અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અરાલવાળા/વતનનો તલસાટ
ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી,
જાવા હાવાં જનમભૂમિએ પ્રાણ નાખે પછાડા.
કૂવાકાંઠે કમરલળતી પાણિયારી, રસાળાં
ક્ષેત્રેક્ષેત્રે અનિલલહરે ઼ડોલતાં અન્નપૂર્ણા,
હિંડોળંતાં હરિત તૃણ ને ખંતીલા ખેડૂતોનાં
મીઠાં ગીતો, ગભીર વડલા, સંભુનું જીર્ણ દેરું,
વાગોળંતાં ધણ, ઊડી રહ્યો વાવટો વ્યોમ ગેરુ,
ઓછીઓછી થતી ભગિની, લંગોટિયા બાલ્ય ભેરુ
ઝંખી નિદ્રા મહીં ઝબકતો, જાગતાં નીંદ લેતો.
ઘેલા હૈયા! સહુય મળશે; કિન્તુ કાલાગ્નિમાંથી
સંભાળેલાં સ્મૃતિસુમનના સારવેલા પરાગે
સીંચાયેલું અબ નીરખવું મોઢું ક્યાં માવડીનું?
વ્હાલી તોયે જનનીરહિતા જન્મભૂમિ ન તોષે,
જીવું ઝંખી જનનીસહિતા જન્મભૂમિ વિદેશે.