પુનશ્ચ

From Ekatra Wiki
Revision as of 05:18, 9 August 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


Punashchu-Title.jpg


પુનશ્ચ

નિરંજન ભગત


ઉમાશંકરની સ્મૃતિમાં

ઓગણીસો અઠ્ઠાવનથી ઓગણીસો અઠ્યાસી લગીનાં વર્ષોમાં
વારંવાર તમે મને વાત્સલ્યભાવે પૂછ્યું હતું, ‘કૈં લખાયું છે ?’
ત્યારે મેં અપરાધભાવે માત્ર એટલું જ કહ્યું હતું, ‘ના.’
એકવાર તો તમે મને રોષ – વધુ તો દુ:ખ – સાથે કહ્યું હતું,
‘ભલે, તો આપણાથી ઓછા લાપરવા લોકો લખશે.’
આજે તમે નથી, હવે ક્યાંથી કહું ? –
‘જુઓ, લખાયું છે. લ્યો, આ રહ્યું.’

મનમાં

સ્ત્રી : તમારા મનમાં શું આ હતું ?
પુરુષ : તો તમારા મનમાં શું હતું ?
સ્ત્રી : હવે નહિ કહું.
          (એ સ્ત્રીની આંખમાં આંસુ હતું.)
સ્ત્રી : તમે સમજુ છો,
          પણ તમે મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.
પુરુષ : તમે પણ સમજુ છો,
          તમે પણ મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.
          (એ બેની આંખમાં સ્મિત હતું.)

૨૦૦૪
 

રસ્તો

સ્ત્રી : હવે તમે અંદર આવવાનો રસ્તો જાણો છો.
પુરુષ : અંદર આવવાનો રસ્તો હું જાણું તે પહેલાં
મારે બહાર જવાનો રસ્તો જાણવો જોઈએ.
સ્ત્રી : એમ કેમ ?
પુરુષ : જ્યાં માયાવી ટાપુ હોય,
ટાપુ પર સર્સી હોય,
એના હાથમાં જાદુઈ પુષ્પો હોય,
એના મહેલમાં માનવપશુ-પક્ષીઓ હોય,
ત્યાં હું યુલીસિસ.
હવે ન પૂછશો ‘એમ કેમ ?’
હવે તમે તો એમના એમ.

૨૦૦૪