ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/ત્રિકમદાસ-૧

Revision as of 07:39, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ત્રિકમદાસ-૧ [જ. ઈ.૧૭૩૪ - અવ. ઈ.૧૭૯૯/સં. ૧૮૫૫ના આસો સુદ ૧૫] : પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવ ભક્તકવિ. મુત્સદ્દી રાજપુરુષ. જ્ઞાતિએ વડનગરા નાગર. જૂનાગઢના વતની. ભવાનીદાસના પુત્ર. ભવાનીદાસ નરસિંહ મહેતાના કાકા પર્વતદાસની ૧૦મી પેઢીએ થયેલા એ પ્રકારનું પેઢીનામું મળે છે. પરંતુ ત્રિકમદાસની ‘પર્વત-પચીસી’માં નરસિંહ મહેતાનો ઉલ્લેખ કોઈ જાતના સગાઈસંબંધ વિના થયેલો છે. ગુજરાતી, સંસ્કૃત અને ફારસીનો સારો અભ્યાસ કરવા સાથે તેમણે કુતિયાણાના બ્રહ્મભટ્ટ પાસેથી વ્રજભાષાના પિંગળ તેમ જ અલંકારગ્રંથોનું જ્ઞાન મેળવ્યું હતું. તેમણે જૂનાગઢના નવાબ તથા વડોદરાના ગાયકવાડની સેવા કરતાં હદપારી, જેલ વગેરે ભોગવીને પણ રાજખટપટમાં હિંમત અને કુનેહથી સફળતા મેળવી પ્રતિષ્ઠા ને માનઅકરામ પ્રાપ્ત કર્યાં હતાં. ત્રિકમદાસે ઈ.૧૭૮૯ સુધી ગાયકવાડ રાજ્યની મુલ્કગીરી કરી હતી. એમણે જૂનાગઢમાં નરસિંહ મહેતાનો ચોરો કરાવી, ત્યાં રણછોડરાયની પ્રતિમાને માંગરોળથી લાવીને પધરાવેલી. ઈ.૧૭૯૯માં કઠોદરના વ્યાધિના કારણે તેઓ ડાકોર શ્રીરણછોડરાયની સંનિધિમાં, ઇચ્છારામ ભટ્ટજીના સંસર્ગમાં રહેવા ગયા અને ત્યાં જ દેહ છોડ્યો. તેમના દેહનો તેમની ઇચ્છાનુસાર જ્યાં અગ્નિસંસ્કાર થયો હતો ત્યાં ગોમતીતટે આજે પણ તેમની દેરી મોજૂદ છે. પર્વતદાસની વૃદ્ધાવસ્થાને લક્ષમાં લઈ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ દ્વારકાથી રણછોડરાયજી જાતે દશાંગુલ સ્વરૂપે ઈ.૧૪૪૫માં માંગરોળમાં પધાર્યા તે ચમત્કારિક પ્રસંગને વર્ણવતી, પદમાળા રૂપે રચાયેલી ત્રિકમદાસની ‘પર્વત-પચીસી’(મુ.) પ્રેમલક્ષણા ભક્તિની પ્રાસાદિક અભિવ્યક્તિ ધરાવતું કાવ્ય છે. ત્રિકમદાસે આ ઉપરાંત પ્રેમલક્ષણા ભક્તિનાં ગુજરાતી તેમજ વ્રજ પદો(મુ.), વ્રજમાં ‘ડાકોરલીલા’ (ર.ઈ.૧૭૯૨; મુ.) તથા ફારસીપ્રચુર હિન્દીમાં નોંધપાત્ર કવિત્વ દાખવતી ‘રુક્મિણીબ્યાહ’(મુ) એ રચનાઓ કરેલી છે. તેમનો એક ગુજરાતી પત્ર પણ મુદ્રિત મળે છે. કૃતિ : ૧. ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર, સં. નટવરલાલ દેસાઈ, નયનસુખરાય વિ. મજમુદાર, ઈ.૧૯૩૦ (+સં.);  ૨. સાહિત્ય, ફેબ્રુ; માર્ચ તથા મે, ૧૯૨૬ - ‘પર્વતપચીશી’, સં. હરગોવિંદદાસ કાંટાવાળા.[ચ.શે.]