ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદઘન
આનંદઘન આનંદઘન [ઈ.૧૭મી સદી] : જૈન સાધુ. મૂળ નામ લાભાનંદ. તપગચ્છમાં દીક્ષા લીધી હોવાનો સંભવ. અવસાન મેડતામાં. આનંદઘને રાજાના મેળાપ સમયે તાવને કપડાંમાં ઉતારી, કપડાં બાજુએ મૂક્યાં અથવા તો શેઠનાં વચનો સાંભળી, વેશ છોડી એ જંગલમાં ચાલ્યા ગયા - જેવી પ્રચલિત દંતકથાઓ માટે કોઈ આધાર નથી. આનંદઘનનો ઉપાધ્યાય યશોવિજયજી સાથે મેળાપ થયો હતો અને તેને પરિણામે ઉપાધ્યાય યશોવિજયજીએ આનંદઘનની સ્તુતિરૂપ અષ્ટપદીની રચના કરી હતી. રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલાં તથા તીર્થંકરોનાં માત્ર મહિમાગાન કરવાને બદલે, આત્મ-સાધનાની ક્રમિક વિકાસયાત્રાનું આલેખન કરતાં અને યોગમય, અનુભવપૂત તત્ત્વવિચાર તેમ જ લાઘવયુક્ત વાણીથી નોંધપાત્ર બનતાં ‘આનંદઘન-ચોવીસી’ ← (મુ.)ના પ્રાપ્ત થયેલાં ૨૨ સ્તવનો જૈનપરંપરામાં આગવી ભાત પાડે છે. ‘આનંદઘન-બહોંતેરી’(મુ.) તરીકે ઓળખાયેલાં પણ ૭૩ જેટલી સંખ્યામાં પ્રાપ્ત થતાં મુખ્યત્વે રાજસ્થાની ભાષાનાં પદોમાં સાંપ્રદાયિક નિરૂપણને સ્થાને કબીર, નરસિંહ અને મીરાંનાં પદોના જેવો સાધકની આનંદમય અનુભવમસ્તીનો કવિત્વમય ઉદ્ગાર મળે છે. આ રીતે આનંદઘનનાં સ્તવનો અને પદો એ કોઈ સંપ્રદાયવિશેષની સંપત્તિ બની રહેવાને બદલે, પ્રત્યેક આત્મજ્ઞાનીને માટે પથદર્શક બને તેવાં હોઈ મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાપરંપરામાં પોતાનું ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત આનંદઘન પાસેથી ૨૫ કડીનું ‘ચોવીસ તીર્થંકરનું સ્તવન’, તીર્થંકરો વિશેનાં અન્ય છૂટક સ્તવન-પદો તથા ‘હોરીસ્તવન’, ‘અધ્યાત્મ-ગીત’ વગેરે કૃતિઓ(મુ.) મળે છે. એમણે સંસ્કૃતમાં પણ ‘સિદ્ધ-ચતુર્વિંશતિકા’ રચેલી છે. કૃતિ : ૧. આનંદઘન એક અધ્યયન (સ્તવન-બાવીસીને અનુલક્ષીને), કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૦ (+સં.) : ૨. આનંદઘન ચોવીસી, સં. પ્રભુદાસ બે. પારેખ, ઈ.૧૯૫૦ (+સં.); ૩. એજન, સં. રતિલાલ દી. દેસાઈ, ઈ.૧૯૭૦ (+સં.); ૪. આનંદઘનજીનાં પદો : ૧, ૨, સં. મોતીચંદ ગિ. કાપડિયા, ઈ.૧૯૫૬ (+સં.); ૫. આનંદઘન પદસંગ્રહ ભાવાર્થ, સં. બુદ્ધિસાગર સૂરીશ્વરજી, ઈ.૧૯૫૪ (+સં.); ૬. ચોવીસી, સં. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૨ (+સં.); ૭. રાયચંદ્ર જૈન કાવ્યમાલા : ૧, સં. મનસુખલાલ ૨. મહેતા, ઈ.૧૯૦૮ (+સં.). સંદર્ભ : ૧ આનંદઘનજીનું દિવ્યજિનમાર્ગદર્શન અને પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા, ભગવાનદાસ મહેતા, ઈ.૧૯૫૫; ૨. શબ્દસંનિધિ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૦ - ‘કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદઘન.’ [કુ.દે.]