ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નલદવદંતી-ચરિત્ર’

From Ekatra Wiki
Revision as of 07:13, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘નલદવદંતી-ચરિત્ર’ : ૫ ઢાળ અને ૬૩/૭૪ કડીની આ અજ્ઞાતકર્તૃક રાસકૃતિ (લે.ઈ.૧૪૮૩; મુ.) એની પ્રાચીનતાને કારણે નોંધપાત્ર બને છે. નલકથાની જૈન તેમ જ જૈનેતર પરંપરાનો ઉપયોગ કરતી આ લઘુ કૃતિમાં કથાનું સરલીકરણ છે ને ઘણા પ્રસંગો માત્ર ઉલ્લેખથી કહેવાય છે. પણ કવિએ સત્કર્મ વિશેનું દવદંતીનું ચિંતન તેમ દવદંતીને એના માતાપિતાની તથા નળની એના પિતાની શિખામણો તો જરા વીગતથી આપી છે ને નળે કરેલા ત્યાગ પછી દમયંતીનો વિલાપ ૧ આખી ઢાળમાં આંતરયમકવાળી ભાવાર્દ્ર પદરચનાની મદદથી નિરૂપ્યો છે. વરવહુ કંસાર ખાય છે ત્યારે એની સુગંધથી અણવરની દાઢ ગળે છે એવું વિનોદવચન અને કૂબેર કોઈ તપસ્વી પાસેથી દ્યુતવિદ્યા મેળવી નળને હરાવે છે એવું અન્યત્ર ક્યાંય ન મળતું પ્રસંગકથન લક્ષ ખેંચે છે. કૃતિ : (મહીરાજકૃત)નલદવદંતીરાસ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૪(+સં.). સંદર્ભ : ૧. નકવિકાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [જ.કો.]