અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘ગની' દહીંવાળા/ઉપવને આગમન (તમારાં અહીં આજ પગલાં)

From Ekatra Wiki
Revision as of 13:00, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> તમારાં અહીં આજ પગલાં થવાનાં ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે; ઝુકાવી છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

તમારાં અહીં આજ પગલાં થવાનાં ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે;
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે; કળી પાંદડીઓના પડદે રહીને;
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર, તમારાં નયનની અસર થઈ ગઈ છે
.
બધી રાત લોહીનું પાણી કરીને, બિછાવી છે મોતીની સેજો ઉષાએ;
પધારો કે આજે ચમનની જવાની બધાં સાધનોથી સભર થઈ ગઈ છે.

હરીફોય મેદાન છોડી ગયા છે, નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા, ભ્રમર-ડંખથી બેફિકર થઈ ગઈ છે.

પરિમલ સાથે ગળે હાથ નાખી, કરે છે પવન છેડતી કૂંપળોની;
ગજબની ઘડી છે કે પ્રત્યેક વસ્તુ પુરાણા મલાજાથી પર થઈ ગઈ છે.

ઉપસ્થિત તમો છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે;
તમે જો ન હો તો બધા કહી ઊઠે છે, વિધાતાની ક્યાંયે કસર થઈ ગઈ છે.

‘ગની’ કલ્પનાનું જગત પણ છે કેવું, કે આવી રહી છે મને મારી ઈર્ષ્યા!
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થઈ ગઈ છે.

(મહેક, ૧૯૬૧, પૃ. ૨૯-૩૦)