ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/‘ત્રિભુવનદીપક-પ્રબંધ’
‘ત્રિભુવનદીપક-પ્રબંધ’ : મહેન્દ્રપ્રભસૂરિશિષ્ય જયશેખરસૂરિકૃત ‘પરમહંસ-પ્રબંધ’ ‘અંતરંગ-પ્રબંધ’ તથા ‘પ્રબોધચિંતામણિ-ચોપાઈ’ એ અપરનામોથી પણ ઓળખાયેલો આ પ્રબંધ(મુ.) એમની પોતાની જ સંસ્કૃત કૃતિ ‘પ્રબોધચિંતામણિ’ (ર. ઈ.૧૪૦૬) પરથી ગુજરાતી ભાષામાં રચાયેલો છે. ૪૧૫/૪૪૮ કડીની આ કૃતિમાં મુખ્યત્વે દુહા-ચોપાઈ, પણ તે ઉપરાંત વસ્તુ વગેરે અપભ્રશપરંપરાના અને બીજા માત્રામેળ છંદો, ‘કાવ્ય’ નામથી ઉપજાતિ એ અક્ષરમેળ છંદ, થોડાંક પદ-ધોળ અને ‘બોલી’ નામથી ૨ ગદ્યખંડોનો વિનિયોગ થયો છે. ગુજરાતી ભાષાના આ પ્રથમ જ્ઞાનમૂલક રૂપકકાવ્યમાં માયાના ફંદામાં ફસાયેલા પરમહંસરાજા એટલે કે જીવાત્મા એમાંથી કેવી રીતે મુક્ત થાય છે એની કથા કહેલી છે. ચેતનારાણીને છોડી માયામાં લુબ્ધ બનેલો પરમહંસ નવી કાયાનગરી વસાવી એનો વહીવટ મન નામે અમાત્યને સોંપી પોતે ભોગવિલાસમાં ડૂબી જાય છે. મન અને માયારાણી મળીને પરમહંસરાજાને કેદ કરે છે અને મન રાજમુગટ ધારણ કરે છે. મન પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ ૨ રાણીઓને પરણે છે, તેમાંથી પ્રવૃત્તિની ખટપટથી નિવૃત્તિ અને એના પુત્ર વિવેકને દેશવટો મળે છે અને નિવૃત્તિના પુત્ર મોહને રાજ્યાધિકાર મળે છે, જે અવિદ્યા નામે નવી રાજધાની વસાવે છે. દેશવટો પામેલો વિવેક વિમલબોધની પુત્રી સુમતિ સાથે તથા પછીથી સદુપદેશની પુત્રી સંમયશ્રી સાથે પરણી અરિહંતરાજાની કૃપાદૃષ્ટિથી પુણ્યરંગપાટણનો રાજા બને છે. વિવેક મોહરાયની ખટપટોને નિષ્ફળ બનાવી, એનો પુત્ર કામકુમાર અબળાસૈન્ય લઈને શંકર, વસિષ્ઠાદિ તપસ્વીઓને પરાસ્ત કરી પુણ્યરંગ પાટણ પર ચડી આવે છે તેનો યુદ્ધમાં વધ કરે છે. આ પછી વિવેકની સલાહથી મન શુક્લ ધ્યાન રૂપી અગ્નિમાં પ્રવેશે છે અને ચેતનારાણી પરમહંસરાજાને પ્રબુદ્ધ કરી પરમઐશ્વર્યના સ્વામી બનાવે છે. ઉપર દર્શાવેલા છે તે કરતાં પણ ઘણા વધારે રૂપકોનો આશ્રય લઈ, વાર્તાના નાનામોટા અનેક તંતુઓ પ્રસારતો આ પ્રબંધ, વૃત્તાંત અને અધ્યારોપમાં કેટલીક ક્ષતિઓ છતાં, એના પ્રસ્તાવોના વૈવિધ્યથી, કાર્યના વેગથી અને સંવિધાનના ચાતુર્યથી પ્રભાવક બને છે અને “આ એક જ કાવ્યથી જૈન કવિ પ્રથમ પંક્તિનો સાહિત્યકાર બને છે.” (કે. હ. ધ્રુવ). અલંકારપ્રધાન મહાકાવ્યની આડંબરી શૈલી અપનાવતા મૂળ સંસ્કૃત કાવ્યથી ભિન્ન રીતે આ ગુજરાતી કૃતિ પ્રસાદપ્રધાન કથાવાર્તાની ઋજુ શૈલીમાં ચાલે છે, પણ એમાંયે કવિની કાવ્યકલા અછતી રહેતી નથી. મુક્તિનગર, વસંત, યુદ્ધ વગેરેનાં વર્ણનો અસરકારક બન્યાં છે ને યુદ્ધવર્ણનમાં શબ્દાલંકારોનો તો અન્યત્ર પ્રસંગોપાત રૂપક આદિ અલંકારોનો સુભગ વિનિયોગ થયેલો છે. પણ સૌથી વધુ ધ્યાન ખેંચે છે લોકવાણીનું બળ પ્રગટ કરતી, વક્તવ્યને દૃષ્ટાંતપરંપરાના વિનિયોગથી અનેરી સચોટતા અર્પતી ઉક્તિછટા. પાત્રસ્વભાવના નિરૂપણ તેમ જ જ્ઞાનવિચારને પણ કવિની આ દૃષ્ટાંતકળાનો લાભ મળ્યો છે. આ કાવ્યનો આધાર લઈ પછીથી ‘ધર્મબુદ્ધિ-રાસ’, ‘જ્ઞાનકલાચોપાઈ’, ‘મોહવિવેકનો રાસ’ વગેરે નામોથી પણ ઘણી રચનાઓ થઈ છે.[શ્ર.ત્રિ.]