ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમવિજય-૩

Revision as of 05:12, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉત્તમવિજય-૩'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉત્તમવિજય-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિમલવિજયની પરંપરામાં ખુશાલવિજયના શિષ્ય. ‘રહનેમિરાજિમતી-સઝાય’ના મુદ્રિત પાઠમાં ઉત્તમચંદ નામ મળે છે જે કવિનું આરંભનું નામ હોઈ શકે. વિવિધ પ્રકારોમાં રચાયેલી આ કવિની કૃતિઓમાં સૌથી વધુ નોંધપાત્ર છે ૧૫ ઢાળ ને ૨૧૦ કડીની ‘નેમિનાથની રસવેલી’ ← (૨. ઈ.૧૮૩૩/સં. ૧૮૮૯, ફાગણ સુદ ૭; મુ.) નેમિનાથને વિવાહ માટે સમજાવતી કૃષ્ણની રાણીઓના રસિક પ્રસંગનું વીગતે નિરૂપણ કરીને તથા રાજુલના વિલાપપ્રસંગને કેવળ નિર્દેશથી પતાવીને કવિએ સંકલ્પપૂર્વક કૃતિને એકરસકેન્દ્રી બનાવી છે એ તેની વિશિષ્ટતા છે. અનુપ્રાસાત્મક ભાષાથી તેમ જ કલ્પનાની તાજગીથી પણ કૃતિ સમૃદ્ધ થયેલી છે. દુહા અને ભાવનાસ્તવન કે ભાવનાપદ તરીકે ઓળખાવાયેલાં ગીતો સાથે ૭ ઢાળની ‘પંચતીર્થ-પૂજા’ (૨. ઈ.૧૮૩૪/સં. ૧૮૯૦, ફાગણ સુદ ૫;મુ.), શત્રુંજય વગેરે ૫ તીર્થોના તીર્થંકરોની પૂજાની પરંપરાગત કૃતિ છે. પંરતુ એમાં ક્યાંક કાવ્યત્વ લાવવાનો પ્રયાસ થયેલો છે અને ગેય ઢાળો તથા રાગો અને ગેયતાને પોષક સુંદર ધ્રુવાઓ પ્રયોજાયેલાં છે તે નોંધપાત્ર છે. કવિએ કોઈ કોઈ ઢાળ અને ગીતમાં હિંદી ભાષા પણ પ્રયોજી છે. આ ઉપરાંત કવિની અન્ય દીર્ઘ કૃતિઓ છે : ૧૫ તિથિ અને ૧૨ માસના વર્ણનને સમાવતી, ૧૫ ઢાળની ‘નેમિરાજિમતીસ્નેહવેલ’ (સંભવત: ૨. ઈ.૧૮૨૦/સં. ૧૮૭૬, આસો વદ ૫, મંગળવાર), સિદ્ધાચલનો મહિમા અને ઇતિહાસ વર્ણવતી ૧૩ ઢાળની ‘સિદ્ધાચલ સિદ્ધવેલી’ (ર.ઈ.૧૮૨૯/સં. ૧૮૮૫, કારતક સુદ ૧૫; મુ.); ૪ ખંડ અને ૭૧ ઢાળનો ‘ધનપાળશીલવતીનો રાસ’ (૨. ઈ.૧૮૨૨/સં. ૧૮૭૮, માગશર - ૫, સોમવાર) અને ૭ ઢાળનો ‘ઢંઢુક-રાસ/લુમ્પકલોપક-તપગચ્છજ્યોત્પત્તિવર્ણન-રાસ’ (૨. ઈ.૧૮૨૨/સં. ૧૮૭૮, પોષ સુદ ૧૩.) ૪-૪ કડીના ૪ ચોકમાં લખાયેલી ‘રહનેમિરાજિમતી-ચોક/સઝાય’ (૨. ઈ.૧૮૧૯/સં. ૧૮૭૫, કારતક સુદ ૧૨, રવિવાર; મુ.), તોટક છંદની ૧૩ કડીમાં રચાયેલો ‘પાર્શ્વનાથસ્વામીનો છંદ’ (૨. ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, મહા - ૧૦; મુ.), કડખાની દેશીની ૨૧ કડીમાં રચાયેલ ‘એક્સોઆઠનામગર્ભિત-શંખેશ્વરપાર્શ્વજિન-છંદ’ (૨.ઈ.૧૮૨૫/સં. ૧૮૮૧, ફાગણ વદ ૨; મુ.) અને ૧૮ કડીની ‘પરદેશી-રાજાની સઝાય’ (મુ.) આ કવિની નાની રચનાઓ છે. જુઓ ઉત્તમચંદ - ૩. કૃતિ : ૧. નેમિનાથની રસવેલી, પ્ર. અમૃતવિજયજી રત્નવિજયજી, ઈ.૧૮૮૫; ૨. સિદ્ધાચલજીની સિદ્ધવેલ, સં. કાલીદાસ વ. માસ્તર, ઈ.૧૯૨૩;  ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જૈસમાલા (શા) : ૧; ૫. વિવિધ પૂજાસંગ્રહ : ૧-૧૧, પ્ર. જશવંતલાલ ડી. શાહ, -; ૬. શંસ્તવનાવલી; ૭. સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]