ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/ત્રિકમદાસ-૨ ત્રિકમ-સાહેબ

From Ekatra Wiki
Revision as of 07:39, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ત્રિકમદાસ-૨/ત્રિકમ(સાહેબ) [અવ. ઈ.૧૮૦૨] : રવિભાણસંપ્રદાયના સંતકવિ. ખીમસાહેબના શિષ્ય. કચ્છના વાગડ જિલ્લાના રામવાવ ગામે હરિજન ગરોડા (=ગોર) જ્ઞાતિમાં જન્મ. નાનપણથી ખેતી-વણકરી સાથે સત્સંગનો રંગ. રામગીર નામના એક જોગી મહાત્માની પ્રેરણાથી ભાણસુત ભીમસાહેબના તેઓ નાદશિષ્ય બન્યા. પછીથી કચ્છના વાગડ વિસ્તારમાં ચિત્રોડમાં ગાદી સ્થાપી. ‘વાડીના સાધુ’ તરીકે ઓળખાતા અને હનુમાનનો અંશાવતાર મનાતા આ કવિ અસ્પૃશ્ય જાતિના કવિઓમાં અગ્રેસર મનાયા છે. તેઓ અસ્પૃશ્ય હોવાથી સવર્ણો તરફથી તેમને ઘણી પજવણી થઈ પરંતુ સંતત્વના પ્રતાપે તેઓ એમાંથી ગૌરવભેર પાર ઊતર્યા. આ અંગે કેટલીક ચમત્કાર કથાઓ પ્રચલિત છે. ચિત્રોડમાં જીવતાં સમાધિ લીધા પછી એમના દેહને તેમની ઇચ્છાનુસાર રાપરના દરિયાસ્થાનમાં ભાણસાહેબ અને ખીમસાહેબની સમાધિઓ વચ્ચે સ્થાન આપવા લાવવામાં આવેલો ત્યારે પણ સવર્ણોએ વિરોધ કરેલો. એમના સમાધિસ્થાન પર ચૈત્ર સુદ ૨ના રોજ હરિજનો દર્શનાર્થે આવે છે. ત્રિકમસાહેબે ગુરુમહિમાનું ગાન કરતાં અને યોગમાર્ગીપરિભાષામાં આત્માનુભૂતિનો ઉલ્લાસ વર્ણવતાં કેટલાંક સુંદર ભજનો (મુ.) ગુજરાતીમાં તેમ હિંદીમાં આપેલાં છે. કૃતિ : ૧. અભમાલા; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. યોગ વેદાંત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.) (+સં.); ૪. રવિભાણ સંપ્રદાયની વાણી : ર, પ્ર. મંછારામ મોતી, સં. ૧૯૯૨ (+સં.). સંદર્ભ : ૧. કચ્છના સંતો, દુલેરાય કારાણી, ઈ.૧૯૭૬; ૨. ભાણ લીલામૃત, પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ-; ૩. રામકબીરસંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨; ૪. સોસંવાણી.[ચ.શે.]