અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુંદરજી બેટાઈ/બંદર છો દૂર છે! (અલ્લા બેલી, અલ્લા બેલી)

Revision as of 08:52, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> અલ્લા બેલી, અલ્લા બેલી, {{space}}જાવું જરૂર છે, {{space}}બંદર છો દૂર છે! બેલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અલ્લા બેલી, અલ્લા બેલી,
         જાવું જરૂર છે,
         બંદર છો દૂર છે!

બેલી તારો, બેલી તારો,
         બેલી તારો તું જ છે,
         બંદર છો દૂર છે!

ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
         તારા હૈયામાં જો સાચી સબૂર છે,
         છો ને એ દૂર છે!

આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
         મધદરિયો મસ્તીમાં છો ને ચકચૂર છે;
         બંદર છો દૂર છે!

આંખોના દીવા બુઝાવે આ રાતડી,
ધડકે ને થડકે જે છોટેરી છાતડી;
         તારી છાતીમાં જુદેરું કો શૂર છે,
         છો ને એ દૂર છે!

અલ્લા બેલી, અલ્લા બેલી,
         જાવું જરૂર છે;
         બંદર છો દૂર છે!

બેલી તારો, બેલી તારો,
         બેલી તારો તું જ છે.
         બંદર છો દૂર છે!

(વિશેષાંજલિ, ૧૯૫૨, ૧૬૯-૧૭૦)