અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કપિલ ઠક્કર 'મજનૂ'/મેઘલી રાતે (ફરી જોજો)
Revision as of 07:01, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જોજો, તમારા મ્હેલના મહેમાનન...")
જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું જરી જોજો.
મુસાફિર કઈ બિચારા, આપના રાહે સૂના ભટકે,
પીડા ગુમરાહની ઊંચે રહી આંખો ભરી જોજો.
ઊછળતા સાગરે મેં છે ઝુકાવ્યું આપની ઓથે,
ઝરણમાં જે પડે તેને ડુબાવીને તરી જોજો.
વિના વાંકે છરી મારી વ્હાવ્યું ખૂન નાહકનું,
અરીસામાં ધરી ચહેરો, તમારી એ છરી જોજો.
કટોરા ઝેરના પીતાં જીવું છું એ વફાદારી
કસોટી જો ગમે કરવી બીજું પ્યાલું ધરી જોજો.
અમોલી જિન્દગાની કાં અદાવતમાં ગુમાવો છો?
કદર કરવી ઘટે કંઈ તો, મહોબ્બત આદરી જોજો.
વરસતા શ્યામ વાદળમાં મળ્યાં’તાં મેઘલી રાતે,
વચન ત્યાં વસ્લનું આપ્યું, હવે દિલબર! ફરી જોજો.