કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/કવિ અને કવિતાઃ મનહર મોદી
આધુનિક ઉન્મેષથી થનગનતા પ્રયોગશીલ કવિ મનહર મોદીનો જન્મ તા. ૧૫-૦૪-૧૯૩૭ના રોજ અમદાવાદમાં થયો હતો. કબીરપંથી પરિવાર. પિતા શાંતિલાલ કરિયાણાની દુકાન ચલાવતા. માતા ગજીબહેન. મનહર મોદીનું શાળા તથા કૉલેજનું શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૨માં અર્થશાસ્ત્ર તથા આંકડાશાસ્ત્ર સાથે બી.એ.; ૧૯૬૪માં બીજી વાર ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ.; ૧૯૬૬માં ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાંથી ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે એમ.એ. થયા. અભ્યાસ સાથે નોકરી કરી — ૧૯૫૬થી ૧૯૫૮ સુધી ટૅક્સટાઇલ ડિઝાઇન સેલ્સમૅન, ૧૯૫૮થી ૧૯૬૬ સુધી વેસ્ટર્ન રેલવેમાં ટિકિટક્લાર્ક. ૧૯૬૬માં ડાકોરની કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે એક વર્ષ અધ્યાપન. ત્યારબાદ અમદાવાદમાં ભક્ત વલ્લભ ધોળા આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા અને ૧૯૯૭માં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા. ત્યારબાદ એમણે પ્રકાશન સંસ્થા ‘રન્નાદે’ શરૂ કરી. થોડા સમય માટે તેઓ ‘નિરીક્ષક’, ‘ઉદ્ગાર’ તથા ‘પરબ’ના તંત્રી રહ્યા. રન્નાદે પ્રકાશનસંસ્થા શરૂ કર્યા પછી ‘ઓળખ’ના તંત્રી રહ્યા. તેઓ ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ તથા ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ રહ્યા. તા. ૨૩-૦૨-૨૦૦૩ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું. ૧૯૯૮માં તેમને ધનજી કાનજી સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. આ ઉપરાંત કલાપી પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકોથી સન્માનિત. મનહર મોદી પાસેથી ‘આકૃતિ’ (૧૯૬૩), ‘ૐ તત્ સત્’ (૧૯૬૭), ‘૧૧ દરિયા’ (૧૯૮૬), ‘હસુમતી અને બીજાં’ (૧૯૮૭), ‘એક વધારાની ક્ષણ’ (૧૯૯૩), ‘મનહર અને મોદી’ (૧૯૯૮) જેવાં કાવ્યગ્રંથો પ્રાપ્ત થયા છે.
૧૯૬૨થી મનહર મોદી ‘કુમાર’ કાર્યાલયમાં ચાલતી ‘બુધસભા’માં જવા લાગ્યા. મુ. બચુભાઈની બુધસભામાં તેમના છંદો પાકા થયા ને કવિતાની સમજણ વિકસતી ગઈ. ગઝલસર્જનની શરૂઆતના ગાળામાં તેમને અંબાલાલ ડાયરનું માર્ગદર્શન મળ્યું હતું. ‘બુધસભા’માં એમને આદિલ મન્સૂરી, ચિનુ મોદી, લાભશંકર ઠાકર તથા ચંદ્રકાન્ત શેઠ જેવા કવિમિત્રો મળ્યા. લાભશંકર તથા એમના કવિમિત્રોએ ‘રે મઠ’ શરૂ કર્યું. મનહર મોદી ‘રે મઠ’માં સક્રિય રહ્યા. કવિતામાં ભાંગફોડ ને મસ્તીભર્યાં તોફાનો કરવા માટે એમને ‘રે મઠ’માં એમના નિજી મસ્તી-મિજાજને સાનુકૂળ એવું મોકળું મેદાન મળ્યું ને કવિતામાં એમના અ-રૂઢ ખેલ ખેલાવા લાગ્યા.
ભાષા સાથે ભાંગફોડ કરનાર, પરંપરા તથા વ્યવહારિક ભાષાને સખળડખળ કરનાર મનહર મોદીની મોટી મોટી પહોળી આંખોમાં વિસ્મયમઢ્યું તોફાન તગતગતું. અરૂઢ રીતિથી, અ-તર્ક – અન્-અર્થ થકી કાવ્યને અને જાતને પામવાના ભારે અભરખા. પોતાનો પરિચય તેઓ આમ આપે છે –
‘એ જ છે મારા પરિચયની કથા,
ગા લ ગા ગાગા લગાગાગા લગા.’
આ કવિ પોતાની જાતને કઈ કઈ રીતે સંબોધે છે! ક્યારેક ‘મનહરલાલજી’ (રા. વિ. પાઠના ‘નટવરલાલજી’ યાદ આવે), ક્યારેક ‘મનહરા!’ કહીને, ક્યારેક ‘ઈશ્વર કહીને,’ –
‘કહી દો
કે
મનહર મોદીનું નામ ઈશ્વર છે
અને
ઈશ્વર તો ક્યારનોયે મરી પરવાર્યો છે.’
તો ક્યારેક, ‘મનહર અને મોદી’-કહીને! જાણે મગની બે ફાડ જુદી! અને આ બે ફાડ વચ્ચેનો તાલમેલ કેવો છે?! —
‘મનહર મોદી મનહર મોદીના નામનો બકવાસ કરી કરીને
મનહર મોદીને મારી નાખશે.’
જાતની અને ઈશ્વરનીય વિડંબના કરીને આ કવિ ખાટી-મીઠી-બહેરી-મૂંગી-લાલ-પીળી-લીલી-ખરબચડી-લીસ્સી ક્રીડાય કરે! જેમ કે, આ કવિમાં ઈશ્વર કઈ રીતે પ્રગટ થાય છે? –
‘ઈશ્વર જેવો લાગે છે
ઓ ઊભો ત્યાં એક ડફોળ’
‘ખખડે ખાલી દ્વાર, ખુદાજી,
અંદર છો કે બહાર, ખુદાજી.’
મનહર મોદીનો વિશેષ પરિચય આપતા, એમનો ‘હું’ રજૂ કરતા કેટલાક શેર –
‘બંધ થઈ જાઉં આજ શબ્દ બની,
એટલો ઊઘડી ગયો છું હું.’
‘ડોલે છે ને દોડે છે,
મનહર મોદીની ચગડોળ’
‘થાકે – તેને ઊંચકે છે,
હું ને મારો પડછાયો.’
‘હોડીમાં હું બેઠો છું,
દરિયાને હંકારું છું.’
‘મેં મને ખૂબ ખૂબ ઘૂંટ્યો છે,
ને મને આવડી ગયો છું હું.’
‘હું નથી, હું નથી, એમ જાણ્યા પછી,
આવવા ને જવા, જાગ ને જાદવા.’
પોતાની જાતનાં આટઆટલાં ભિન્ન ભિન્ન રૂપો પ્રગટાવવા છતાં ભીતરની Integrity તો અખંડ છે –
‘ટુકડે ટુકડે આખો છું હું,
છેક સુધી લંબાયો છું હું.’
જાણે કોઈ કૅલિડોસ્કૉપથી આ કવિએ જાતના ટુકડાઓને અને એની અખંડતાને અનેક સ્વ-રૂપોમાં જાણી-નાણી-માણી છે. ભાષાને તોડી-ફોડી-મરોડી નિજ કાવ્યભાષા-બાની પ્રગટાવવા તથા કાવ્યાનુભૂતિ ચમકાવવા મથનાર આ કવિ કવિતા વિશે શું કહે છે?! –
કવિતા
એકલ દોકલ ભડકે એવી
ભૂંડી.
ઓગાળે ખંડેર,
કાપે અવાજ,
ચીરે ધુમ્મસની ખોપરીઓ
ખોદે ઘાસ ઘાસનો રંગ.
ગલીકૂંચીમાં મકાન જેવી
ઊંડી.
ખાટું પહેરે,
પીળું ખાય.’
સંકુલ સંવેદનોનું તાજગીસભર કલ્પનો દ્વારા ઍબ્સ્ટ્રૅક્ટ શબ્દચિત્રોમાં રૂપાંતર કરીને આ કવિ કાવ્ય-ચમત્કાર કરે છે. સુરેશ જોષીને તેમના ‘તરડાયેલા પડછાયા’ કાવ્યસંદર્ભે રેેમ્બ્રોન્ટ જેવો કવિ યાદ આવે છે –
‘જાઓ.
તરડાયેલા પડછાયા પહોંચાડી આવો
સાગરમાં છે વહાણ ઊભું.’
મનહર મોદીનાં કાવ્યો, ગઝલોમાં ઍબ્સર્ડ કહી શકાય તેવાં તાજગીભર્યાં ઍબ્સ્ટ્રૅક્ટ શબ્દચિત્રો મળે છે. આદિલ મન્સૂરીએ મનહર મોદીને પહેલા અને કદાચ છેલ્લા ઍબ્સર્ડ ગુજરાતી ગઝલકાર કહેલા અને અગાસી રદીફવાળી ગઝલનું ઉદાહરણ આપેલું. તેનો એક શે’ર —
‘બધી બારીઓ થાય છે બંધ ત્યારે
ઊઠે છે ને ઘરમાં ફરે છે અગાસી.’
મનહર મોદીના કાવ્યસંગ્રહ ‘ૐ તત્ સત્’ની અછાંદસ કવિતા વિશે દિનેશ કોઠારીએ નોંધ્યું છે — ‘પોતાની અંતર્ગત ભાષાની (જીવનની પણ) તાર્કિકતા અને જેહાદ જગાડનાર કવિ લાભશંકરે પણ રૂઢ ભાષાની આવી અને આટલી તોડફોડ કરી નથી. અભિધાથી દૂરના દૂર ચાલ્યા જઈને તેઓ absurd કવિતા સુધી પહોંચી જાય છે.’ આધુનિકતાનો ગાળો વહી ગયો એ પછી આ જ કવિમાં કેવા વળાંકો આવ્યા એ જોવુંય રસપ્રદ બની રહે. તર્કનો હ્રાસ કરનાર, અન્-અર્થ તરફ જનાર આ કવિ-ગઝલકાર એમની બીજી ઇનિંગ ખેલતી વખતે સહજ સાદગી દ્વારા સીધો-સોંસરો બોધ પણ આપે છે. જેમ કે –
‘માણસ છો તો માણસ રહીને કરજો એવાં કામ;
ઈશ્વર જોવા દોડી આવે, બોલે ઝીણા મોર.’
‘આપણે આપણું હોય એથી વધુ,
અન્યને આપવા, જાગ ને જાદવા.’
પહેલી ઇનિંગમાં ‘અગાસી’, ‘કૂકડો’, ‘અવાજો’, ‘ઊંઘ’ જેવા રદીફ લઈને પ્રયોગો કરનાર આ ગઝલકાર એમની બીજી ઇનિંગમાં કેટલાંક જાણીતાં પદોમાંથી ‘બોલે ઝીણા મોર’, ‘મુખડાની માયા’, ‘જાગ ને જાદવા’ જેવાં રદીફો લઈ, સરળ બાની દ્વારા ઊંડાણસભર ગઝલકાવ્યો રચે છે! અદ્યતન ગુજરાતી ગઝલની ગતિ વિશે મનહર મોદીએ વક્તવ્ય આપેલું. એનો એક ફકરો જોઈએ – જેમાંથી મનહર મોદીની રચના-પ્રક્રિયા પમાય છે – ‘સતત મથવું, સામા છેડેથી તરવું, પોતાના શબ્દને અણિશુદ્ધ ચોખ્ખો ને સાફસૂથરો રાખવો, સ્વરૂપની ‘જડતા’ને ધક્કો મારવો. ગઝલિયતમાં શેરિયત અને શેરિયતમાં ગઝલિયતના અંશો દાખલ કરવા. વિષયથી માંડીને અ-વિષય સુધી જવું-આવવું, શબ્દમાંથી શબ્દને Improvise કરવો, સાદગી અને છાકનાં અનેક રૂપો સર્જવાં, ‘મસ્તી’ને નોખાં ત્રાજવાં અને કાંટાથી તોલવી, ‘મિજાજ’ને પામવા અને માપવાની સભાન સજ્જતા કેળવવી, ‘અ’ને ‘ક’ કહેવો અને પુરવાર કરવો. આ અને આવું બધું અમારાથી શરૂ થયું અને ચાલ્યા કરે છે.’ — આવા આવા કીમિયા કરનાર આ ખેલંદા કવિ-ગઝલકારના કેટલાક ઉત્તમ શેર —
‘મારી કને કશુંય નથી એમ ના કહું,
મારું બધુંય હોય છે મારા સિવાયમાં.’
‘પોલાં શરીર જેવા દેખાવ થઈ ગયા છે,
પથ્થર હતા તે અમને વાગી તૂટી ગયા છે.’
‘જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર?
પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર?’
‘આ ઘર તે ઘર ઘરમાંયે ઘર,
માણસ માણસ માણસ માગે.’
‘બને તો એમને કહેજો કે ખુશબો મ્યાનમાં રાખે,
બગીચામાં બધાં ફૂલોની હમણાં ઘાત ચાલે છે.’
‘પવનની ગતિ એમ લાગે છે જાણે,
દિશાઓ ઉપાડીને ચાલે છે ગાડું!’
‘ગૂર્જરી ગઝલો વિનાની પાંગળી ફિક્કી હજો ના,
લો લખી લો માલ-મિલકત આપણા અગિયાર દરિયા.’
ગૂર્જરી ગઝલોને અગિયાર દરિયા આપનાર, ગઝલિયત અને શેરિયતમાં ‘મનહરિયત’ પેટાવનાર, અકારણ અર્થનું ઈંડું સડતું રાખીને ‘શબ્દમાં શબ્દાશ’ પ્રગટાવનાર, અક્ષરમાં બેસીને જાતને માપનાર આ કવિ-ગઝલકારને શત શત વંદન, સો સો સલામ. તા. ૫-૬-૨૦૨૨ – યોગેશ જોષી વિશ્વ પર્યાવરણ દિવસ