ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દર્શનસાગર ઉપાધ્યાય-૧

From Ekatra Wiki
Revision as of 12:27, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દર્શનસાગર (ઉપાધ્યાય)-૧ [ઈ.૧૮મી સદી] : અંચલગચ્છના જૈન સાધુ. ઉદયસાગરસૂરિના શિષ્ય. મૂળ નામ દેવશંકર. નલિયા (કચ્છ)ના ઔદીચ્ય બ્રાહ્મણ અને વ્યવસાયે માણભટ્ટ. પત્નીનું અવસાન થતાં ઈ.૧૭૪૭માં દીક્ષા. ઈ.૧૭૫૨માં ઉપાધ્યાયપદ. પિંગળ વગેરેના જાણકાર આ કવિ ઈ.૧૭૭૦ સુધી હયાત હોવાની માહિતી મળે છે. આ કવિનો ૫ ખંડ, ૧૬૭ ઢાળ અને ૬૦૮૮ કડીનો દુહા દેશીબદ્ધ ‘આદિનાથજીનો રાસ’  (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, મહ-સુદ ૧૩, રવિવાર; મુ.) પ્રથમ તીર્થંકર ઋષભદેવની સમગ્ર જીવનચર્યા ઉપરાંત એમના ૧૨ પૂર્વભવો ને સમગ્ર ભરત-બાહુબલિવૃત્તાંત આલેખે છે ને દૃષ્ટાંત રૂપે આવતી અન્ય કથાઓ પણ વીગતે કહે છે. કથાપ્રચુર આ કૃતિને રાજાનાં લક્ષણો જેવી અનેક માહિતીલક્ષી વીગતો, વનખંડ વગેરેનાં વર્ણનો ને સુભાષિતોથી કવિએ વિશેષ વિસ્તારી છે. આ ઉપરાંત, કવિએ ‘પંચકલ્યાણકની ચોવીસી’ (ર.ઈ.૧૭૬૩; મુ.) અને અન્ય સ્તવનો રચેલાં છે. કૃતિ : ૧. આદિનાથજીનો રાસ, સં. શા. હીરાલાલ હંસરાજ, ઈ.૧૯૨૩;  ૨. અંચલગચ્છ સ્નાત્રપૂજાદિ તપસંગ્રહ, મુ. નિર્ણયસાગર પ્રેસ, ઈ.૧૮૯૭. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮; ૨. જૈન પંરપરાનો ઇતિહાસ : ૨, મુનિશ્રી દર્શનવિજ્ય વગેરે ઈ.૧૯૬૦;  ૩. જૈગૂકવિઓ : ૩(૧).[ર.ર.દ.]