૩૩ કાવ્યો
હાથ મેળવીએ
લાવો તમારો હાથ, મેળવીએ
(કહું છું હાથ લંબાવી)!
કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંયે –
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે...
શું શું નથી હોતું તમારા હાથમાં?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ...
ખાલી તમારો હાથ?
ના, ના, આપણા આ બે ય ખાલી હાથમાંયે કેટલું છે!
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો,
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
અને બિનઆવડત સારું નઠારું કેટલુંયે કામ કરતા
આપણા આ હાથ કેળવીએ!
અજાણ્યા છો? ભલે!
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું,
લાવો તમારો હાથ, મેળવીએ!
ઘર
ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવી પડે;
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર – ટોપીનોય – માથેથી ઉતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો શું તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?
પથ્થર થરથર ધ્રૂજે
પથ્થર થરથર ધ્રૂજે!
હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે?
પથ્થર થરથર ધ્રૂજે!
અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે,
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે;
‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો!’ એમ કિલોલે કૂજે!
એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;
હાથ અને પથ્થર બન્નેને જોઈ એનું દિલ દયાથી દૂઝે!
આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :
‘જેણે પાપ કર્યું ના એકે
તે પથ્થર પ્હેલો ફેંકે!’
એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે!
અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે!
ટગર ટગર
ટગર ટગર હું જોતો રહું છું ટોળાં,
અહીં તહીં ભટકે જે ભોળાં ભોળાં!
સ્વત્વ નહીં, વ્યક્તિત્વ નહીં, નહીં નામ અને નહીં રૂપ,
હાથ કોઈને આવે નહીં શું હોય હવામાં ધૂપ,
ગીત નહીં, ગુંજન નહીં, કિન્તુ ચીસ અગર તો ચૂપ!
જીવતા જાણે હોય મૃત્યુના ઓળા!
લાખ ફૂલોના ઢગલાનાં હું રાતે જોતો સપનાં,
એની નીચે સાપ સરકતા નીરખું છાનાછપના,
ફૂલ ફૂલને કોરે કીડો; કેવળ આ ન કલપના!
સોય સમા શા વીંધે મારા ડોળા,
નગર નગર હું જોતો રહું છું ટોળાં!
અજાણ્યું એકે ના
અહીં પૃથ્વીલોકે,
કશા હર્ષે શોકે,
મબલક મનુષ્યો સ્થળસ્થળે,
પથ, વિજન, જ્યાં ત્યાં નિત મળે;
અજાણ્યું એકે ના, પરિચિત બધાનાં મુખ મને;
અરીસામાં જાણે નિજ મુખ નિહાળું, સુખ મને!
મુખ અને મહોરું
તમારા મુખ પરે મહોરું
કશું રંગીન ને રસથી ભર્યું
નટની અદાથી છે ધર્યું,
કાં કે તમે માની લીધું છે કે અસલ મુખ સાવ છે કોરું!
ક્ષણે ક્ષણ કેટલી ચિંતા અને ભય
કે રખે સરકી જશે
ને સત્યનું મુખ સ્હેજમાં ફરકી જશે!
ક્યાંથી હશે સુખ જ્યાં જીવન છે છેક છલનામય?
કહો તેના ભલા, સમ ખાઈને કહું
કે હજુ એકે અસુન્દર મુખ નથી દીઠું.
હશે આ પૃથ્વી પર કંઈ મુખ સમું મીઠું!
હું તો મુખદર્શને નિત ધન્યતા લહું.
રે તમે એકાદ ક્ષણ માટે અસલ મુખ
સ્હેજ તો પ્રગટો! ભલા, નહીં હોય ત્યારે આટલું દુ:ખ!
શું ધૂણો?
પ્રેમ! પ્રેમ! શું ધૂણો?
હે પ્રેમીજન, એકાદો તો ક્યાંક
હૃદયમાં ખાલી રાખો ખૂણો!
પ્રેમ! પ્રેમ! શું ધૂણો?
નોટબુકમાં પાને પાને લેખ
પ્રેમનો તમે લખી છો નાખ્યો,
ક્યાંક સુધારા, ક્યાંક વધારા કાજ
અગર જો હોય હાંસિયો રાખ્યો!
ભલે ભાવતાં ભોજન ચાખો!
જરીક રાખો કોષ ઉદરનો ઊણો!
પ્રેમ! પ્રેમ! શું ધૂણો?
સૌ જાણીતા માનીતાથી ભર્યો
હૃદયનો ખંડ તમે જો ખાસ્સો,
શું કરશો જ્યાં કોઈ અજાણ્યું
આવી માગે એક રાતનો વાસો?
ગળાબૂડ છો ગરક પ્રેમમાં?
ભલે ડૂબો તો! તમે બધિર, નહીં સુણો!
પ્રેમ! પ્રેમ! શું ધૂણો!
ભવ્ય એકલતા
‘હું અટૂલો છું, અટૂલા છો તમે!’
– એ વાત,
વારંવાર એની એ જ બસ પંચાત
સૌને કેટલા રસથી
અને ક્યારેક તો કેવા ચડસથી
ગીતમાં ગાવી ગમે!
એથી ક્ષણેક્ષણ ચિત્ત કેવું યુદ્ધમાં રમતું રમે!
હું ને તમે સૌ સાથમાં –
આ આપણી સારીય માનવજાત
કે જે રાતદિન દિનરાત
આખા વિશ્વની નિર્જીવતામાં જીવતી ભમતી ભમે
તે એકલી.
ના કોઈ છે સંગાથમાં.
કેવી ભયાનક ભવ્ય એકલતા!
(અગર જો કે વિરલ ને ધન્ય પણ
સૌ આપણે એથી થતા!)
– એ વાત
એનો એક પણ આઘાત
તમને કે મને કે કોઈનેયે ના દમે!
ને તો પછી આ યુદ્ધ તે શાનાં શમે?
રિલ્કેનું મૃત્યુ
ગુલાબ અર્પ્યું નિજ પ્રેમપાત્રને
ને શૂળ કૈં કંટકની સહીને,
વાંછ્યું’તું જે મૃત્યુ મનુષ્યમાત્રને
તને મળ્યું ઈપ્સિત, એ લહીને
તેં હોંસથી દર્દ હશે જ માણ્યું!
તારે મુખે જે ગયું’તું ગવાઈ
તે સર્વનું સત્ય હશે પ્રમાણ્યું
શું આમ આ કંટકથી ઘવાઈ?
તારી સખી પાસ ગુલાબ જે રહ્યું
સુવાસ એમાં તવ પ્રેમની ભળી
(અસ્તિત્વનું શ્રેષ્ઠ પ્રતીક તેં કહ્યું!)
ને મૃત્યુનીયે સુરખી વળી ઢળી;
મ્હેકી રહ્યો જીવનનો જ અર્થ :
ના મૃત્યુ કોઈ કદી ક્યાંય વ્યર્થ!
પૂર્ણાંક
અપૂર્ણાંકોનું ના ગણિત કદીયે પ્રેમ ભણતો,
અને કોઈનુંયે હૃદય નહિ એ પૂર્ણ ગણતો;
પછી તો બીજાને નિજ હૃદય પોતે જ ધરવું!
નહીં તો જીતી લૈ અવરજનનું, પૂર્ણ કરવું!
પુનશ્ચ
સંસારનાં સકલ યુગ્મ પુનશ્ચ ધન્ય!
આ માનવીજગત જે લયતાલભગ્ન
એમાં તમે વરવધૂ! રચ્યું આજ લગ્ન,
સંવાદનું પુનિત પર્વ કશું અનન્ય!
આ પાનખરમાં
આ પાનખરમાં (આપણા યુગમાં) પ્રભાતે
સાવ સૂકાં પર્ણમાં સરતું
અને સુસવાટ કરતું
કોણ આ તે?
સૂર્યતેજે ઝગમગે આ નૂર
કોનું, જોઈ જેને આંખથી પાણી ઝરે?
છે કેટલું તો ક્રૂર!
અને કોની હશે આ તીક્ષ્ણ કાતિલ ધાર?
એ તો જંગલીની જેમ જે અહીં તહીં ફરે
તે આ પવનની કેડ પરની છે કટારી ઝૂલતી!
જો કોઈનીયે હૂંફનું પ્હેર્યું કવચ ના હોય ને
તો ના નીકળવું બ્હાર!
એ તો મૃત્યુની ઠંડક લઈ હૈયામહીં જૈ હૂલતી!
માઘની પૂર્ણિમા
માઘની પૂર્ણિમારાત્રિનો ચન્દ્ર
શો ચાલતો મધ્યાકાશમાં મંદ મંદ!
ટાઢમાં થરથરે,
કિન્તુ કોને જઈ કરગરે?
બંધ સૌ બારી ને દ્વાર,
ર્હે કોણ તે આ સમે બ્હાર?
ને વૃક્ષ પર પર્ણના પુંજ જો હોત, એ ઓઢતો
ત્યાં ઘટામાં પડ્યો ર્હેત
આ રાતભર ટૂંટિયું વાળીને પોઢતો!
કિન્તુ જ્યાં ક્ષિતિજ પરથી જરી
ડાળ પકડી અને આભ ચડવા જતો
ત્યાં જ શા તીક્ષ્ણ વાગી ગયા ન્હોર,
તે હજુય છે મુખ પરે નખક્ષતો!
શ્વેત હિમ ઓગળી ના રહ્યું, ચાંદની એમ ઢોળાય;
પણ જ્યાં પડે સાવ સૂકાં કડક પર્ણ પર, શાંતિ ડ્હોળાય!
આ હૃદયમાં હૂંફ છે, ચન્દ્ર જો ત્યાં વસે!
ચિત્ત આ સ્વચ્છ છે, ચાંદની જો રસે!
દેશવટો
આ દેશની બ્હાર ગયા વિના જ
મળી શકે દેશવટો સદાયનો,
છો ત્યાં થકી દૂર થયા વિના જ
પ્રસંગ હા, પ્રાપ્ત થતો વદાયનો;
હૈયાથકી હેતભર્યો સર્યો છતાં
એ શબ્દનો જો પડઘો પડે ના,
પ્રસાદ હો કૈં રસનો ધર્યો છતાં
જો કોઈની અંગુલિયે અડે ના;
એકાંત ત્યારે અનિવાર્ય, જાણે
અજ્ઞાત કોઈ પરદેશ જેવું,
ને જાત સાથે વસવું પરાણે
જેની ન હો ઓળખ, ક્રૂર કેવું!
લખ્યો ન આ દેશવટો અનન્ય
લલાટ સૌને, કવિનેય, ધન્ય?
સંવાદ
બે જણ મળ્યા,
વાતે વળ્યા,
ને કેટલાયે શબ્દ બસ મુખથી સર્યા,
સૌ રસભર્યા;
ને જીભ જ્યાં થાકી,
વળી લાગ્યું હવે કૈં ના રહ્યું બાકી;
અને શોધ્યા છતાં યે શબ્દ ના જ્યારે જડ્યા,
છૂટા પડ્યા.
શું શું પરસ્પરનું સુણ્યું? બહુ બહુ સ્મર્યું,
ત્યારે જ જાણ્યું અન્યનું એકેય તે ન્હોતું કશું
કાને ધર્યું;
તો શું કર્યું?
હા, આત્મસંભાષણ નર્યું!
એકાંત હાવાં શાંત નિજનિજનું રચે,
સંવાદ ત્યાં સાચો મચે!
ભીડ
અસહ્ય આ માનવની ન ભીડ?
રાતી થતી આંખ કદીક વાગતી
જો કોકની ઝૂંક જરીક, ભાંગતી
કૈં પાંસળી જો કદી પેસી જાય
કોણી, કદી તો ચગદાય પાય;
મેલી હવા, કેમ ભરાય શ્વાસ?
શું ખાનગી? ના પરદૃષ્ટિથી બચો!
કોલાહલે શું કવિતાય તે રચો?
અન્યોન્ય હૈયા પર હોય વાસ;
ત્યારે ચડે શું મનમાં ન ચીડ?
અસહ્ય આ માનવની છ ભીડ!
એકાંતમાં હોય રચ્યું જ નીડ...
ત્યાં શૂન્યતાની નહિ હોય પીડ?
અસહ્ય આ માનવની ન ભીડ!