ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/‘કામાવતી’

From Ekatra Wiki
Revision as of 07:48, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘કામાવતી’ [૨.ઈ.૧૪૪૭ કે ઈ.૧૫૧૭/૨.સં. ૧૫૦૩ કે સં. ૧૫૭૩, ભાદરવા વદ ૮, રવિવાર] : મુખ્યત્વે દોહરા-ચોપાઈની ૯૦૦ ઉપરાંત કડીઓની શિવદાસકૃત આ રચના (મુ.) હસ્તપ્રતોમાં ‘આખ્યાન’, ‘કથા’, ‘ચરિત્ર’ને ‘વાર્તા’ તરીકે ઓળખાવાઈ છે. મનુષ્યયોનિ અને પંખીયોનિના પહેલા ૨ પૂર્વાવતારોમાં વિધિવશાત્ એકઠાં નહીં રહી શકેલાં કરણકુંવર અને કામાવતીની ૩ ભવની કથા અહીં આલેખાઈ છે. પહેલા ૨ ભવની કથાનું મતિસુંદરના ‘હાંસાઉલીપૂર્વભવ-ચરિત’માં આલેખાયેલા હંસાઉલીના ૨ પૂર્વભવો સાથે મળતાપણું છે ને પુરુષદ્વેષિણી કામાવતીના રાજા ચિત્રસેન સાથેના લગ્નની કથા પણ અસાઈતની ‘હંસાઉલી’ સાથે ગાઢ મળતાપણું ધરાવે છે, પરંતુ પછી કથા જુદી રીતે ચાલે છે. ચિત્રસેન બીજી રાણીઓ સાથે વિલાસમાં કામાવતીને ભૂલી જતાં કામાવતીને મહેલે ૭ વર્ષે જાય છે. રિસાયેલી કામાવતીએ એનો સ્વીકાર ન કરવાથી રાજા એને વેચવા કાઢી છે, જેમાં એનો પૂર્વભવનો પ્રેમી વણિક કરણકુંવર એને ખરીદી લે છે. કામાવતીને ખરીદવાથી કરણકુંવર ગરીબ થઈ જાય છે. પરંતુ કામાવતીએ ભરત ભરીને બનાવેલાં ચિત્રપટો વેચીને તેઓ સમૃદ્ધ બને છે ને કરણકુંવર તથા કમાવતીને જુદાં પડવાનું થાય છે. ક્રમશ: પોતાના તરફ આકર્ષાયેલા રાજા, ચોર, હંસ અને વચ્છના સકંજામાંથી પોતાની ચતુરાઈથી છૂટી, અને કરણકુંવર ઉપરાંત અને ચારેને જોગીવેશે રખડતા કરી, પુરુષવેશે ૨ કુંવરીઓને પરણેલી કામાવતી અંતે ચિત્રપટની યુક્તિથી જ કરણકુંવરને પ્રાપ્ત કરે છે. જૈન શાસ્ત્રમાંથી આ કથા લીધી હોવાના ઉલ્લેખો કેટલીક પ્રતોમાં મળતા હોવા છતાં પૂર્વપરંપરામાં કરણકુંવર અને કામાવતીની કથાને સીધું મળતું આવતું કોઈ કથાનક પ્રાપ્ત થતું નથી, પરંતુ દક્ષિણના કર્ણાટક-તમિળનાડુના પ્રદેશોમાં પ્રચલિત સદારામાની કથા સાથે એનું ગાઢ મળતાપણું છે, જેને કર્ણાટક સાથે ગુજરાતને જૂના સમયથી સંબંધ હોવાની હકીકતનું એક વિશેષ દૃષ્ટાંત ગણી શકાય. કૌતુકમય પ્રસંગો, કરણકુંવર-કમાવતીનાં આકર્ષક પાત્રચિત્રો, સંભોગ ને વિપ્રલંભશૃંગારનું મનભર નિરૂપણ અને આલંકારિક વર્ણનની છટા આ રસિક પ્રેમકથાને આસ્વાદ્ય બનાવે છે. આ કૃતિની ૧ હસ્તપ્રતમાં મળતો “સંવત પંદર તોહોતરો” એ સમયનિર્દેશ ૧૫૦૩ અને ૧૫૭૩ એ બંને અર્થઘટનોને અવકાશ આપે એવો છે, પરંતુ નિર્દિષ્ટ તિથિ-વાર સં. ૧૫૦૩માં મળતાં આવે છે, સં. ૧૫૭૩માં નહીં. બીજી ૧ હસ્તપ્રતમાં ૨.સં. ૧૭૩૩ છે પણ એમાં તિથિ-વારના નિર્દેશમાં ગોટાળા હોઈ રચનાવર્ષ પણ કેટલું શ્રદ્ધેય માનવું તે પ્રશ્ન છે.[પ્ર.શા.]