ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખા ભગત-અખાજી-અખો

From Ekatra Wiki
Revision as of 16:31, 29 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અખા(ભગત)/અખાજી/અખો'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અખા(ભગત)/અખાજી/અખો [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. જ્ઞાતિએ સોની. કોઈ પરજિયા તો કોઈ શ્રીમાળી સોની હોવાનું કહે છે. ‘ગુરુશિષ્ય-સંવાદ’ની ઈ.૧૬૪૫માં અને ‘અખે-ગીતા’ની ઈ.૧૬૪૯માં રચના તથા ગુરુ ગોકુળનાથનું ઈ.૧૬૪૧માં અવસાન - આ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ.૧૭મી સદીના પાંચમા દાયકાની આસપાસનો અને જીવનકાળ ઓછામાં ઓછો ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ હોવાનું અનુમાની શકાય. જનશ્રુતિ અનુસાર આ કવિ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા અને પિતાની સાથે અમદાવાદમાં આવી વસેલા. અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળમાં એક મકાનના ખંડને અખાના ઓરડા તરીકે ઓળખાવવામાં આવે છે. ઈ.૧૯૨૭ના અરસામાં વિદ્યમાન લલ્લુભાઈ ધોળીદાસે ન. દે. મહેતાને ઉતરાવેલા પેઢીનામા પ્રમાણે આ કવિ લલ્લુભાઈની પાંચમી પેઢીએ થયેલા ગંગારામના ભાઈ હતા અને એમના પિતાનું નામ રહિયાદાસ હતું. અખા-ભગત અને એમના બીજા ભાઈ ધમાસી નિ:સંતાન હતા. અખાએ બાળપણમાં માતા અને જુવાનીમાં પિતા, એકની એક બહેન તથા એક પછી એક ૨ પત્નીઓને ગુમાવ્યાં હતાં. વંશાનુગત સોનીનો વ્યવસાય કરતા આ કવિ કેટલોક સમય ટંકશાળના ઉપરી બન્યા હતા. ધર્મની માનેલી એક બહેને તેમની પાસે કરાવેલી કંઠીની બાબતમાં તેમના પર અવિશ્વાસ મૂક્યો તેમ જ ટંકશાળમાં એમના પર ભેળસેળનો ખોટો આરોપ મુકાયો. એથી નિર્વેદ પામી એ સંસાર છોડી તત્ત્વશોધમાં નીકળી પડ્યા. અખા વિશેની આ જનશ્રુતિઓ માટે કોઈ પ્રમાણભૂત આધારો નથી. ૨૫૦-૩૦૦ વર્ષે અખાની પાંચમી પેઢી જ હયાત હોય એ ઉમાશંકર જોશીને બંધબેસતું લાગતું નથી. સોનીના વ્યવસાય કે ટંકશાળને લગતા શબ્દો અખાની કૃતિઓમાં આવે છે ખરા, પણ બીજા ઘણા વ્યવસાયોને લગતા શબ્દો પણ અખા પાસેથી મળતા હોવાથી એમનો વ્યવસાય નક્કી કરવામાં આ પ્રમાણ કેટલું ઉપયોગી ગણાય એ વિશે અભ્યાસીઓને શંકા છે. ગોકુળનાથને ગુરુ કર્યાનો ઉલ્લેખ કવિ પોતે એક છપ્પામાં કરતા હોવાથી એ કેટલોક સમય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હોવાનું જણાય છે. પરંતુ એનાથી એમને ઝાઝો સંતોષ થયો લાગતો નથી (“વિચાર નગુરાનો નગુરો રહ્યો” - છપ્પા, ૧૬૮). આ પછી કાશીમાં બ્રહ્માનંદ ગુરુએ અખાની તત્ત્વજિજ્ઞાસા સંતોષી એવી જનશ્રુતિ છે. અખાની કૃતિઓમાં પણ અવારનવાર ‘બ્રહ્માનંદ’ નામ મળે છે, પણ એ ગુરુનું નામ છે કે ‘બ્રહ્મનો આનંદ’ એવા અર્થનો પ્રયોગ છે એ વિશે મતભેદ પ્રવર્તે છે. જંબુસર પાસેના ક્હાનવા બંગલાના ભગવાનજી મહારાજ અખાની શિષ્યપરંપરામાં સાતમા હોવાનું બતાવતું અક્ષયવૃક્ષ મળે છે પણ ૩૦૦ જેટલાં વર્ષોમાં માત્ર ૭ ગાદીધરો થયા હોય એ વાત પણ શંકાતીત ગણાતી નથી. અખાનાં શિક્ષણ, સાધના અને અનુભવ વિશેની બીજી કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ ‘ગુરુશિષ્ય-સંવાદ’ના સંમતિના સંસ્કૃત શ્લોક એની સંસ્કૃતની જાણકારી અને ‘અખે-ગીતા’ના ત્રીજા કડવામાં નિર્દિષ્ટ અધ્યાત્મબોધની એતદ્દેશીય પરંપરા એમની એ વિષયની સજ્જતા બતાવે છે. અખાના ગ્રંથોમાંના નિર્દેશોના આધારે ન. દે. મહેતા અખાએ શ્રવણ દ્વારા સારી રીતે સમજેલા યોગવાસિષ્ઠાદિ ૧૦ ગ્રંથોની યાદી આપે છે. પુરાણો, જ્યોતિષ, ખગોળ, શિલ્પ, સંગીત, ખેતી, ઔષધિ વગેરે વિષયો, વિવિધ વ્યવસાયો, ખનિજો, વનસ્પતિઓ, પશુપંખીઓ લોકસમયો અને કવિસમયો - આ બધાંને દૃષ્ટાંતાદિક રૂપે પ્રચુરપણે ઉપયોગમાં લેતા આ કવિ ઐહિક જગત પરત્વે પણ બહુશ્રુત અને અસાધારણ અનુભવમૂડી ધરાવતા પ્રતીત થાય છે. ગુજરાતી ઉપરાંત હિંદીમાં સાહિત્યસર્જન, ‘ઝૂલણા’માં પંજાબીમિશ્રિત ફારસીપ્રધાન હિંદીનો વિનિયોગ તથા અન્ય કવિતામાં મારવાડી, કચ્છી વગેરે અનેક ભાષા-બોલીઓના જોવા મળતા શબ્દો અખાના વિવિધ પ્રદેશોના સીધા સંપર્કના અથવા તો એમની બહુશ્રુતતાના એક વિશેષ પ્રમાણરૂપ હોઈ શકે. અખાએ ખેડેલા સાખી જેવા કાવ્યપ્રકારો કબીર, દાદુ જેવા અખિલ ભારતીય કક્ષાના કવિઓની અસર દર્શાવે છે, તો સામે પક્ષે સિંધી લિપિમાં મળતી અખાની કૃતિઓ તથા સિંધના હંસદેવ આશ્રમ તરફથી પ્રકાશિત ગ્રંથોમાં સમાવેશ પામતાં એમનાં પદો બતાવે છે કે અખાનો ગુજરાત બહાર ભારતીય સંતપરંપરામાં સ્વીકાર થયેલો છે. ગુજરાતીમાં ઈ.૧૭મી સદીમાં બળવત્તર બનેલી જ્ઞાનમાર્ગી કવિતાધારાના અખા-ભગત સૌથી મોટા પ્રતિનિધિ છે. એકંદરે એ શંકરાચાર્યના કેવલાદ્વૈત વેદાંતને અનુસરતું તત્ત્વનિરૂપણ કરે છે, પણ એમાં ચુસ્તપણે બંધાયેલા રહેતા નથી. ગોપાલ, બુટિયા અને નરહરિની જેમ એ શંકરાચાર્યના વિવર્તવાદને સ્થાને ગૌડપાદાચાર્યના અજાતવાદને સ્વીકારે છે, એમનો બ્રહ્મવાદ સર્વાત્મવાદને તથા નિર્ગુણવાદ સગુણવાદને સમાસ આપે છે અને જ્ઞાનને એ આત્મસિદ્ધિનું શિરમોર સાધન માનતા હોવા છતાં ભક્તિ, વૈરાગ્ય અને યોગને આત્મસાધનામાં ઉચિત સ્થાન આપે છે. અંતે જતાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને એક રૂપે પણ ઘટાવે છે. શંકરાચાર્યની જેમ એ વિરક્તને માટે સંન્યાસમાર્ગનો આગ્રહ રાખતા નથી. અખાની સર્વ કૃતિઓને તપાસતાં તેમનો તત્ત્વવિચાર કોઈ વીગતોમાં બદલાયેલો કે વિકસિત રૂપ પામેલો દેખાય છે. જેમ કે, ‘પંચીકરણ’ અને ‘ગુરુશિષ્ય-સંવાદ’માં સૃષ્ટિદૃષ્ટિવાદનો સ્વીકાર છે એટલે કે પરમેશ્વરની ઇચ્છાથી ઉત્પન્ન થયેલું જગત વ્યાવહારિક સત્તા ધરાવે છે અને જીવ એને ભિન્ન દૃષ્ટિથી જુએ છે તેથી દ્વૈત ઉત્પન્ન થાય છે એવો મત રજૂ થયો છે. ‘ચિત્તવિચાર-સંવાદ’માં દૃષ્ટિસૃષ્ટિવાદનો એટલે કે આપણા અનુભવમાં આવતું જગત આપણા ચિત્તે નામરૂપની મિથ્યા વાસનાથી ઊભું કરેલું છે એવા મતનો સ્વીકાર છે. અખાએ પોતાના ગ્રંથોમાં વેદાન્તવિચારનું પારિભાષિક નિરૂપણ કર્યું છે અને બૌદ્ધોના શૂન્યવાદ ને વેદાંતના બ્રહ્મવાદ વચ્ચેનો ભેદ દર્શાવવા જેવું (‘અખે-ગીતા’, કડવાં ૨૫-૨૬-૨૭) ઝીણું કામ પણ કર્યું છે, છતાં શાસ્ત્રજ્ઞાન કે દાર્શનિક મતને એ અધ્યાત્મસાધનામાં સર્વોપરી મહત્ત્વ આપતા નથી. ષડ્દર્શનોના મતાગ્રહોની તો એ હાંસી ઉડાવે છે. તત્ત્વજ્ઞાન અખાની દૃષ્ટિએ જીવનનું પરમ લક્ષ્ય છે, પણ એ તત્ત્વજ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન કે દાર્શનિક મત નહીં, પણ જગતના મૂળ તત્ત્વનો - પરમાત્મતત્ત્વનો અંતરમાં થતો અનુભવ, આતમસૂઝ. એટલે જ એ શબરી, કરમાબાઈ જેવાં નિરક્ષર જ્ઞાની ભક્તોનો આદરપૂર્વક ઉલ્લેખ કરે છે. અખાએ, ખાસ કરીને છપ્પામાં, તત્કાલીન ધાર્મિક-સામાજિક આચારવિચારોની બારીક પરીક્ષા કરી છે અને જ્યાંજ્યાં દંભ, પાખંડ, વહેમ, અજ્ઞાન, અબૌદ્ધિકતા, રૂઢિવશતા દેખાયાં ત્યાંત્યાં એને નિર્મમપણે ઉઘાડાં પાડ્યાં છે. દંભી ભક્તો, પાખંડી ગુરુઓ, કર્મકાંડ, તીર્થાટન, દેહદમન અને અન્ય બાહ્યાચારો ઉપરાંત અવતારવાદ, પુનર્જન્મ, સંસ્કૃત ભાષાનો મહિમા, વર્ણાશ્રમધર્મ, કર્મવાદ તથા ભૂતપ્રેત-જ્યોતિષ-આભડછેટની માન્યતાઓ ઉપર પણ અખાજીએ પ્રહાર કર્યા છે તે તેમની સર્વગ્રાહી જાગ્રત વિચારશક્તિનો આપણને પરિચય કરાવે છે. પણ અખા-ભગત માત્ર ચિંતક કે ચિકિત્સક કે તટસ્થ જ્ઞાની નથી, સંસારને સાથે લઈને ઊંચે જવા માગનાર સંત છે. મનુષ્યમાત્રના કલ્યાણનો એક આવેશ એમનામાં સતત ધબકતો દેખાય છે. અખામાં મુનશીને જીવનના ઉલ્લાસને સ્થાને શુષ્ક વૈરાગ્ય પ્રેરતી પરલોકપરાયણતા જણાઈ છે; પરંતુ વસ્તુત: એમનામાં આ રીતનો ઐહિક જીવનનો સર્વાંશે તિરસ્કાર નથી. એ નિષ્કર્મણ્યતા નહીં, પણ નિષ્કામતા પ્રબોધે છે, અને સંસારી રસને સ્થાને એમણે દિવ્ય ઉલ્લાસ, ‘અક્ષયરસ’ તરફ નજર માંડી છે તથા એ અક્ષયરસની અનુભૂતિનું ઉમંગભેર ગાન પણ કર્યું છે. ગુજરાતીમાં તેમ જ સાધુશાઈ હિંદીમાં રચાયેલી અખાની સઘળી કૃતિઓ તત્ત્વવિચારાત્મક છે. રચનાસંવત ૨ કૃતિઓની જ મળે છે એટલે બધી કૃતિઓના કાલક્રમ વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. પણ વિચારવિકાસ, શૈલીની પરિપક્વતા, કાવ્યગુણનો ઉત્કર્ષ આદિ ધોરણોથી મહત્ત્વની કૃતિઓના રચનાક્રમ વિશે સહેજસાજ વીગત-ફેરવાળાં અનુમાનો થયાં છે તેમાં ઉમાશંકરે સૂચવેલો રચનાક્રમ આ પ્રમાણે છે : ‘અવસ્થાનિરૂપણ’, ‘પંચીકરણ’, ‘ગુરુશિષ્ય-સંવાદ’ (ર.ઈ.૧૬૪૫/સં. ૧૭૦૧, જેઠ વદ ૯, સોમવાર), ‘સંતપ્રિયા’, ‘ચિત્તવિચાર-સંવાદ’, ‘બ્રહ્મલીલા’, ‘અનુભવબિંદુ’, ‘અખે-ગીતા’ (ર. ઈ.૧૬૪૯/સં. ૧૭૦૫, ચૈત્ર સુદ ૯, સોમવાર). છપ્પા જેવા પ્રકારની રચનાઓ લાંબા સમયપટમાં છૂટકછૂટક થઈ હોવાની શક્યતા છે. થોડાંક પદો અને થોડીક સાખીઓ સિવાયનું અખાનું સઘળું સાહિત્ય મુદ્રિત છે. ગુજરાતી કૃતિઓમાં ચોપાઈની ૧૦-૧૦ કડીના-૪ ખંડમાં વિભક્ત ‘અવસ્થાનિરૂપણ’ ← અને ચોપાઈની ૧૦૨ કડીની ‘પંચીકરણ’ ← અનુક્રમે શરીરાવસ્થા અને બ્રહ્માંડનાં તત્ત્વોનું બહુધા પરંપરાગત અને પારિભાષિક નિરૂપણ કરે છે,પણ ૪ ખંડ અને દોહરા-ચોપાઈની ૩૨૦ કડીની ‘ગુરુશિષ્ય-સંવાદ’ ← અખાની કેવલાદ્વૈત તત્ત્વદર્શનની ભૂમિકા વીગતે સમજાવે છે ને એમાં પારિભાષિકતાનો ભાર ઓછો થતાં વિષયનું મોકળાશથી નિરૂપણ થયેલું જોવા મળે છે. ચોપાઈની ૪૧૩ કડીની અને અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને વ્યાપી વળતી ‘ચિત્તવિચાર-સંવાદ’ ← પિતા ચિત્તને બોધ આપતા પુત્ર વિચારની અભિનવ કલ્પનાથી અને દૃષ્ટાંતકળાના ઉત્કર્ષથી વિશેષ ધ્યાનપાત્ર કૃતિ બને છે. આમ છતાં, આ જાતની સળંગ રચનાબંધવાળી અખાની રચનાઓમાં અભ્યાસીઓમાં વધુ જાણીતી, અલબત્ત, ‘અનુભવબિંદુ’ ← અને ’અખે-ગીતા’ ← છે. “પ્રાકૃત ઉપનિષદ” (કે. હ. ધ્રુવ) તરીકે ઓળખાવાયેલી ૪૦ છપ્પાની ‘અનુભવબિંદુ’ અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને લાઘવથી અને હૃદયંગમ દૃષ્ટાંતોથી રજૂ કરતી રસાત્મક કૃતિ છે; તો ૪૦ કડવાં અને ૧૦ પદોની ‘અખે-ગીતા’ એમના તત્ત્વવિચારને સર્વગ્રાહી રીતે, લાક્ષણિક દૃષ્ટાંતચિત્રો અને દૃષ્ટાંતશ્રેણીઓ તેમ જ બાનીની તાજગીભરી અસરકારક છટાઓથી અભિવ્યક્ત કરતી એમની, અને ગુજરાતી ગીતાકાવ્યોની પરંપરાની, સર્વોત્તમ કૃતિ છે. પરબ્રહ્મને સંબોધન રૂપે એનાં સ્વરૂપલક્ષણોનું વિશદ મહિમાગાન કરતી ‘કૈવલ્ય-ગીતા’, કૃષ્ણમુખે સંતનાં લક્ષણ વર્ણવતી ‘સંતનાં લક્ષણ/કૃષ્ણઉદ્ધવ-સંવાદ’ અને આનંદમય મુક્ત દશાનું વર્ણન કરતી ‘જીવનમુક્તિહુલાસ’ અખાની લોકગમ્ય શૈલીની લઘુ રચનાઓ છે. જ્ઞાનવિષયક ‘કક્કો’ અને ‘બાર માસ’ અખાએ જ સૌ પ્રથમ રચ્યા હોવાનું મનાયું છે. ‘બાર માસ’ જીવને સંબોધીને લખાયેલ ઉપદેશાત્મક શૈલીની રચના છે. ‘પંદર તિથિ’ની ૨ રચનાઓમાંથી એક વિશેષે ઉપદેશાત્મક અને બીજી વિશેષે જ્ઞાનમૂલક છે, પણ બન્ને રચનાઓ અમાસ સમેત ૧૬ તિથિને સમાવે છે. ‘બાર માસ’, બંને ‘પંદર તિથિ’ અને ગુરુવારથી આરંભાતા ‘સાત વાર’માં માસ અને વારનાં નામ તથા તિથિના સંખ્યાંક શ્લેષથી ગૂંથાયાં છે : “કાં રે તકે તું ચેતે નહીં ? જીવડા !”, “શુક્ર પિતાનું દિવસ સકલનું ગયું જથારથ જેમ”, “આવી અમીયાવાસી” વગેરે. કેવળ શબ્દાર્થવિવરણ આપતી ‘ચતુ:શ્લોકી ભાગવતની ગદ્યટીકા’માં અખાના કર્તૃત્વનું કોઈ નિશ્ચિત પ્રમાણ નથી. છપ્પા, સોરઠા, પદ અને સાખીઓ એ છૂટીછૂટી થયેલી રચનાઓ છે. છ-ચરણી ચોપાઈના બંધમાં રચાયેલા અને ૭૫૬ જેટલી સંખ્યામાં મળતા છપ્પા ← અખાનો પ્રથમ પંક્તિનો અને સૌથી વધુ લોકપ્રિય કૃતિસમૂહ છે. અખાનું તત્ત્વજ્ઞાન એમાં પણ ઉપમા-દૃષ્ટાંતની તેમ જ સૂત્રાત્મક વાણીની મદદથી માર્મિક અભિવ્યક્તિ પામ્યું છે, પણ એની લોકપ્રિયતા તો એમાં ધારદાર કટાક્ષોની મદદથી થયેલી ધાર્મિક-સામાજિક આચારવિચારોની બારીક ચિકિત્સાને આભારી છે. ૩૫૦ જેટલી સંખ્યામાં મળતા પણ ઓછા જાણીતા સોરઠા ← વર્ણસગાઈયુક્ત પદવિન્યાસ અને સઘન અભિવ્યક્તિથી ધ્યાન ખેંચે એવા છે. ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં મળતાં, અન્ય વિષયોની સાથે શૃંગારભાવના પણ પ્રબળ આલેખનથી ધ્યાન ખેંચતાં ૨૫૦ જેટલાં પદો ← તળપદી અભિવ્યક્તિને કારણે વધારે લોકગમ્ય બની ભજનમંડળીઓમાં ઉપયોગમાં લેવાતો તથા ઊંચી સાહિત્યિક ગુણવત્તાવાળો કૃતિસમૂહ છે. છપ્પાની જેમ કંઈક શિથિલ અને યાદૃચ્છિક રીતે વિવિધ અંગોમાં વહેંચાયેલી મુદ્રિત-અમુદ્રિત મળીને ૧૫૦૦ જેટલી હિંદી ને ૩૦૦ જેટલી ગુજરાતી સાખીઓ ← સરળ અભિવ્યક્તિ, કેટલીક તાજગીભરી ઉપમાઓ અને હિંદી પરંપરાના કેટલાક વિશિષ્ટ સંસ્કારોને કારણે નોંધપાત્ર બને છે. અખાની હિંદી કૃતિઓમાં ‘બ્રહ્મલીલા’ અને ‘સંતપ્રિયા’ પ્રમાણમાં દીર્ઘ રચનાઓ છે તથા પહેલીને મુકાબલે બીજીમાં નિરૂપણ વધારે પ્રાસાદિક અને ચમત્કૃતિયુક્ત છે. સંભવત: આત્મવિચારના નિરૂપણને કારણે ‘રમેણી’ કે ‘રમણી’ તરીકે ઓળખાવાયેલી ‘અમૃતકલા-રમેણી’ અને ‘એકલક્ષ-રમણી’ પ્રમાણમાં લઘુ રચનાઓ છે ને ‘એકલક્ષ-રમણી’ તો સાખીઓના ‘એકસાલ-અંગ’ તરીકે પણ જોવા મળે છે. એના વિશિષ્ટ બંધારણને કારણે ‘જકડીઓ’ તરીકે ઓળખાવાયેલ પદો, હિંદી કવિ અગ્રદાસજીના કુંડળિયાને અનુસરતો આકાર ધરાવતા કુંડળિયા અને વિચારસાતત્યથી લખાયેલા જણાતા ઝૂલણા અખાની પ્રકીર્ણ પ્રકારની રચનાઓ છે. જકડીઓ અને ઝૂલણા સૂફી સાધનાધારાની સ્પષ્ટ અસર બતાવે છે, તો કુંડળિયા અનેક ઠેકાણે પ્રયોજાયેલા આંતરયમકથી ધ્યાન ખેંચે છે. થોડાક કુંડળિયાની ભાષા વિશેષે ગુજરાતી તરફ ઢળતી છે, તો ઝૂલણામાં ઉર્દૂ-હિંદી-પંજાબીનું મિશ્ર ભાષાપોત જોવા મળે છે. અખાજીએ હિંદીમાં ‘ધુઆર્ય’ પ્રકારનાં પાંચથી ૮ કડીનાં પદો (૧૦ મુ.) પણ રચ્યાં છે. જેમાં ઈશ્વર દ્વારા વિશ્વમાં ખેલાતા વસંત-ફાગનું આલેખન છે. અખાજી પોતાને ‘કવિ’ ગણાવવા માગતા નથી, ‘જ્ઞાની’ હોવું એ તેમની દૃષ્ટિએ ઊંચી વસ્તુ છે. કવિતાને એ એક સાધન રૂપે જ ઉપયોગમાં લે છે. છંદ જેવાં કાવ્યઓજારોનું પોતાને જ્ઞાન નથી એમ તેઓ કહે છે ખરા; પરંતુ ચોપાઈ, દુહા, ઝૂલણા, સવૈયા, કવિત અને અનેક દેશીબંધો તથા છપ્પા, કડવાં, પદ, સાખી, કુંડળિયા, ચોખરા, જકડી આદિ કાવ્યબંધો પ્રયોજતા તેઓ સમકાલીન કાવ્યરીતિથી પૂરા અભિજ્ઞ જણાય છે. તત્ત્વવિચારને કવિતાની કોટિએ પહોંચાડતા ૩ મોટા કવિગુણો અખામાં છે : ૧. અવારનવાર ગૂંથાતી હાસ્ય, કટાક્ષ, રોષ, આર્દ્રતા, આરત, વિસ્મય, પ્રસન્નતાની ભાવરેખાઓ; ૨. “વિશ્વના પદાર્થો જાણે એની વિચારણા માટે જ સર્જાયા હોય” (વિ. ૨. ત્રિવેદી) એવી અનુરૂપતા અને વિવિધતાથી ભર્યું, ઘણી વાર ગતિશીલ ચિત્રાત્મકતાવાળું ઉપમા-આયોજન; અને ૩. ક્વચિત્ કઠિન ને રુક્ષ લાગતા છતાં મર્મવેધક બનતા શબ્દપ્રયોગો, ઊંડી સૂઝથી ઉપયોગમાં લેવાયેલાં રૂઢિપ્રયોગો-કહેવતો તથા સચોટ સૂત્રાત્મક ઉક્તિઓથી બલિષ્ઠ પ્રતીત થતી કાવ્યબાની. સમાજચિકિત્સા અને લોકોક્તિઓના વિનિયોગ પરત્વે માંડણ જેવા પુરોગામીઓનું અખા પર ઋણ છે અને સમકાલીન જ્ઞાનમાર્ગી કવિઓની વાણી સાથે અખાની વાણીનું કેટલુંક અનિવાર્ય મળતાપણું છે, તે છતાં સર્વસ્પર્શી સૂક્ષ્મ જીવનવિચાર અને વિશિષ્ટ કાવ્યગુણોએ કરીને અખાજી મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતાધારામાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. કૃતિ : ૧. અક્ષયરસ (હિં.), સં. કુંવર ચંદ્રપ્રકાશસિંહ, ઈ.૧૯૬૩ (+સં.); ૨. અખાકૃત કાવ્યોે : ૧. સં. નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૩૧ (+સં.); ૩. અખાની વાણી, પ્ર. ઓરિયન્ટલ પ્રેસ, ઈ.૧૮૮૪; ૪. એજન, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ.૧૯૧૪, સં. ૨૦૦૦ (સુધારેલી ત્રીજી આ.) (+સં.); ૫. * અખા ભક્તની વાણી, સં. કવિ હીરાચંદ કાનજી, ઈ.૧૮૬૪; ૬. અપ્રસિદ્ધ અક્ષયવાણી (અખાકૃત કાવ્યો : ૨), સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૩૨ (+સં.);  ૭. અખાજીના છપ્પાની ચોપડી, પ્ર. પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળી, ઈ.૧૮૫૨; ૮. અખાજીની સાખીઓ, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૫૨ (+સં.); ૯. અખાના છપ્પા, સં. ઉમાશંકર જોશી, ઈ.૧૯૫૩, ઈ.૧૯૭૭ (ત્રીજી આ.) (+સં.); ૧૦. એજન, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ.૧૯૫૩ (+સં.); ૧૧. અખા ભગતના છપ્પા, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, અનસૂયા ભૂ. ત્રિવેદી, (૧-૨૬૪) - ઈ.૧૯૭૭ (૨૬૫-૫૦૩) - ઈ.૧૯૮૦, (૫૦૪-૭૫૬) - ઈ.૧૯૮૨ (+સં); ૧૨. અખા ભગતના ગુજરાતી પદ, સં. અનસૂયા ભૂ. ત્રિવેદી, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી ઈ.સ. ૧૯૮૦ (+સં.); ૧૩. અખેગીતા, સં. ઉમાશંકર જોશી, રમણલાલ જોશી, ઈ.૧૯૬૭ (+સં.); ૧૪. એજન, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૫૮ (+સં.); ૧૫. એજન, સં. વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી, વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૫૭ (+સં.); ૧૬. અનુભવબિંદુ, સં. કેશવલાલ હ. ધ્રુવ, સં. ૧૯૬૨ (+સં.); ૧૭. એજન; સં. રવિશંકર મ. જોશી, ઈ.૧૯૪૪ (+સં.); ૧૮. ચાલીસ છપ્પા અપરનામ અનુભવબિંદુ, સં. અનસૂયા ભૂ. ત્રિવેદી, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૬૪ (+સં.); ૧૯. ચિત્તવિચાર સંવાદ, સં. કીર્તિદા જોશી (શાહ), ઈ.૧૯૯૨ ૨૦. *બ્રહ્મજ્ઞાની અખા ભક્તના છપા, સં. પૂજારા કાનજી ભીમજી, ઈ.૧૮૮૪; ૨૧. સંતપ્રિયા (હિં.) સં. રમણલાલ પાઠક, ઈ.૧૯૭૯ (+સં.);  ૨૨. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬ - ‘તિથિ’, ૨૩. કાન્તમાલા, સં. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા વગેરે, ઈ.૧૯૨૪ - ‘બાર માસ’, સં. અંબાલાલ જાની; ૨૪. પદસંગ્રહ પ્રભાકર, સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫ (સુધારેલી આ.); ૨૫; બૃકાદોહન : ૧, ૨, ૩, (+સં.); ૪, ૫, ૮;  ૨૬ * ચિંતામણિ, નવે. ૧૯૭૧ - ‘અમૃતકલારમેણી’, સં. ઉર્વશી સુરતી; ૨૭. * નાગરી પ્રચારિણી પત્રિકા, સં. ૨૦૨૮ અં. ૩-૪ - ‘અમૃતકલારમેણી’, સં. ઉર્વશી સુરતી; ૨૮. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૬૫ - ‘અખાના અપ્રસિદ્ધ દુહા-સોરઠા’, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી; ૨૯. એજન, જાન્યુ.-માર્ચ ૧૯૮૦ - ‘પંદર તિથિ અખાની’; સં. ભૂપેન્દ્ર ત્રિવેદી; ૩૦. એજન, એપ્રિલ-જૂન ૧૯૮૦ - ‘ચતુ:શ્લોકી ભાગવત ઉપર અખાની ગદ્યટીકા’, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી; ૩૧. એજન, ઑક્ટો.-ડિસે.- ‘અખાભગતકૃત તિથિ (૨)’, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી; ૩૨. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૭૮- - ‘પંદર તિથિ’, સં. વિભૂતિ ભટ્ટ; ૩૩. રિસર્ચ જર્નલ ઑવ્ ધ એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, ઈ.૧૯૭૧ - ‘એકલક્ષરમણી’, સં. ઉર્વશી સુરતી. ૩૪. એજન, ઈ.૧૯૭૩ - ‘કુંડલિયા’, સં. ઉર્વશી સુરતી; ૩૫. એજન. ઈ.૧૯૭૫ - ‘અમૃતકલારમેણી’, સં. ઉર્વશી સુરતી. ૩૬. સ્વાધ્યાય, મે ૧૯૮૪ - અખાજીકૃત ધુઆર્ય-ફાગકાવ્યો, સં. વિભૂતિ વિક્રમ ભટ્ટ. સંદર્ભ : ૧. અખો, નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૨૭; ૨. એજન, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૭૮; ૩. અખો એક અધ્યયન, ઉમાશંકર જોશી, ઈ.૧૯૪૧, ઈ.૧૯૭૩ (સુધારેલી બીજી આ.); ૪. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬; ૫. સાહિત્યકાર અખો, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૪૯;  ૬. અન્વય, હસિત બૂચ, ઇ. ૧૯૬૯ - ‘અખાનાં પદો’; ૭. કવિચરિત : ૧-૨; ૮. કૈવલાદ્વૈત ઇન ગુજરાતી પોએટ્રી, યોગીન્દ્ર ત્રિપાઠી, ઈ.૧૯૫૮; ૯. ગુજરાતી લૅંગ્વેજ ઍન્ડ લિટરેચર (ઠક્કર વસનજી માધવજી લેક્ચર્સ), એન. બી. દિવેટિયા, ઈ.૧૯૩૨; ૧૦. ગુર્જર સાક્ષર જયન્તીઓ, પ્ર. જીવનલાલ અ. મહેતા, ઈ.૧૯૨૧ - ‘અખો અને તેનું કાવ્ય’, નર્મદાશંકર દે. મહેતા; ૧૧. ગુલિટરેચર; ૧૨. ગુસાઇતિહાસ : ૨; ૧૩. ગુસાપઅહેવાલ : ૩ - ‘અખો ભક્ત અને તેમની કવિતા’, અંબાલાલ બુ. જાની; ૧૪. ગુસામધ્ય; ૧૫. ગુસારૂપરેખા : ૧; ૧૬. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧; ૧૭. નિરીક્ષા, ઉમાશંકર જોશી, ઈ.૧૯૬૦ - ‘અખો પ્રશ્નોત્તરી’; ૧૮. સાહિત્યિક લેખો અને વ્યાખ્યાનો, નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૬૯ - ‘અખાનું ક્ષરજીવન’, ‘અખેગીતા’, ‘અખાના બે સંવાદો’, ‘અખાનું ‘પંચીકરણ’, ‘અખો અને તેનું કાવ્ય’;  ૧૯.* ચિંતામણિ, ફેબ્રુ. ૧૯૭૬ - ‘બ્રહ્મલીલા’, ઉર્વશી સુરતી; ૨૦. બુલેટિન ઑવ્ ધ ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, ઑગસ્ટ ૧૯૮૦ - ‘અખા ભગતની રચનાઓમાં ઉલ્લેખ પામેલાં ભૂચર, ખેચર, જળચર’, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી; ૨૧. સંસ્કૃતિ, સપ્ટે. ૧૯૬૫ - ‘બ્રહ્માનંદની નહીં પણ બ્રહ્મનંદની’, ઉમાશંકર જોશી;  ૨૨. ગૂહાયાદી. સંદર્ભ : ૧. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬;  ૨. ગ્રંથ, ઑગસ્ટ ૧૯૬૭ - ‘અખાને લગતા સંદર્ભગ્રંથો’, પ્રકાશ મહેતા; ૩. ગ્રંથ નવે. ૧૯૬૭ - ‘અખાને લગતા સંદર્ભગ્રંથો’, ગંભીરસિંહ ગોહિલ. [જ.કો.]