રાણો પ્રતાપ/નિવેદન
આ નાટકમાં મહેરઉન્નિસા, દૌલતઉન્નિસા અને ઇરા — એ ત્રણ ચરિત્રો કવિનાં કલ્પિત છે; એટલે એની સાથે સંબંધ ધરાવનારાં દૃશ્યો પણ કલ્પિત જ માનવાં. તે સિવાયની લગભગ ઘણીખરી હકીકતો ટોડ સાહેબકૃત ‘રાજસ્થાન’માંથી લેવાયેલી છે. પ્રતાપે લખેલો માફીપત્ર, [1] ખુશરોજ (નવરોજ) નામથી ભરાતો મહિલા-મેળો, એમાં અકબરનું ગુપ્તગમન, વિલાસસેવન અને પૃથ્વીરાજની પત્નીએ પોતાનું શિયળ રક્ષવા બતાવેલી કટાર — એ બધું ‘રાજસ્થાન’માં ટોડ સાહેબે મૂક્યું છે, એટલું જ નહિ પણ એની પ્રામાણિકતાના સમર્થનમાં પોતાનો મત પણ આપ્યો છે. મહેર, દૌલત અને ઇરાનાં પાત્રોને કલ્પિત માનતાં પહેલાં મન હજારો વાર વસમા આંચકા ખાય છે. એ ત્રણેયના જીવનમાં કવિએ માનવ-જીવનનાં ઊંડાં ઘમસાણો આલેખ્યાં છે, જગત બહારના સંદેશા કહાવ્યા છે : જાતિ જાતિ વચ્ચેની ને માનવી માનવી વચ્ચેની દીવાલો ભેદીને કેમ જાણે કવિ જગતને જોડી દેવા માગતો હોય! ફિનશરાના દુર્ગ ઉપર આખર કાળે ઊભેલાં દૌલત અને શક્ત — એ છબી આજ સુધી કોઈએ બતાવી સાંભળી નથી. આ જગતની દૃષ્ટિએ તો છોને એ કલ્પના રહી! પણ ઉસ પારનું તો એ સત્ય જ છે. અને આખરે સત્ય શું? કલ્પના શું? ‘ટ્રુથ ઇઝ બ્યૂટી, બ્યૂટી ઇઝ ટ્રુથ’ — સૌંદર્ય એ જ સત્ય છે. અસલ ગીતો બધાં અતિ-અતિ મીઠાં છે. ધીરી ધીરી બંસીની સાથે બંગાળી રંગભૂમિ પર ગવાતાં એ સાંભળ્યાં છે. દુઃખ એ છે કે એને એવાં જ સુંદર ગુજરાતી પદોમાં ઉતારી શકાયાં નહિ. એક રીતે એ ધૃષ્ટતા નથી થઈ તે પણ સુખની વાત છે. વાચકો એના ભાવમાંથી, જેની જેટલી કલ્પના પહોંચે તેટલી મીઠાશ મેળવી શકે. સોળ વરસના સ્નેહમધુર ઘરવાસ પછી અચાનક દ્વિજેન્દ્રલાલનાં પત્નીની આંખ મિચાણી. એ વેદનાને વીસરવા કવિ મથતા હતા; જગત પાસે મોં હસતું રાખી એકાંતે રડતા હતા. અચાનક ટૉડકૃત ‘રાજસ્થાન’ વિધિએ એમના હાથમાં મૂક્યું, વાંચ્યું, ઉદ્ગાર નીકળ્યો કે ‘ઓહો!’ આ બની શકે? માનવી — આપણા જેવો જ એક માનવી, આટલું બધું કરી શકે?’ તે વખતે ‘રાજસ્થાન’ના એ ઉઘાડા પાના પર મોટે અક્ષરે લખેલું : ‘પ્રતાપસિંહ.’ વેદના બધી પીગળીને એની કલમમાં ઊતરી ગઈ. કવિએ લખવા માંડ્યું. પરિણામ : પ્રતાપસિંહ, મેવાડપતન, દુર્ગાદાસ, શાહજહાં, નૂરજહાં, તારાબાઈ વગેરે નાટકો. પત્નીનાં આથી વધુ સુંદર શ્રાદ્ધ બીજાં ક્યાં હોય? તાજમહાલને માટે પણ લખાયું કે प्रस्तरीभूत प्रेमाश्रु — પથ્થરના રૂપમાં પલટી ગયેલું, થીજી ગયેલું, એક પ્રેમાશ્રુ! કવિનાં પણ આ બધાં, નાટકરૂપે ઝરેલાં વિરહાશ્રુઓ જ હશે. દ્વિજેન્દ્રલાલ નાટકિયા નહોતા, ધંધાદારી નાટ્યકાર પણ નહોતા : કુલીન બંગાળી કુટુમ્બના સુશિક્ષિત બાળક હતા. યુવાવસ્થામાં સરકારી સ્કોલરશિપ લઈને વિલાયત ખેતીવાડીનો અભ્યાસ કરી આવેલા અને સારા પગારની સરકારી નોકરી પર હતા. તે વખતે તરુણોને માટે વિલાયતનું જીવન સહીસલામત નહોતું; ભ્રષ્ટાચારમાંથી ભાગ્યે જ કોઈ બચતો. આપણા દ્વિજેન્દ્ર પર તો એક ખૂબસૂરત ને વિદુષી અંગ્રેજ રમણી મુગ્ધ હતી, એને માટે ટળવળતી મરવા પડી હતી; છતાં દ્વિજેન્દ્ર તો એ અગ્નિની અંદરથી શુદ્ધ કંચન રહીને જ પાછો વળેલો. પોતાનાં પત્નીનાં અવસાન પછી પુનર્લગ્નની બધી લાલચો સામે તે અડગ રહેલા. એ અદ્ભુત જોશમાંથી ‘પ્રતાપસિંહ’ જેવી નાટ્યકૃતિઓ જન્મી શકે. એ વાણીગૌરવ, એ ભાવોનો પ્રચંડ વેગ, વીંધીને સોંસરી ચાલી જતી તેજીલી કટાર સમી એ ક્ષત્રિયાણીઓની મૂર્તિઓ : સંયમહીનો, કાયરો કે પતિતોની કલમમાં એવા જોશ કદી જન્મ્યાં નથી. જગતને, ખાસ કરીને ભારતવર્ષને, આજ દ્વિજેન્દ્રલાલ સમા બળશાળી લેખકોની જરૂર છે, કે જેની લેખિનીમાંથી અંગાર વરસી શકે. એટલો પ્રખર છતાંયે કેટલો સુકોમળ! મહેર દૌલત અને ઇરાની મૂર્તિઓ શું એ જ હાથે ઘડેલી, જે હાથે રાજસ્થાનનાં રણવાસની જ્વાળાઓને ઝીલી ઝીલી એમાંથી જોશીબાઈ જેવી રજપૂતાણી પેદા કરી! એકનો એક એ હાથ! સાચા બળવંતની એ જ બલિહારી છે. પ્રભાતે ફૂલોને પંપાળીને હસાવનારાં સૂર્યદેવનાં એનાં એ કિરણો મધ્યાહ્ને મોતની વરાળો છોડે છે, ને સાંજે પાછાં સરોવર પરની કોઈ પોયણીને શીતળ ચુંબન આપી હસાવી લે છે. બલહીનના ઉચ્ચારમાં જોશ નથી હોતું; રીસ હોય છે, બકવાદ હોય છે. નાટકોનાં પાત્રોને મુખે તીખા તમતમતા શેરો બોલાવવાની ને વાતચીતમાં પણ પ્રાસાનુપ્રાસ ઠોકી બેસાડવાની આદત આપણા ગુજરાતી નાટ્યકારોને બહુ પડી છે. બીજી ઘણીયે આદતોએ આપણી લોકરુચિને વણસાડી છે. કોઈ ગુજરાતી નાટ્યકાર દ્વિજેન્દ્રની કળાને ધીરજથી તપાસે તો સારું. રાણપુર : સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર : 21-7-’23 ઝવેરચંદ મેઘાણી
- ↑ ‘માફીપત્ર’ની વાત શ્રી ગૌરીશંકરજી ઓઝાએ, બીજી કેટલીક વાતોની માફક, નિર્મૂલ ઠરાવી છે.