએ બાળક વેણીભાઈનાં ચિત્તમાં–હૈયામાં ગીત-સંગીત અને મસ્તીનાં સંસ્કારબીજ રેડ્યાં, દૃઢ કર્યાં. જે તેમની કાવ્યસર્જનની પ્રક્રિયામાં મ્હોર્યાં. આ રીતે વેણીભાઈનો કવિપિંડ પોષાયો. અમદાવાદના વસવાટ દરમિયાન વેણીભાઈને કવિશ્રી ઉમાશંકર જોશી અને શ્રી રા. વિ. પાઠક સાથે સંપર્ક થયો. ઉમાશંકર જોશી તેમને ‘બંદો બદામી’ કહેતા. અમદાવાદમાં ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય’માં કવિશ્રી બાલમુકુન્દ દવે સાથે ઘનિષ્ઠ સંબંધ પાંગર્યો. તેમની બેઠક કાર્યાલયના ઉપરના મેડા પર. બાલમુકુન્દ દવે લખે છેઃ ‘સામે જ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું પુરાણું મકાન. એના કોટની રાંગે એક પીપળો ઊગી નીકળેલો. અમારી બારીમાંથી એ દેખાયા કરે. એ પરથી વેણીભાઈએ ‘ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો’ – એ રચના કરી અને મેં ‘ખંડર પરનો પીપળો’ – એ સૉનેટ લખ્યું.’ આમ કવિમિત્રોનો સહવાસ તેમજ ‘બુધસભા’નું સાન્નિધ્ય વગેરે પરિબળોએ વેણીભાઈની સર્જકપ્રતિભાનું ઘડતર કર્યું.
વેણીભાઈએ પોતાની સર્જનપ્રક્રિયા વિશે લખ્યું છે – ‘કવિતા મારી પાસે અણધારી જ આવે છે અને આવે છે ત્યારે પોતાનો આકાર અને લય સાથે જ લઈને આવે છે... ...એ કવિતા કોઈ ગીત હોય, સૉનેટ હોય, ભજન હોય કે કોઈ ભારઝલી રચના હોય...’ વેણીભાઈએ ગીત, ભજન, ગઝલ, સૉનેટ, મુક્તક તેમજ લાંબા વર્ણનાત્મક કાવ્યો આપ્યાં છે. પરંતુ ગીત અને ભજન તેમની કલમને વધારે માફક આવ્યાં છે. તેમની કાવ્યરચનાઓમાં સંસ્કૃત વૃત્તો, માત્રામેળ દેશીઓ તેમજ અછાંદસ પણ છે. બાળપણમાં સતત કાને પડેલા સંગીતસૂરો તેમની કવિતામાં સહજ રીતે ઝિલાયાં છે. લયની પ્રવાહિતા એ તેમની કવિતાની સિદ્ધિ છે. તેમનાં ગીતોમાં અને ભજનોમાં તેમની કવિત્વશક્તિ ખીલી છે. આ સૌંદર્યરસિક, રંગદર્શી કવિનાં કેટલાંક ગીતો જોઈએઃ ‘જેમ કે, ‘નાનકડી નારનો મેળો’ —
હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં,
તેજના ટશિયા ફૂટે રે લોલઃ
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં,
ખીલેથી વાછડાં છૂટે રે લોલ.
હાલોને સહિયર! પાણીડાં જઈએ,
વીરડે વાતું કરશું રે લોલઃ
વાટકે વાટકે ભરશું રે લોલ.