ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/‘ચંદ્ર-ચંદ્રાવતી’

From Ekatra Wiki
Revision as of 09:28, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''''‘ચંદ્ર-ચંદ્રાવતી’'''</span> : ‘મદનમોહના’ની માફક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


'‘ચંદ્ર-ચંદ્રાવતી’ : ‘મદનમોહના’ની માફક નાયિકા-નાયિકાનાં નામના શીર્ષકવાળી, ચોપાઈ-દોહરા-છપ્પાની ૭૪૬ કડીમાં રચાયેલી શામળની સાધારણ સારી વારતા (મુ.) ભાગવતના કથાશ્રવણથી પ્રેરાઈ પ્રધાનપુત્રને સાથે લઈ અડસઢ તીરથની જાત્રાએ નીકળેલો શ્રીહઠના રાજાનો કુંવર ચંદ્રસેન ૨ જુદાંજુદાં સ્થળની રાજકુંવરીઓ ચંદ્રાવતી અને નિધિનંદનીને પરણી એ બેઉ પત્નીઓ સાથે ૧૨ વર્ષે નગરીમાં પાછો ફરે, એવું એનું વસ્તુ જાત્રાનિમિત્તે દેશાટન, પ્રથમ દર્શને નાયક-નાયિકાનો પરસ્પરાનુરાગ, સમસ્યાબાજીથી એનું લગ્નમાં થતું પરિણમન, ગાંધર્વવિવાહ જેવું ગુપ્ત સ્નેહલગ્ન, માલણ જેવા પાત્રની એમાં સહાય, નાયક-નાયિકાને વેઠવાં પડતાં વીતકો, નાયકને નાયિકા ઉપરાંત અન્ય સુંદરીની પણ પત્ની તરીકે થતી પ્રાપ્તિ, વગેરે શામળે ‘પદ્માવતી’માં ને અન્ય વારતાઓમાં પ્રયોજેલાં કથાઘટકોનો ઉપયોગ દેખાડે છે. એમાંની સમસ્યાઓ, નાયકનાયિકાનાં રૂપ-ગુણનાં વર્ણન વગેરે શામળની અન્ય વારતાઓમાં દેખાય છે તેનાથી કોઈ રીતે વિશિષ્ટ નથી.[અ.રા.]