ગુજરાતી નિબંધ-સંપદા/જોસેફ મેકવાન/સુઘરીની યાદ

From Ekatra Wiki
Revision as of 08:51, 23 June 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''સુઘરીની યાદ'''}} ---- {{Poem2Open}} છેક બાળપણથી મને જો કોઈ પક્ષી સૌથી વધુ વહા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સુઘરીની યાદ


છેક બાળપણથી મને જો કોઈ પક્ષી સૌથી વધુ વહાલું વસ્યું હોય તો તે સુઘરી. એનો લટકતો રૂપકડો માળો જોઉં ને મારું મન પાંખો ધરીને એમાં પેસવા તડપતું. ખેતરમાં જાઉં ત્યારે ઘણીયે વાર કામ ભૂલીને કલાકો લગી એની માળો બાંધવાની કલાને નિહાળ્યા કરતો. એના માળા પ્રત્યેનો મારો મોહ પછી તો એટલો કુખ્યાત થયેલો કે જો હું કશીક વાતે મોડો પડું તો વેળાસર કામે ના લાગ્યો હોઉં તો તરત કહેવાતું કે; એ તો ઊભો ઊભો સુઘરીના માળા ગણ્યા કરતો હશે!

સુઘરીને સંસ્કૃતમાં સુગૃહી એના ગુણ પરમાણ કહી છે. અત્યુત્તમ એવું સુંદર ઘર સર્જનારી એને સુઘરી કહેવાય એ વાજબી પણ છે; પરંતુ નાનપણમાં અમે તો એનો ઉચ્ચાર સુગરી કરતા. એ કોમળ ‘ગ’ની જગાએ ઘોષ વ્યંજન ‘ઘ’ મેલતાં મને સુગરીના નામમાંનું કશુંક નંદવાઈ જતુંય લાગેલું. ને એ પર ખૂબ વિચારતાં અચાનક જ એક નવા અર્થનો ઉઘાડ થયેલો. સુગરી અર્થાત્ સદ્ગુરુવાળી. સદ્ગુરુ વિના આવી અસાધ્ય અને અદ્ભુત કલા એને ચાંચવગી કેમ થાય? કાશીના પંડિતો નુગરો કહેતા અને લાંછન ટાળવા હેમાળા સમા શિયાળાની રાતની રાતો માથે લઈને કબીર મહિનાઓ લગી ગંગાઘાટનાં પગથિયાં ઉપર માથું મેલીને સદ્ગુરુ રામાનંદજીનો પગ માથે ક્યારે પડે એની વાટ જોતા રહ્યા હતા. એક મંગલ ક્ષણે બાહ્મમુહૂર્તમાં રામાનંદજીનો જમણો પગ કબીરના માથે મંડાઈ ગયો હતો ને બેઉ હાથે એ ચરણ ગ્રહીને કબીરે અનાયાસે ગુરુના મુખમાંથી નીસરી પડેલ બોલ ‘રામ-રામ કહ’નો મંત્ર તરીકે સ્વીકારી લીધો હતો. કબીરની એ અચળ શ્રદ્ધાભક્તિને કારણે જ:

‘કાશી મેં હમ પરકટ ભયો રામાનંદ ચિતાયો’

એવું જાહેર કીધું કબીરે તો રામાનંદજીએ એ સ્વીકારી લીધું હતું. રામાનંદના સગુણ-સાકાર રામ કબીરવાણીમાં નિર્ગુણ-નિરાકાર નીવડીને રાચ્યા એ ગુરુશિષ્યના પ્રેમનો પ્રતાપ! સુગરીએય કોઈક આવી જ કષ્ટસાધ્ય તપશ્ચર્યા કરીને ગુરુને રીઝવ્યા હોય એવું મને મનોમન લાગ્યા કરે છે.

એનો રૂપકડો ને નાનકડો દેહ, એનાં પીંછાંની સુંવાળપ, એની સ્ફૂર્તિ, એનું નિર્દોષ ભોળપણ, એની સંઘભક્તિ ને એની કઠોરતમ સાધના. હું પક્ષીવિશારદ તો નથી; પણ પ્રકૃતિના પ્રાંગણમાં વિલસતાં અગણિત પંખીડાંની મેં વર્ષો સુધી જીવનચર્યાઓ નીરખ્યા કરી છે એ સૌમાં મારા હૈયાનું હેત હરી ગઈ છે સુઘરી. એના બદલે મેં કડવા બોલ વેઠ્યા છે, બાવળના કાંટા ખાધા છે અને સમજણ ખીલી ત્યાં લગી પરિતાપમાં બળ્યો-જળ્યો છું.

મારા ખેતરમાં જતાં રસ્તે ‘મલ્લુમિયાંનો ધરો’ આવતો. ધરો એટલે ખાડો, પણ આ ખાડો એટલો ઊંડો ને મોટો કે નાનકડું તળાવ જ જોઈ લ્યો. એની ખેતરભણીની પાળ વિશાળ એવો બાવળ, એના મોટેરાં ડાળ પેલા ધરા પર ઝળૂંબે. નીચે ઊંડાં પાણી, ને ક્યાંય પગ માંડવાની જગા નહીં. એટલે ન કદી એ ડાળોથી દાતણ કપાયેલાં, નહીં લાકડાં વઢાયેલાં. પરિણામે ધરા પરનાં ડાળ પૂરેપૂરી ઘટા-ઘટાએ વિસ્તરેલાં.

ગોસ્પેલમાં કહ્યું છે, ખડક પર ઘર બાંધનારો શાણો કહેવાશે કારણ કે એને પડી જવાનો ભય નહીં રહે. સુઘરી પણ જતનપૂર્વક બાંધવાના પોતાના ઘર માટે નિર્ભય જગ્યા અને કાંટાળું ઝાડ જ પસંદ કરે છે. નીચે ઊંડાં જળ એટલે એ પાનો ડર નહીં અને બાવળ મૂળે જ ભારે કાંટાળો એટલે ઉપરનોય ભય નહીં. ઈંડાં ખાવા ઝાડ પર ચડતા સાપ મેં જોયા છે. ખિસકોલી ઈંડાંહારી છે કે નહીં એની મને ખબર નથી; પણ છેક સુઘરીના માળા લગી પહોંચીને એને ભેદવાના મિથ્યા પ્રયત્નો કરતી મેં એને બરાબર ન્યાળી છે. સુઘરીના માળામાં સુઘરી સિવાય કોઈ જ પ્રવેશી ના શકે એ એની આગવી સૂઝબૂઝની અનેરી ખાસિયત છે.

પેલા ધરા પર ઝળૂંબતાં બાવળનાં ડાળાં પર કુલ સત્તાવન જેટલા સુઘરીના માળા અમે ગણેલા.

‘તળાવ માથે તોરણ ટાંગ્યાં હાં હાં જી રે હરિયા જી રે!’

ની ઉક્તિ સુઘરીએ બરાબરની ચરિતાર્થ કરેલી. ત્રાંબાકૂંડીના આકારનો ખાડો, ગોળાકાર ઠરેલાં જળ અને એમાં પડતાં પેલા માળાનાં તોરણનાં પ્રતિબિંબ. ઉપર અઘોરી બાવળ. જરાય અવાજ કર્યાં વગર ફૂર્‌રેરેરેરે કરતી એ માળાઓમાંથી ઊડી જતી સુઘરીઓ અને નિશાનબાજની લખોટી સીધી ગબ્બીમાં જઈ પડે એ જ પેરે તીરની જેમ ત્રાટકીને સીધી માળામાં પેસી જતી સુઘરીની અદા હું કલાકો લગી નિર્નિમેષ નેત્રે નીરખ્યા કરતો. એ નીરખણમાં જ મારા મનપંખીને પાંખો ફૂટતી. હું પેલા ઝૂલા જેવા અર્ધા માળા પર પગ ટેકવીને ઝૂલા ઝૂલતો કાં પેલા ભૂંગળી આકારના પ્રવેશદ્વારમાં રહીને સુઘરીના અગોચર પ્રદેશમાં પહોંચી જતો ને ત્યાં આંખો મીંચીને નિરાંતની નીંદર લીધા કરતો. આવી આવી કલ્પનાઓમાંથી જ કોક કમૂરતે મને સુઘરીનો માળો તોડવાની કમત્ય સૂઝેલી ને ગોઠિયાઓ આગળ એની રજૂઆત થતાં જ એમાંથી અનેક ફણગા ફૂટેલા.

કાયમનો ઉધમાતિયો કાનજી કહે:

‘મોટ્ટા મોટ્ટા બધાય માળા તોડી પાડીએ અને એની ટોપી બનાઈને પેરીએ. ઉનાળામાં તાપ નંઈ લાગે અન ચોમાહામાં માથા ઉપર્ય પોરું પાંણી નંઈ પડે!’

હવે એને વારવો કેમનો અને સમજાવવો શી પેરે! પણ અમારામાં મોટેરા એવા પસા કાનજીએ રસ્તો કાઢેલોઃ ‘તોડવો હોય એ બાવળિયા ઉપર્ય ચડે. ધરામાં હાપ છનં એ કોઈનો હગો નંઈ થાય!’

સાપની બીકે તત્કાળ માળા તૂટતા બચી ગયેલા. પણ આજેય વિચાર કરું છું તો હેરતમાં પડી જાઉં છું. એ કિશોરાવસ્થામાંય દિલમાંનો દયાભાવ એટલો બળકટ હતો કે, વિયાઈને મરી ગયેલી કૂતરીનાં બચ્ચાં ભૂખે મરી ના જાય એટલા ખાતર ઘરમાંથી દૂધ ચોરીને એમને પિવડાવતા! બીજી બાજુ પેલો માળો તોડવાનો વિચાર મનમાંથી ખસે જ નહીં.

ખોટેખોટો ઝઘડો ઊભો કરીને મેં અને પસાએ કાનજી અને એના સાથીઓથી પીછો છોડાવ્યો. એ પછી અમે બે જણે માળો તોડવાનું અભિયાન આદર્યું. અભિયાન એટલા માટે કહું છું કે બાવળ મસમોટા પથારે પથરાયેલો હતો અને એની હેઠણનો ખાડોય કૂવા સરીખી સીધમાં એટલો ઊંડો કે એમાં એકે બાજુથી ઊતરાય જ નહીં. પરિમામે માળા સુધી પહોંચતાં વાંસ ટૂંકો પડે અને બાવળ પર ચડવું તો મહા દુષ્કર! ખૂબ બધો વિચાર કર્યા પછી ઉતરાયણ વહી ગયા પછી અમે લંઘીસ (લંગર પરથી)ની રમત રમતા ને તે અજમાવવાનું નિર્ધાર્યું. લંઘીસ માટે અમે નળિયાના ઠીકરાને પાકી પિવડાવેલી દોરી બાંધતા અને એના વડે જ ઊંચા ઝાડની અથોલી ડાળી પર ભેરવાયેલ પતંગોને એમની કિન્નામાંથી કાપી લેતા. એ માટે અમારી તાંકોડી અજાયબી પ્રેરે એ બરની રહેતી. પતંગ પાડવાની પારંગતતા માળા તોડવામાં પાછી નહીં પડે એનો અમને સંપૂર્ણ ભરોસો.

પણ સુઘરી આ વાતે અમનેય ટપી ગયેલી. સાંકળ આઠ ને સાંકળ બેની મજબૂતમાં મજબૂત દોરી પણ માળાનું મૂળ કાપવામાં અસમર્થ રહેલી. માળો આખો અને અખંડ મળે એ અમારી મંશા. વાંસી મોં વકાસી ગયેલી ને લંઘીસેય લૂલું પડ્યા પછી તો માળો તોડવાનું અમારામાં ખુન્નસ ભરાઈ ગયેલું.

આ ઉલ્લેખ્યું છે તેમ મૂળે મારો માળો લલચામણો છે એવું સમજીને જ સુઘરી કોઈ પણ પહોંચી ના શકે એવી અટકરી જગા પસંદ કરતી હોય છે. પણ સુઘરી આવું લાખ વિચારે તોય મેલી મથરાવટીવાળા માણસને કે કેમની પહોંચી શકે! પતંગની દોરી કાચી પડી એટલે મેં કોથળા સીવવાની સૂતળી બેવડ વાળીને અજમાવી. તાકીને માળો જ્યાં ટીંગાયેલો એ મૂળમાં આંટી લીધી અને પછી એક જ ઝાટકો દીધો કે માળો તૂટીને સીધો પાણીમાં જઈ પડ્યો. એમાંનાં ત્રણેક ઈંડાં બહાર નીકળી જઈ પાણી પર તરવા માંડ્યાં. હું લંઘીસ નાખતો હોઉં ત્યારેય માસૂમ સુઘરી દયામણી આંખે મારી એ શરારત નીરખી રહેલી. માળો હાલવા માંડ્યો ત્યારે એ અને એનો સંગી બંને જણ માળા આગળ ઊડવા લાગેલાં અને માળો જ્યારે પાણીમાં પડી ગયો ત્યારે સુઘરી છેક પાણી સુધી ફાળ ભરતી આવેલી. પણ કાગડાની જેમ એ જાત સંપીલી નહીં એટલે એમનો કળેળાટ કોઈએ નહીં સાંભળેલો. ગરીબોના આર્તનાદ રાજકારણીઓ, બૌદ્ધિકો અને મૂડીપતિઓને ક્યારેય નથી સંભળાતા એમ જ એ સુઘરી દંપતીનાં કરુણ ક્રંદન પણ બાજ, ગીધ, ઘુવડ કોઈનેય નહીં સંભળાયેલાં.

પાણીમાં પડેલા માળાને હું બહાર કાઢવા મથામણ કરતો હતો ત્યારે પણ સુઘરી નરમાદાએ છેવટ લગીનો વિરોધ નોંધાવ્યા કરેલો. પણ માળો મેળવવાની મમતમાં મેં એમને ગણકારેલાં જ નહીં.

પ્રસન્ન ચહેરે માળો મેં હાથમાં લીધો ત્યાં જ ક્યારનોય મારા ઝનૂનને વિસ્મયપૂર્વક નીરખી રહેલો પસા કાનજી કહેઃ

‘તને પાપ લાગવાનું! ચાર એંડાં એટલે ચાર જીવ જસ્યા! તેં એમનું ઘર તોડ્યું. એક દન તારુંય કોક ઘર તોડશે!’

પસાનો બોલ સમાણો જ માળો મેળવવાનો મારો હરખ વિલાઈ ગયો. હું થીજી ગયો ને માળાસોતા હાથ ધ્રૂજવા લાગ્યા!

‘પણ એમ હતું તો તે દા’ડાનો તુ ચ્યંમ બચ્ચી ન’તો ફાડતો! તાર મન કે’વું’તું નં?’

‘પેલી સુગરીનો કકળાટ હાંભર્યા પછી જ હાહરું મનંય ભાન થયું કં આ તેં ખોટું કર્યું!’

‘લંઘીસ નાખવાનું તેં જ કહેલું ને સૂતળીય તેં જ બાંધી આલેલી એટલે અર્ધું પાપ તારેય માથે આવશે!’ મેં મારા પરનો બોજો હળવો કરવા હવાતિયું માર્યું. પસો કહેઃ

‘તારું પાપ તારી કાજ. માળાનો લોભ તનં હતો. માર તો માળો ન’તો જોઈતો. ભોગવવાનું તો તાર એકલાનં જ!’

મને વાલિયા લૂંટારાની પેઠ્ય હું જ પાપી લાગતો હતો એટલે સામી કશી દલીલ કર્યા વિના હું કશોક ઉકેલ ચાહતો હોઉં એમ પસાની સામે દયા યાચતી નજરે જોઈ રહ્યો.

એ પછી અમે બંનેએ ખાસ્સો વિચારવિમર્શ કીધેલો ને ભીષણ લાગણી સહિત કાંટા ખાવાના પ્રાયશ્ચિત્ત લેખેય હું પેલા અકારા બાવળ પર ચડેલો અને શક્ય બન્યું એ રીતે એક ડાળીએ પેલા માળાને બાંધી લીધેલો. તરવાનું જાણતો પસો છેક ધરામાં જઈને પેલાં ત્રણ તરતાં ઈંડાં લઈ આવેલો અને મેં ચારે-ચાર ઈંડાં એ માળામાં પાછાં મેલી દીધેલાં. અને નીચે ઊતર્યા પછી બંને જણે સુઘરીને વિનંતી કરેલીઃ

‘હે સુઘરી! અમે તારા ગનેગાર છૈયે, જાણીજોઈનં અમ તારો માલો તોડ્યો છ. તું અમનં માફ કરી દેજે. અનં ભવિષ્યમાં અમારા ઘર કોઈક તોડી નાખે એવો શરાપ ન આલતી!’

એ પછી અમે ત્યાંથી ખસી ગયેલા. પણ અમે જોયં તેમ માળો તૂટી વેળા આખર સુધી ઝઝૂમેલાં એ દંપતી માળો ગુમાવ્યા પછી સંધુંયે હારી બેઠાં હોય એમ દૂરના સમડે જઈ બેસી રહેલાં. ને પેલા ભગ્ન માળા ભણી એમણે ફરી ડાફેર સુધ્ધાં નહીં મારેલી.

દિવસો લગી અમે જોતા અને મનોમન આર્જવતા રહેલા કે સુઘરી ફરી પેલો માળો અપનાવી લે ને એ રીતે હું ભાવિમાં કોઈક મારું ઘર તોડે એ અભિશાપમાંથી મુક્ત થાઉં. પણ ના તો મારી આરઝૂ ભગવાને સાંભલેલી કે ના સુઘરીએ મને માફી બક્ષેલી. એ તો પાછી નૂતન નીડના નિર્માણમાં ગુલતાન બની ગયેલી.

નીડકા નિર્માણ ફિર-ફિર નીડકા નિર્માણ!

એ હરિવંશરાય બચ્ચનની કવિતાનું મુખડું સૌપ્રથમ વાંચેલું ત્યારે આંધી-પ્રભંજનની સામે ટકી રહેવાની શ્રદ્ધાનો સ્રોત મને એ લઘુકાય પક્ષીએ જ સંપડાવેલો.

પણ પેલો પાપનો પરિતાપ તો દિવસો સુધી મારા હૈયાને પીડતો જ રહેલો. ધર્મભીરુ હોવાને કારણે ભગવાનને ખરા ભાવથી એ બોજમાંથી છુટકારો દેવાની અરજો ગુજારતો રહેતો હતો ને એક દિવસ અમારા માથે કાટકો પડ્યો.

હું અને પસો બંને ખેતર ભણી જઈ રહ્યા હતા ને સામેથી કાનિયો ને એના સાગરીતો હાહા-ઠીઠી કરતા આવી રહ્યા હતા ને એ સૌને માથે સુઘરીના માળાની ટોપીઓ છોગાં ધરી રહી હતી!

‘અલ્યા આટલા બધા માળા તોડવાના?’ અચાનક મારા મોંમાંથી રાડ નીકળી ગઈ.

‘ચ્યમ તારા બાપના હતા તે ના તોડીએ?’ કાનિયો એની જાત પર ગયો.

પસાએ મોકો સંભાળી લીધો ને બોલ્યોઃ ‘તોડ્યા તો ભલે તોડ્યા; એમાં આપણા બાપનું શું જવાનું છ! …હેંડ્ય કાનિયા હણજોટી (સમજૂતી-સમાધાન) કરી લેઈએ.’

પસાએ દોસ્તીની ટચલી આંગળી લંબાવી અને કાનિયાએ એમાં અંકોડી ભેળવી. પસાનો બેત સમજીને મેંય દોસ્તી કરી લીધી.

એય પછી અમે એમને રાયણો ખાવાનું નોતરું આલ્યું. કાનિયો ને એના દોસ્તારો તૈયાર થઈ ગયા ને અમારું રાવણું ફરી પાછું સીમાડે હાલી નીકળ્યું.

રસ્તે પેલો ખાડો અને બાવળ આવ્યા. મલ્લુમિયાંએ બેંડી કાલવળા શેરિયાંનો તરાપો પેલા ખાડાના પાણીમાં બાંધેલો, એના પર ચડીને વાંસી વડે કાનિયાએ સાત-આઠ માળા નષ્ટ કરી નાખેલા. બાવળની એ નીડવિહોણી ભગ્નાવશેષ ડાળી એના સમગ્ર કાંટાઓ વડે મારા હૈયામાં ભોંકાઈ રહેલી; પણ દાંત કચડવા વિના મારો કોઈ આરો નહોતો. મારા દર્દને સમજતો કાનિયો ખોંખારતો હતો ને પસો આંખ આડા કાન કરી આગળ ચાલી નીકળ્યો હતો.

મેધારા તળાવને ઓતરાદે મલ્લુમિયાંની ઢુંગા રાયણ. ગાળો બોરડી-કંથારની કાટ્યથી ઝેંટેલો. ટચલી આંગળીનાં અઢી વેઢાં જેટલી એની લાંબી રાયણ થાય. એ મીઠાશમાં ચાકૂના ગોળને ચક્કર લેવડાવે એવી. એની ફરતેય મિયાં કાંટાળી વાડ કરે ને રાયણને ઝૂડે નહીં પણ ગરવા દે. ચારપાંચ દહાડે વીણે અને એની કોકડિયો એકઠી કરે. તલના તેલનો હાથ માર્યા પછી ખારેક સમી લાગતી આ સૂકી રાયણો અમારા ગામના મુંબઈગરા લોક મોંમાગ્યા દામ આપી ખરીદી જાય. વર્ષે-દા’ડે આ રાયણ મિયાંને દોઢસો-બસો રૂપિયા આપતી રહે. કાનિયાને હુલાવી-ફુલાવીને અને આ જ રાયણે ચડાવ્યો. આંખના ઈશારે પસો પાંચ-છ ખેતરવા દૂર આંબાવાડિયું સાચવતા મલ્લુના કાનમાં સળી આવ્યો.

જતી વેળા પસાએ તરાપો તૂટેલો જોયેલો. આવતી વેળા મલ્લુમિયાંને એની સાબિતી મળી. સૂના સન્નાટામાં ઓચિંતો વંટોળિયો ફૂટી નીકલે એમ મલ્લુમિયાં હરેરાવાળી નળીમાંથી ઓચિંતા ભૂંડી ગાળની બોત્કાર નાખતા પ્રગટી નીકળ્યા! રાયણ નીચેથી નાસી ચૂંટતા કાનિયાના સાગરીતોમાંથી બેને મિયાંએ ઝાલ્યા અને બેને અમે પકડ્યા. એક ભાગી વછૂટ્યો. ભૂસકો મારતા કાનિયાને મિયાંએ પડતાવેંત ગળચીએથી ઝાલી લીધો ને એ પછી બળદિયાના અછોડાના બેવડ વાળીને એ પાંચેય ધરાયા ત્યાં લગી ટીપ્યા!

કાનિયાની ટોળીને અમારી દેશે (દિશાએ) પેદાડનારા હું જ હતો. એટલે એ પડતા પ્રહારો ભેળી જે સ્વસ્તિ મિયાંના હોઠોએથી પ્રસ્ફુટતી હતી એમાં મારા હિસ્સેય કેટલુંક પડઘાતું હતું. પણ કાનિયો ખો ભૂલી જાય એમાં અમારોય સ્વાર્થ હતો. માર ખાતા એ પાંચેયના બૂમબરાડાથી બરાબરનો સેમાડો ગાજી રહ્યો ત્યારે મુઠ્ઠીમુઠ્ઠી ધૂળ મોઢામાં નખાવીને ફરી આ પાની દશે કદી ધાર નહીં મારવાની નાકલીટીએ મિયાંએ એમને જતા કર્યા.

મિયાંના હાથોમાં હજીય અછોડો ગોળ ગોળ વીંઝાતો હતો. અમને લાગેલું કે ભેળેભેળા મિયાં અમારી ઉપરેય હાથ સાફ કરી લેશે. પણ વાંદરાની જાતને વતાવવામાં સાર નહીં, એય મિયાં ભલી પેરે જાણતા હતા એટલે અમને એમણે હુકમ કર્યો:

‘ચલો, તુમ દોનું જણ અમારા તરાપા બાંધ દો!’ કહોવાતાં શેરિયાંની દુર્ગંધને વેઠે લેતાં મેં અને પસાએ એમનો તરાપો ફરી બાંધી આપ્યો ને ત્યારેય અમે જોયું તો બાવળની ડાળખીએ હારબંધ બેઠેલી સુઘરીઓ મૌન-મૂક પોતાના નષ્ટ નીડોને નિરખી રહી હતી.

એ કાંડ પછી અમે દિવસો લગી સુઘરીની માળો બાંધવાની લગની, માવજત અને કળાને નયણાં ભરીભરીને નીરખ્યા કરી હતી. ચીડો, દર્ભ કે સાંબી પાનસુરીવાળા ઘાસની પાંદડીઓથી એ એની નાજુક ચાંચ વડે લાંબો તાંતણો કરપી લાવતી. મારી ધારણા પ્રમાણે મહદંશે આ તાંતણા લાવવાનું કામ નર કરતો ને માદા એની મનપસંદ ડાળખી પસંદ કરી માળાનો પાયો અર્થાત્ આધાર નાખતી. દાભ કે બાજરી-જુવારના મજબૂત તાંતણાના એ ડાળી સાથે આંટા લેતી. એ આંટા ભેળું એ જાણે કશું પ્રવાહીય ટપકાવતી. એક આખો દિવસ એમનો આધાર નાખવામાં જ વીતતો. વળતા દિવસથી આરંભાતો માળાનો આકાર. સર્જનહારે કઈ સૂઝ એની ચેતનામાં સંકોરી હશે એની તે શી ખબર પડે! પણ અજાયબ સ્ફૂર્તિ અને ચપળતાથી એ નાનકડી ચાંચ વડે તાંતણા ગૂંથતી જાય. કુશાગ્રબુદ્ધિ નારી એના પૂરા કૌશલ્યથી કાશ્મીરની શાલનું ભરતકામ કરે છે એથીય અધિકી કારીગરીથી પોતાનો ઘોસલો ગૂંથતી જાય છે. બે દિવસની એની જહેમતમાં તો માળો અર્ધો આકાર ગ્રહી લે છે. ગર્ભસ્થ શિશુનું ઝભલું ગૂંથતી જનેતાનાં અરમાનોની એકાગ્રતા અને સુઘરીની સાધના મને સરખાં ભાસ્યાં છે. તાંતણામાં તાંતણો પરોવવો, ચાંચ વડે ખેંચીને એને મજબૂતાઈ આપવી, આકારમાં અંશનીય ઊણપ ના રહે એવડાં જતન કરવાં અને ઘડાતા જતા આકારને જરાક દૂર બેસીને નયણે કરવો એ બધી કલા અને કલાનું નૈપુણ્ય તો એક સુઘરી જ દાખવી શકે.

પ્રાણાર્પણની લગનીથી સુઘરી પોતાનો બસેરા બાંધી રહી હોય છે ત્યારે તે પોતાની પ્રિયાને તંતોતંતનો સાથ દેવા જ નર સુઘરો ઝૂલા જેવો માળો બનાવે છે. એમાં વિરાજીને સુઘરીને ઝૂલતી જોઈએ ત્યારે જ એના વિહગજીવનની સાર્થકતા સમજાય છે. એના આવાસની વિશિષ્ટતા એ છે કે એમાં એના સિવાય બીજું કોઈ પણ પ્રવેશી શકતું નથી.

આવી સુઘરી મારાં સ્મરણોની મોંઘેરી મિરાત છે. આજે પણ ક્યાંક એનો માળો જોઉં છું ને મને મારું એ કૈશોર્ય સાંભરી આવે છે. હજી હમણાં જ થોડા દી ઉપર એક સાંસ્કૃતિક સંસ્થાએ મને વક્તવ્ય માટે નોતરેલો. મારા માટે તૈયાર કરાયેલા આવાસમાં મોડી રાત્રે હું સૂવા ગયો ને નાઇટલેમ્પ ચાલુ કર્યો તો હૈયું એક આંચકો ખાઈ ગયેલું! નિશાદીપના ગોળા ઉપર કોઈએ સુઘરીના માળાનું આચ્છાદન ચડાવેલું. સંભવ છે, એ ત્યજાયેલો પણ હોય, પણ ઘણોબધો સંભવ એ તોડાયેલો હોય એવો હતો. અત્યાધુનિક સગવડ-સુવિધાઓને પ્રાકૃતિક સ્પર્શ અર્પવા આવી નિર્લજ્જ કુચેષ્ઠા થતી હું જ્યારે પણ નિહાળું છું ત્યારે મારો માંહ્યલો તરફડી ઊઠે છે. એ અજાણ્યા ઓરડામાં નાઇટલૅમ્પ બંધ કર્યા વિના હું સૂઈ નહોતો શક્યો. સુઘરી સાથેનાં મારાં અંજળને તમારા સૌના સુધી પહોંચાડવાનું નિમિત્ત પેલો વૃક્ષની ડાળખીએથી વિખૂટો પડાયેલ માળો!

ઉર્દૂ અને ફારસીએ એને ઘોંસલા, બસેરા અને આશિયાના કહીને ત્રિવિધભાવે પોંખ્યો છે.

સંસ્કૃત કેવળ ‘નીડ’ કહીને અટકી જાય છે ને ગુર્જર ગિરા એક ‘માળો’ શબ્દથી આગળ નથી ધપતી. કળાય છે આનાં કશાં કારણ તમને?