ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/‘દેગમ પદમણીનો વેશ’

From Ekatra Wiki
Revision as of 13:10, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘દેગમ પદમણીનો વેશ’  : ‘રાજા દેગમનો વેશ’ને નામે પણ ઓળખાવાયેલા આ વેશ (મુ.)ના ૧ પાઠમાં આરંભમાં “કવિ ગદ કહે સુણો ઠકરો રે, સ્વાંગ તો રાજા દેગમનો લહુ” એવી પ્રસ્તુત વેશની પ્રશસ્તિ કરતી ઉક્તિ મળે છે તેને કવિ ગદના ઉદ્ધૃત સુભાષિત વચન તરીકે જ લેવી કે એ વેશનું કર્તૃત્વ કવિ ગદનું છે એમ સૂચવનારી લેખવી તે વિચારણીય છે. વેશનો મુખ્ય કથાદોર આ પ્રમાણે છે : રાજા દેગમ શિકારે નીકળે છે, પદમણી સમી ભીલસુંદરીને જોઈ એના પ્રેમમાં પડે છે ને યુદ્ધ લડી એને જીતે છે. આ કથાદોરને આધારે વેશમાં બીજું ઘણું ભરત થયું છે ને એમાં વેશનો જુદો જ મર્મ ઊપસતો જણાય છે. વેશના આરંભમાં ચંપા-માળીની કથા મોટેભાગે એને મુખે કહેવાય છે. દેગમે કુંવર-અવસ્થામાં નિશાળે સાથે ભણતા ચંપામાળીને વચન આપેલું કે પોતે રાજા થશે ત્યારે ચંપાને પ્રધાન બનાવશે. પણ દેગમ પછીથી પોતાનું વચન વીસરી ગયો એટલે ચંપાએ સોદાગરને વેશે ઘોડાઓ લાવી રાજાનું ધ્યાન ખેંચ્યું અને રાજાએ એને પ્રધાન બનાવ્યો. આ પછી રાજા અને ચંપો શિકારે નીકળે છે એ મુખ્ય પ્રસંગ આવે છે. એમાં ૩ ઘટકો છે : ૧. રાજાનો ચંપા સાથેનો સંવાદ : ચંપો પદમણીને જુએ છે ને એને ડુંગરે બેઠેલી કોયલડી તરીકે ઓળખાવે છે, પણ પછી રાજાના શબ્દોને વિકૃત કરી, એને વાચ્યાર્થમાં લઈ હાસ્યની સામગ્રી પૂરી પાડે છે. આ સંવાદમાં પદ્મિની નારીનાં લક્ષણો વર્ણવાય છે ને વેશના કોઈ પાઠમાં એનું સૌંદર્યવર્ણન પણ થાય છે. ૨. રાજા અને ચંપાનો પદમણી સાથેનો સંવાદ : આમાં રાજાની સૂચના અનુસાર ચંપો પદમણીને લલચાવવા વસ્ત્રો, ભોજન આદિ વૈભવની લાલચ આપે છે, પરંતુ “મારે વાલમ એક” કહેતી પદમણી પોતાની વનજીવન પ્રત્યેની પ્રીતિ પ્રગટ કરે છે. પદ્યનો આશ્રય લેતા આ સંવાદમાં લોકભોગ્ય આકર્ષકતા આવી છે. ૩. દોડિયા રજપૂતોનો ચંપા સાથેનો તેમ જ મીર સાથેનો સંવાદ : યુદ્ધ લડવા માટે દોડિયા રજપૂતોને બોલાવવામાં આવે છે. તેમનો આ સંવાદ રજપૂતી વીરત્વના, ગૌરવના ને ઉદારતાના થયેલા હ્રાસનું વિડંબનાયુક્ત આલેખન કરે છે અને આખા વેશમાં સૌથી વધુ રસપ્રદ અંશ બની રહે છે. રજપૂતોનાં નામ-નખોદજી, ટૂટાજી, સુરદાસજી-એમની અવદશાનાં સૂચક છે. આ રજપૂતો સૌ પ્રથમ અફીણ, તમાકુ ને રોટલા માગે છે, ગામને ૧૨ ભાગોળ હોય એમ ઇચ્છે છે જેથી સહેલાઈથી નાસી જઈ શકાય, યુદ્ધમાં પોતે કદાચ મરે તેથી તેનું બારમું રાજા પાસે અગાઉથી માગે છે, લડવા માટે બધી ઋતુ સામે કંઈ ને કંઈ વાંધો કાઢે છે ને મીર ગાય છે એને સરપાવ આપવાને બદલે પોતાના રોટલાના સાંસાનાં ગાણાં ગાય છે. વેશના અંત ભાગમાં યુદ્ધ થવાનો ઉલ્લેખ આવે છે. દોડિયા રજપૂતો તો વગર લડ્યે પડે છે ને રાજા જાતે યુદ્ધે ચડીને પદમણીને જીતી લાવે છે. કૃતિ : ૧. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપામ, * ઈ.૧૮૬૬, ઈ.૧૮૪૯ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી,-. સંદર્ભ : ૧. ભવાઈ (અં.), સુધા. આર. દેસાઈ, ઈ.૧૯૭૨; ૨. ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪. [ક.જા.]