ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાળ-૨
ગોપાળ-૨ [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ-સંપ્રદાયના કવિ. એમના, સાંકળી પ્રકારની રચના ધરાવતા ૧૪૧ કડીના ‘સહજાનંદસ્વામીના સલોકા’(મુ.)માં ભગવાનના અવતારો તથા ચમત્કારોની પૂર્વભૂમિકા સાથે સહજાનંદસ્વામીનું, એમના અક્ષરવાસ સુધીનું ચરિત્રવર્ણન થયેલું છે. ૧૯ પદના ‘લક્ષ્મીવિવાહ’ (મુ.)માં લક્ષ્મી તથા પુરુષોત્તમ નારાયણનો લગ્નપ્રસંગ સરળ અને પ્રવાહી ભાષામાં આલેખાયેલ છે ને સહજાનંદસ્વામી પુરુષોત્તમ નારાયણનો જ અવતાર છે એવું દર્શાવાયું છે. આ ઉપરાંત આ કવિનાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યવિષયક ૧૫ પદો (મુ.) તેમ જ, ગોલોકવર્ણન, સહજાનંદભક્તિ અને સહજાનંદવિરહનાં ૧૬ પદો (મુ.) મળે છે. કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, પ્ર. કોઠારી વ્રજલાલ જી. , સં. ૧૯૯૮; ૨. (શ્રી) પ્રકટ પુરુષોત્તમ વિવાહ, તુલસીવિવાહ, રુક્ષ્મણીવિવાહ, લક્ષ્મીવિવાહ, શ્રીજી મહારાજના શલોકા અને વૃત્તિવિવાહ, પ્ર. મહંત પુરાણી હરિસ્વરૂપદાસજી, ઈ.૧૯૮૧.{{Right|[હ.ત્રિ.]}