સરસ્વતીચંદ્ર ભાગ ૪/સુભદ્રાના મુખ આગળ.

From Ekatra Wiki
Revision as of 10:29, 2 August 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સુભદ્રાના મુખ આગળ.

તાજાં ધાસ ઉગી આ રહે ને
ગાય ગર્ભિણી આવી ચરે તે;
એવાં તીર–વનોમાં ફરવા
ગામલોક જતા મદ ધરવા. ભવભૂતિ.

સુભદ્રા અને સમુદ્રના સંગમ આગળનો પ્રદેશ બારે માસ આવો રમણીય ર્‌હેતો. એ સુન્દર સંગમ આગળ વચ્ચોવચ આઠ માસ એક ન્‍હાનો સરખો રેતીનો બેટ બની રહેતો અને તેની બે પાસ સાગર અને સરિતાનો સંગમ નિરંતર થયાં કરતો, ને ત્યાં આગળ એ સંગમથી રુપાની ઘંટડીઓ જેવો – કુમુદસુંદરીના સ્વર જેવો – ઝીણો સ્વર મચી ર્‌હેતો હતો. સમુદ્રની ભરતી આવે ત્યારે વચલા બેટમાં ઢીંચણ સુધી પાણી ભરાતું, અને ચાતુર્માસમાં નદીના પૂરને પ્રસંગે ત્યાં ત્રણત્રણ માથાં પાણી ભરાતું, આ બેટને બધી વસ્તી “બેટ” નામથી જ ઓળખતી.

નદીની ઉત્તર પાસે એટલે સુન્દરગિરિની પાસે એને તીરે મ્‍હોટું મેદાન હતું, અને દક્ષિણ પાસે રેતીની પર્વત જેવી ઉંચી ભેખડો હતી અને તેના ઉપરનાં ઝાડોના માત્ર શિખરભાગ દેખાતા. દક્ષિણ પાસેનું મેદાન ઘણું વિશાળ હતું અને તેના મ્‍હોટા ઢોળાવ ઉપર નદીની પાસે પ્રથમ માત્ર રેતીવાળો પ્રદેશ, તેથી ઉપર જતાં બારેમાસ લીલા રહેતા ઘાસ​વાળો પ્રદેશ, તેથી ઉપર જતાં ઝાડની ઘટાઓવાળાં વન ઉપર વન, અને અંતે સુન્દરગિરિના શિખર અને તેને ઘેરી લેતા આકાશનો ઘેરો ઘુમટ ઉભો હતો: એ ધુમટ પશ્ચિમ દિશામાં સમુદ્રના સપાટ વિસ્તાર ઉપર ઉતરી પડતો હતો અને માણસની દૃષ્ટિને ક્‌હેતો હતો કે “ત્‍હારાથી જવાય એટલે દૂર જા અને જોવાય એટલું જો – અને તેની સાથે એ પણ જોઈ લે કે ત્‍હારી મર્યાદા કેવી છે.” નદીના પૂર્વ ભાગમાં નદીનો પ્રવાહ વાંકો ચુંકો થતો અને આગળ આગળ જોઈએ તેમ ન્‍હાનો ન્‍હાનો દેખાતો, એક પાસની ભેખડો અને બીજી પાસના ઢોળાવ વચ્ચે એક ઝીણી સેંથી જેવો – લીટી જેવો – વાળ જેવો લાગી અંતે અદ્રશ્ય થઈ જતો હતો.

“બેટ” ને મધ્ય ભાગે એક ઉંચો છોબન્ધી ઓટલો હતો. ઓટલા ઉપર વાંસ દાટેલો હતો અને વાંસ ઉપર ઝીણી ધજા હતી. વાંસને નીચલે ભાગે એક ભગવા ખાદીના કપડાની રાવઠી જેવું હતું. તેમાં કોરી ઋતુમાં એક બાવી રહેતી અને એક ન્હાના પથરા ઉપર માતાની મૂર્તિ કોતરી સિન્દુર આદિથી પૂજતી હતી. સુરગ્રામની વસ્તી એને બેટનાં માતાને નામે એાળખતી નદી અને તીરના મેદાન ઉપર ભરવાડો, રબારીઓ, અને ગેવાળ લોક આખો દિવસ ફરતા અને પાસેની લીલોતરીમાં પોતાનાં ટોળાંને ચરાવતા, ગામના લોક યાત્રાઓને દિવસે, રવિવારે, અને બીજા દિવસોએ સવાર સાંઝ માતાનાં દર્શન- નિમિત્તે આ સ્થળે આવતા અને સૃષ્ટિની રમણીયતાને પવિત્ર ધર્મસંસ્કારો દ્વારા ભેાગવતા.

માતાની બાવી યુવાવસ્થાના પૂરમાં હતી પણ વૈરાગ્યની સુન્દરતા તેના મનમાં રમી રહી હતી અને સાંસારિક વિકારોને હડસેલી નાંખી ભક્તિરસની ટોચ ઉપર નિરંકુશ વૃત્તિથી ફરકતી હતી. જે દિવસે કુમુદસુંદરી તણાઈ તે દિવસે સુંદર સ્વરથી બાવી ગાતી હતી અને ઓટલા આસપાસ ગામની સ્ત્રીઓ તે ઝીલતી ગરબે ફરતી હતી.

“મા સુન્દરગિરિથી ઊતર્યા, બીરદાળી મા, “મા નૌતમ બાળે વેશ, ઝાંઝર વાગે મા. “આ પ્રાતઃકાળે આભલાં, બીરદાળી મા, “તુજ ઘાટડીએ વીંટાય, ઝાંઝર વાગે મા. “આ સુરજ સન્મુખ લટકતો, બીરદાળી મા, ​ "મા સ્‍હામી આરસી સ્‍હાય, ઝાંઝર વાગે મા. "આ ચકવા ચકવી હંસલા, બીરદાળી મા, તુજ પગલે ભમતાં ગાય, ઝાંઝર વાગે મા. "આ સાયર પાસે નાચતી બીરદાળી મા, "મા નદીમાં આવી ન્‍હાય, ઝાંઝર વાગે મા. "અમ સમી સઉ ન્‍હાની બાળકી, બીરદાળી મા, "એને હઈયે વસતી માત, ઝાંઝર વાગે મા. "આ અખિલ વિશ્વમાં વ્યાપતી બીરદાળી મા "મુજ કાળજડામાં માય, ઝાંઝર વાગે મા." એક બ્રાહ્મણી ગાતી ગાતી નદીના મૂળ સામું જોતી હતી તે વચ્ચે બોલી ઉઠી અને ગરબામાં ભંગ પાડવા યત્ન કર્યો.

"સાધુ માતા ! આ આઘેં શું દેખાય છે ?"

બાવીએ નાકે આંગળી મુકી તેને ચુપ કરી અને ગરબો વાધ્યો, અને બદલાયો.

"આ બપોરને બપ્‌પોરીયે તમે દર્શન દ્યોછો માતરે, "ત્યાં સાયર ને નદી ઉછળે એમ જોબન ધરતાં માત          "જોબનરૂપ ધરો !" "મા જોબનવંતાં ! કરે આરતી સુરજ ભભુકી તમ આજરે, "ઘંટા જેવી સરિતા વાગે, સાયર નોબત થાય-          "ગાજે ઘોર ઘણો !" "દશે દિશા માની જોગણીઓ લગાડી રહી છે લ્‍હાયરે "હરિ હર બ્રહ્મા નમી પડ્યા ને સ્તોત્ર શક્તિના ગાય !          "માના બાળક સઉ !" "સંસારને રુવે રુવે કંઈ ઉઠી રહી એ આગરે, "રાંક દીકરીયો, માવડી, ત્‍હારી ! લાગે ન એને આંચ,          "પાલવ તુજ સ્‍હાયો !" "હરિ હર બ્રહ્મા ને સઉ પુરુષો-તેને કરીયે શુંયરે ? "માવડી પાસે ગોઠડી કરતાં વળે દીકરીને હુંફ,          "અમે મા તુજ ખોળે !" "તુજ ખોળે પડી રહીયે ત્યારે ભાગે ભવની ભાવટ રે, ​ “જમકિંકરની બ્‍હીક ન લાગે, તરી જઈએ ભવસાગ૨,          "એમાં તું હોડી છો.” ગરબો આટલે સુધી આવ્યો ત્યાં સમુદ્રની ભરતી વધતી વધતી માતાના ઓટલા સુધી આવી, એટલે નીચે ગરબે ઝીલનારીઓને પગે પાણીની છેાળ વાગી, અને સઉ ગરબો બંધ કરી ઉતાવળાં ઓટલા ઉપર ચ્‍હડી ગયાં.

બાવી ઓટલાને છેડે ફરી ભરતીનો રમણીય ઉત્સાહક પવન ખાવા લાગી, અને સમુદ્ર તથા નદીનાં પાણી ઉપર ફરતી લાંબી દૃષ્ટિ નાંખે છે ત્યાં પૂર્વભાગમાંથી આવી કાંઈક લાંબી વસ્તુ ઓટલે અથડાઈ અને ભરતીના બળથી પાછી નદીમાં ધક્કેલાઈ નદી અને સમુદ્રનાં પાણી એકબીજાને ધક્કેલતાં હતાં ત્યાં આગળ એ વસ્તુ સ્થિર થઈ પાણી ઉપર તરી રહી. સમુદ્રનું કોઈ ચમત્કારી માછલું હોય એવું સઉને લાગ્યું. એ માછલાજેવાની એક પાસે કાંઈક લટકતું હતું અને ત્યાં આગળ પાણીમાં લાલાશ આવતી હતી. એટલામાં લાંબી ઝીણી દૃષ્ટિ કરનારી બ્રાહ્મણી બોલી ઉઠી “ માજી, ક્‌હો ન ક્હો પણ એ માછલું નથી– કોઈ છેાકરીનું મડદું છે.”

સ્વર નીકળતામાં એક ગોવાળીયણ પાટલીનો કચ્છ મારી પાણીમાં કુદી પડી અને એ તથા એની પાછળ બીજી બે ત્રણ સ્ત્રીઓ તરતી તરતી તરનાર વસ્તુ ભણી જોતા જોતામાં વેગભરી વહી ગઈ.

એ સઉની પાછળ જોતી જોતી બાવી બોલી “માતાજીનો પરતો એવો છે કે નદીમાંથી આવતી વસ્તુ નદી ભણી અને રત્નાકરમાંથી અાવતી વસ્તુ રત્નાકર ભણી માના બેટને અઠીંગી ખડી ર્‌હે અને ડુબી ન જાય, તેમાં માજી પોતાની દીકરીઓને તો આંચ આવવા દેતાં જ નથી. આપણે આટલે છેટે છીએ ત્‍હોયે આ નીતરેલાં નિર્મળ પાણીમાં આ છોકરીને જોઈ શકીયે છીએ અને માજીની મરજી હશે તેથી જ એને ઉગારવામાં વાંધે નહી પડે.”

"ઈશ્વર એને ઉગારો” એક બાઈ બોલી.

“જો વળી આ ઈશ્વરવાળી ! બાપુ, તને ખબર છે કે માજીની છાયામાં પુરુષ પણ સ્ત્રી થઈ જાય છે અને હરિ હર બ્રહ્મા માજીને ઘેર ઘોડીયામાં ભરાઈ ગયા ત્યાં કોઈ ઈશ્વરને સંભારે તે માજીને કુંડું પડે. ઈશ્વર અને ઈશ્વરી જુદાં નથી. એ બેનાં સ્વરૂપ એક છે. પણ સ્ત્રીનાથી ​પુરુષરૂપ નારાયણ પાસે વાત કરતાં મનનો પડદો ઉઘડે નહી અને મરજાદ છુટે નહી માટે આપણી દૃષ્ટિએ ઈશ્વર ઈશ્વરી થઈ દેખાય છે, બ્રહ્માજી વિધાત્રી થાય છે, વિષ્ણુ લક્ષ્મીજી થાય છે, શિવજીનાં ઉમાજી થાય છે, અને એ સર્વે પુરુષરૂપોનો આત્મા એક નારાયણ છે તેમ નારાયણ અને એ સર્વ દેવદેવીઓનો આત્મા નારાયણી શક્તિ છે, મ્‍હેં અને ત્‍હેં સ્ત્રીનો અવતાર ધર્યો ત્યાંથી જ એ શક્તિને ખોળે છીએ. માટે માજીના મંદિરમાં પુરુષની વાત કરવી નહી – જો એ છોકરીને લેઈ સઉ પાણી ઉપર તરતાં તરતાં આણી પાસે આવે. માતાજીના મંદિર પાસે એની દીકરીઓ મુવેલી જીવતી થાય છે – આ છોકરી પણ જીવશે.”

"ખરી વાત– સ્ત્રીનો વૈરાગ્ય સર્વ સંસાર અને સંસારના દેવોને સ્ત્રીમય દેખે છે.” બીજી બાઈ બોલી.

“હા – આ તરતાં તરતાં સઉ આવ્યાં ” બાવી બોલી. તરતાં તરતાં છાછર પાણી આવતાં તરનારી સ્ત્રીઓ પાણી વચ્ચે ઉભી થઈ પગે ચાલી આવવા લાગી. તેમાંની બે જણીઓએ હાથ ઉપર શબતુલ્ય કુમુદસુંદરીને ચતી રાખી ઝાલી હતી. સમુદ્ર વચ્ચે ડોકીયાં કરી ઉભેલા ખડકોના શિખરોનાં વચાળાંમાંથી વચલે ભાગે ઉગેલી સુંદર નાજુક લીલોતરી દેખાઈ આવે તેમ આ સ્ત્રીયોની વચ્ચે તેમના હાથ ઉપર રહેલી કુમુદસુંદરી દેખાતી હતી. એને ઉચકનારી સ્ત્રીયોના પગ આગળ નીતરેલું છાછર પાણી પોતાની નીચેનાં પૃથ્વીતળને બાઝી રહેલું લાગતું હતું, તેના ઉપર ધીમાં સ્થિર લાગતાં મેાજા એ પૃથ્વીને ચાંપી દેતાં લાગતાં હતાં, અને એ પૃથ્વીની કોમળ રેતી અને ઉંચાનીચા ભાગો પાણીમાંથી દીસી આવતા હતાઃ તેમજ પૃથ્વી પેઠે પડી રહેલી કુમુદના શરીર ઉપર પાણીથી લદબદતું વસ્ત્ર બાઝી ગયું હતું, એ વસ્ત્રની ભીની કરચલીઓ એના શરીર ઉપર ચંપાઈ ગઈ હતી, અને સૂક્ષ્મતાએ અને પાણીએ પારદર્શક કરેલા અને બાઝી ગયેલા વીલાયતી ગવનમાંથી શરીરના ઉંચાનીચા ભાગ સ્પષ્ટ દેખાઈ આવતા હતા, માતાના મંદિર પાસે આવતી પુત્રીની શરીર - અવસ્થાને પુરુષદષ્ટિએ નિર્મેલી મર્યાદાઓ અપવિત્ર લાગતી હોય તેમ આ બાળકીની આ અવસ્થા નિર્ભયપણે ઉદય પામી લાગતી હતી. એના વસ્ત્રમાંથી ચારેપાસથી નીગળતું પાણી ચારે પાસનાં પાણીમાં પડતું હતું અને એના મનનાં દુઃખ અને વિકાર તેમ એના કર્માવિપાક માતાના પ્રતાપથી ઓગળી જઈ જાતે જ એને છોડી ​નીચેના મહાસાગરમાં સરી પડતા હોય એમ એ પાણીની ધારાઓ એના શરીરપાસેથી સરી, નીચે ટપકી જતી હતી. આ મનુષ્યદેહનું અાયુષ્ય ખુટી રહ્યા પછી અને પરમાત્મરૂપ જગદમ્બાના પારલૌકિક સાનિધ્ય પામતા પ્‍હેલાં વચગાળે શરીરને શબરૂપ થઈ શબવાહની[1] ઉપર ચ્‍હડવું પડે તેમ અત્યારે કુમુદસુંદરી સ્ત્રીઓના હાથ ઉપર ચ્‍હડેલી હતી, અને આ સુંદર ચિત્તપવિત્ર ધામ ભણી અદૃશ્ય ઈશ્વરની ઈચ્છા એને ગુપ્ત આકર્ષક કિરણો વડે ખેંચી લેતી હતી. દુષ્યંતને ત્યાં અનભિજ્ઞાન અને તિરસ્કાર પામેલી શકુંતલા પતિમંદિરની બ્‍હાર નીકળી કે દયા-વત્સલ માતૃજ્યોતિ એને આ પૃથ્વી ઉપરથી અદ્ધર ઉપાડી ગયેલું મહાકવિએ ગૂઢ મર્મ રાખી વર્ણવેલું છે તેમ એવા જ ગહન દુઃખને વશે નિર્વાસન [2] પામેલી આ રંક અનાથ પુત્રીને ઉપાડી શરણવત્સલ નિરંજન માતૃજ્યોતિ જ માતૃગૃહમાં [3]આજ તાણી લેતું હતું અને વિધાતાની ગતિ ન સમજતાં મન્દબુદ્ધિના સુવર્ણપુરમાં ચારે પાસથી પવનની ફૂંક ઉપર ચ્‍હડી આકાશવાણી ઘણાક કાનમાં ક્‌હેતી હતી કે

[4]सा निन्दन्ती स्वानि भाग्यानि बाला बाहूत्क्षेपं क्रन्दितुं च प्रवॄत्ता । स्त्रीसंस्थानं चाप्सरस्तीर्थमारा- दुत्क्षिप्यैनां ज्योतिरेकं जगाम ॥


  1. ઠાઠડી
  2. દેશવટો.
  3. માતૃગૃહ= મહીયર.
  4. “એ બાળા પોતાનાં ભાગ્યને નિંદતી હાથ ઉંચા કરી, રોવા લાગી એટલામાં અપ્‌સરા-તીર્થ પાસેથી સ્ત્રીવેશ ધરનારું એક જ્યોતિ એને ઉપાડી લઈ જતુ રહ્યું:” -શાકુંતલ