ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનસમુદ્ર સૂરિ-૧-મહિમાસમુદ્ર-સમુદ્ર સૂરિ

From Ekatra Wiki
Revision as of 11:46, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જિનસમુદ્ર(સૂરિ)-૧/મહિમાસમુદ્ર/સમુદ્ર(સૂરિ) [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છની વેગડશાખાના જૈન સાધુ. જિનેશ્વરસૂરિની પરંપરામાં જિનચંદ્રસૂરિના શિષ્ય. પિતા હરરાજ. માતા લખમાદેવી. એમના શિષ્ય જિનસુંદરસૂરિએ પોતાની ‘પ્રશ્નોત્તર-ચોપાઈ’ની પ્રશસ્તિમાં એમનું દીક્ષાનામ મહિમાસમુદ્ર જણાવેલું છે. ઈ.૧૬૪૨થી ઈ.૧૬૯૫ સુધીનાં રચનાવર્ષો દર્શાવતી તેમની કૃતિઓ મળે છે. આ કવિએ ‘ઉત્તમચરિત્ર-રાસ/નવરસસાગર’, ‘શત્રુંજયયાત્રા-રાસ’ (ર.ઈ.૧૬૬૭/સં. ૧૭૨૩, વૈશાખ સુદ ૧૦), ‘ઇલાયચી કુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૫), ‘આતમકરણી-સંવાદ’ (ર.ઈ.૧૬૫૫), ‘સત્તર ભેદીપૂજા’ (ર.ઈ.૧૬૬૨), ‘પ્રવચન સારરચના-વેલી’, ૧૮૦૦ ગ્રંથાગ્રની ‘મનોરથમાલા’, તથા હિંદી ભાષામાં ‘તત્ત્વપ્રબોધ નામમાલા’ (ર.ઈ.૧૬૭૪) એ દીર્ઘ કૃતિઓ રચેલી છે. ૨૦૦ જેટલાં સ્તવનો કવિએ રચ્યાં હોવાનું કહેવાયું છે, જેમાં ૩ ઢાળ અને ૫૯ કડીના શત્રુંજય ગિરનાર મંડન-સ્તવન’ (ર.ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, જેઠ-), ૫૯ કડીનું ‘સીમંધર-સ્તવન’, ‘પંચમીતપરૂપક-વર્ધમાનજિન-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૪૨) વગેરે કૃતિઓનો સમાવેશ થાય છે. કવિને નામે ‘નેમિનાથ-બારમાસી’, ‘અધ્યાત્મ-પચીસી’, જિનેશ્વરસૂરિ વિશેનું ૧ તથા જિનચંદ્રસૂરિ વિશેનાં ૩ ગીત (જેમાંના ૨ ‘મહિમસમુદ્ર’ની નામછાપથી છે; બધી મુ.) ઉપરાંત અન્ય ગીતો, સંવાદ, સઝાય, ફાગુ, ધમાલ પણ નોંધાયેલાં મળે છે. તેનો સમાવેશ ઉપર્યુક્ત ૨૦૦ની સંખ્યામાં થાય છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. કવિની આ કૃતિઓમાંની કેટલીક હિંદી ભાષામાં પણ હોવાનું સમજાય છે. કૃતિ: ઐજૈકાસંગ્રહ(+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - જિનસુંદરસૂરિકૃત ‘પ્રશ્નોત્તર-ચોપાઈ’ની પ્રશસ્તિ; ૨. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૩. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ : ૨,૩(૨); ૫. મુપુગૂહસૂચી. [ચ.શે.]