અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘ગની' દહીંવાળા/ખોટ વર્તાયા કરે
Revision as of 12:55, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે, એ પડે તો એનું રક્ષણ એના પડ...")
જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.
માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં!
જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.
એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.
વિશ્વસર્જક, ઘાટ ને ઘડતરની આ અવળી ક્રિયા!
તારું સર્જન જિંદગીભર ઠોકરો ખાયા કરે?
આપણે હે જીવ! કાંઠા સમ જવું આઘા ખસી,
કોઈનું ભરતી સમું જો હેત ઊભરાયા કરે.
જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો :
બીજ રૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે!
શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે.
આગવી મારી પરાધીનતા ગમી ગઈ છે મને,
કોઈ જિવાડ્યા કરે ને આમ જિવાયા કરે.
જિંદગીનો એ જ સાચેસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.
(મહેક, પૃ. ૨૨)