અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /પ્રાર્થના

From Ekatra Wiki
Revision as of 17:49, 21 June 2021 by HardikSoni (talk | contribs)
Jump to navigation Jump to search

પ્રભો, શિર નમ્યું, નમ્યું જ ધરું સર્વદા એટલી
વિશુદ્ધ મતિ રાખજે : સકલ અન્ય એમાં લહું.
જુએ શિશુ તણી ખરી જિગરની બધી લાલસા,
અને વળી જુએ — ઊઠી ફરી ફરી તરંગો ઉપર
પ્રસારી નિજ મેલ ફીણ વમળો અરે કીટકો
લસે અમિત, ને શમે તદપિ છાર મૂકી જતા.
અરે સરિત માહરા જીવનની! અરેરે, પ્રભો!
વહે ફરી ફરી તરંગદળ ક્યાં થકી એહવાં?
હશે પવનસંતતિ? ઉદધિની જ વેલા હશે?
દીસે નહિ દીસે અગર તિમિરગહ્વરો અંતરે,
ધસે વળી ધસે તિહાંથી મળ જંતુ વમળો જ એ?
અદૃષ્ટ ભવથી વળી જિગરના જૂના પાપથી
બચાવ! જય આપ! આ વિમલ સ્રોત પોતાપણે
વહે સલિલઓઘઅર્ઘ્ય તુજને ધરંતો પ્રભો!

(ભણકાર, પૃ. ૨૦૧)