ગુજરાતી નિબંધ-સંપદા/અમૃતલાલ વેગડ/ધરમપુરીથી મહેશ્વર
ધરમપુરીથી મહેશ્વર
ઊંઘ ટુકડામાં થાય છે. એક જ ઊંઘમાં સવાર નથી થતી. જાગી જાઉં એટલે તારાઓને જોઉં, ચાંદાની પાછળ પાછળ ચાલું. એક વાર તો ચાંદાને સૂંઘવાનીય કોશિશ કરેલી. મને ચાંદામાં ટાંકણાંનાં નિશાન દેખાણાં છે. કદાચ કોઈક મૂર્તિકારે એમાંથી મૂર્તિ કંડારવાની કોશિશ કરી હશે. તારા મને નાનાં નાનાં પંખી જેવાય લાગ્યા છે. એમનો ધીમો કલબલાટ પણ સાંભળ્યો છે. પણ સવાર થતાં જ એ ઊડી જાય. દિવસનું આકાશ જાણે એ દેવચકલીઓનો પરિત્યક્ત માળો છે.
ધરમપુરીથી નીકળવામાં મોડું થયું. નીકળ્યા હતા તો રોજના સમયે, પણ કોઈકે કહ્યું કે અહીં નર્મદામાં એક મોટો ટાપુ છે, એ તમારે જરૂર જોવો જોઈએ. એટલે ત્યાં ગયા. લીલોછમ ટાપુ અત્યંત મનોરમ હતો. પણ તિવારી અને છોટુ અમારી સાથે નહોતા કેમ કે તેઓ વહેલા નીકળી ગયા હતા.
આકાશ ઘેરાયેલું હતું. વરસાદ પડું પડું થતો હતો છતાં ચાલી નીકળ્યા. એકાદ કલાક ચાલ્યા ત્યાં તો ધીમો વરસાદ શરૂ થઈ ગયો. અમે એની પરવા કર્યા વિના ભીંજાતા ચાલતા રહ્યા. મહેશ્વર સુધી સડક છે. રસ્તામાં માનસિંહે એક આશ્ચર્યજનક વાત સંભળાવી —
છોટા ઉદેપુરના જંગલની વાત છે. એક ચારણ પોતાના ઊંટ ઉપર ક્યાંક જઈ રહ્યો હતો. એના સાથી પાછળ હતા. એ ખૂબ થાકી ગયો હતો એટલે એક ઝાડને છાંયે વિસામો ખાવા બેઠો. ઊંટ ક્યાંક ચાલ્યો ન જાય એ માટે એની રસ્સી પોતાના પગ સાથે બાંધી. બબ્બે દિવસના ઉજાગરા વેઠેલા એટલે તરત જ નીંદમાં ઢળી પડ્યો. થોડી વારે ક્યાંકથી એક અજગર આવ્યો અને એને ગળી ગયો. ત્યાર બાદ એક ઝાડને ભરડો લેવા જતો હતો ત્યાં એના સાથીઓ આવી પહોંચ્યા. અજગરના મોંમાંથી નીકળતી રસ્સી અને એને છેવાડે બાંધેલા ઊંટને જોઈને બધી વાત સમજી ગયા. છરાથી તરત જ અજગરનું પેટ ફાડ્યું તો એમાંથી એમનો સાથી અકબંધ નીકળી આવ્યો! મોટા આશ્ચર્યની વાત એ હતી કે હજી પણ એ ભરઊંઘમાં હતો! સાથીઓએ નક્કી કર્યું કે એને આના વિશે કંઈ જ કહેવું નહીં, પણ છ-આઠ મહિના પછી કોઈકે એને આ વાત કહી દીધી. પંદરેક દિવસ બાદ એ મરી ગયો. આ વાત મેં મારા દાદા પાસેથી સાંભળી છે.
એના દાદાને અમે મળેલા.
દસ કિ.મી. પછી ખલઘાટ આવ્યું. અહીં ખબર પડી કે મહેશ્વર અહીંથી ૨૦ કિ.મી. થાય. ધરમપુરીથી તો ૩૦ કિ.મી. થાય, પણ મેં સૌને ૨૦ કિ.મી. કહેલા. ખલઘાટથી ધામનોદનું અંતર જોડવાનું ભૂલી ગયેલો. આમાં આ ગોટાળો થયો. તિવારી અને છોટુ આગળ નીકળી ગયા હતા. ક્યાંક તેઓ મહેશ્વર ન નીકળી જાય, એ માટે અમે માનસિંહ અને ગોવિંદને સામાન સાથે બસથી ધામનોદ મોકલ્યા. અમને એમ કે તેઓ ગમે તેટલી ઝડપથી ચાલશે, તોય ધામનોદમાં જરૂર મળી જશે. તેઓ એમને ત્યાં રોકી લેશે. આના પછી અમે ખલઘાટના જૂના પુલ પાસેના ઘાટ પર નહાવા ચાલ્યા ગયા.
જગદીશરામ સેવામૂર્તિ છે. હંમેશાં કાકાજીનું જતન કરતા હોય. પંચોતેર વર્ષના કાકાજી અમારી જોડે બરાબરીથી ચાલે અને નાનાં ઝરણાંને છલાંગ મારીને ઓળંગે. પરંતુ રાત થતાં થાકી જાય. ઉંમરની અસર થાય જ. ત્યારે જગદીશરામ ક્યાંય સુધી એમના હાથપગ દબાવે, તળિયાં ઘસે, માલિશ કરે અથવા એક્યુપ્રેશર આપે. કાકાજી કહેશે, ‘સો જા, સો જા!’ પણ એ કાંઈ સાંભળે નહીં ને મોડે સુધી એમની સેવા કરે. મને કહે, ‘સઈસ જેમ ઘોડાને ખરેરો કરે, એમ હું એમને કાલ માટે તૈયાર કરું છું.’ તો કાકાજી રસાલાના જૂના ઘોડા જેવા છે! અમે પોણો સો વરસના કાકાજીની જવાનીની ઈર્ષ્યા કર્યા વિના રહી ન શક્યા. માત્ર એક જ દિવસે એમની ફક્કડાના મસ્તીમાં સહેજ ઓટ આવી હતી. તે દિવસે તેઓ પડી ગયા હતા.
જગદીશરામે ઘાટ ઉપર કાકાજીની માલિશ શરૂ કરી દીધી. માલિશનો બીજો દોર દોઢેક કલાક પછી શરૂ થશે. એટલે હું અને હેમરાજ ધામનોદ માટે ચાલી નીકળ્યા. બન્ને ભાઈ પાછળથી આવી જશે. આમ આજે અમે બબ્બેનાં ગ્રૂપમાં વહેંચાઈ ગયાં. તિવારી ને છોટુ, માનસિંહ ને ગોવિંદ, હેમરાજ ને હું તથા જગદીશરામ અને કાકાજી.
અમે બન્ને ધામનોદ પહોંચી ગયા પણ ત્યાં બસસ્ટૅન્ડ પર કોઈ ન મળે! તિવારી અને છોટુ તો નહોતા જ, માનસિંહ અને ગોવિંદ પણ નહોતા! અમારો સામાન એમની પાસે હતો. અંધારું ઘેરાવા લાગ્યું. મોડેથી કાકાજી અને જગદીશરામ આવી પહોંચ્યા. એમને પણ તાજુબ થયું. છેવટે હનુમાનકુટી ગયા. ત્યાં રહેવાની વ્યવસ્થા થઈ ગઈ એટલે દેવરાજને લઈને બાકી સાથીઓને શોધવા નીકળી પડ્યો. ઘણું ભટક્યા પણ કોઈ ન મળ્યું. નિરાશ થઈને મોડી રાત્રે પાછા આવ્યા. દિવસે ૨૦ કિ.મી. તો ચાલ્યા જ હતા, વધારાના ૮ થયા. થોડું વધુ ચાલ્યા હોત તો મહેશ્વર જ પહોંચી જાત!
સવારના વરસાદને લીધે ટાઢ વધી ગઈ હતી અને અમારી પાસે ચાદર સુધ્ધાં નહોતી. રાત કેમ વીતશે! આજ સુધી એક્કે ધર્મશાળામાં અમને ઓઢવા-પાથરવા માટે કાંઈ જ નહોતું મળ્યું. પરંતુ કેવો સંયોગ કે આ મંદિરમાં અમને ગાદલાં અને રજાઈ બન્ને મળ્યાં! લાગે છે, કોઈક છે જે અમારી સંભાળ લઈ રહ્યું છે. ઠીક સમય ઉપર અમારી સહાયતા કરી રહ્યું છે.
સવારે મહેશ્વરની સડક લીધી. મહેશ્વર અહીંથી ૧૨ કિ.મી. છે. બે કિ.મી. બાકી રહી ગયા હતા ત્યાં સામેથી છોટુને આવતો જોયો! અમને લેવા આવતો હતો. થયું એમ કે ખલઘાટથી તિવારી અને છોટુએ સડક મૂકી દીધી અને ટૂંકે રસ્તેથી સીધા મહેશ્વર નીકળી ગયા. એથી માનસિંહ અને ગોવિંદને તેઓ ધામનોદમાં ન મળ્યા. અમને ધામનોદ આવતાં મોડું થયું એથી એ બન્નેને થયું કે અમે પણ સીધા મહેશ્વર નીકળી ગયા હોઈશું, એટલે એ પણ મહેશ્વર ગયા. પરંતુ અમને ત્યાં જોયા નહીં એટલે પાછા ધામનોદ આવ્યા! ધામનોદમાં રાત્રે જ્યારે અમે એમને શોધતા હતા, ત્યારે તેઓ અમને શોધતા હતા! ગોતી ગોતીને થાક્યા એટલે પાછા મહેશ્વર ચાલ્યા ગયા! આ તો જાણે ‘કૉમેડી ઑફ એરર્સ’નું ધામનોદ સંસ્કરણ!
મને દુઃખ થયું કે આ છબરડો મારી ભૂલ થકી થયો. મહેશ્વરમાં પાછા સૌ ભેગા થઈ ગયા. માનસિંહે મને કહ્યું, ‘હવે અમે જશું.’
કાકાજીના કહેવાથી જગદીશરામે હિસાબ કરીને પૈસા ચૂકવી દીધા. કાકાજી માટે તેઓ પચાસ રૂપિયા રોજના હિસાબે કામ કરવા આવેલા દાડિયા હતા. મારે મન તેઓ અમારા વોળાવિયા હતા. જો તેઓ ન હોત તો અમે ભીલોના સહજ શિકાર થઈ ગયા હોત. બહાર આવીને મેં માનસિંહના હાથમાં પાંચસો રૂપિયા મૂક્યા. ‘આ મારા તરફથી.’
‘ના ગુરુજી, રહેવા દો. અમને પૈસા મળી ગયા.’
‘લેવા જ પડશે. ખૂબ પ્રેમથી આપું છું. વધુ હોત તો વધુ આપત. તમારા થકી જ અમે ઝાડીનો ખતરનાક પ્રદેશ પાર કરી શક્યા. વળી આ યાત્રાનું જે પુસ્તક થશે એમાં આ બધી વાતો આવશે. તમારાં નામ પણ આવશે.’
‘તમારું પહેલું પુસ્તક તમારી પાસે છે?’
‘પરિક્રમા’ પુસ્તકની બીજી આવૃત્તિની એક પ્રત મારી પાસે હતી. વડોદરામાં ઠાકરે આપેલી. એ મેં એને બતાવી. ઝાડીવાળાં પ્રકરણો ખાસ બતાવ્યાં.
‘આ પુસ્તક અમને આપશો?’
હું ખચકાયો. બીજી આવૃત્તિની પહેલી જ પ્રત હતી. એ ઘેર બતાવવાની હોંશ હતી. વળી મનમાં એમ પણ ખરું કે આ પુસ્તક એને સમજાશે?
‘તને વાંચતાં આવડે છે?’
‘હા.’
એણે અચકાતા અચકાતા ત્રણચાર વાક્યો વાંચી બતાવ્યાં. ‘આનાથી અમે અમારું ગુજરાતી પાકું કરશું.’
મારા મનની બધી દ્વિધા દૂર થઈ ગઈ. ખૂબ ભાવથી પુસ્તક એને ભેટ આપ્યું. એકબીજાનાં સરનામાં લીધાં. પછી ત્રણે ખુશખુશાલ ચાલ્યા ગયા.
શૂલપાણ ઝાડીના કાતરખેડા ગામનાં ચારણ પરિવારોમાં ક્યારેક કોઈક મારું પુસ્તક વાંચતું હશે અને માતૃભાષા ગુજરાતી જોડે પોતાનો નાતો જાળવી રાખતું હશે, આનાથી વધુ ગૌરવની વાત મારા માટે બીજી કઈ હોઈ શકે? એને પુસ્તક આપીને હું કૃતાર્થ થયો.
માણસે જો નર્મદાને ક્યાંય સૌથી સુંદર રીતે અલંકૃત કરી હોય તો એ મહેશ્વરમાં. તેમાંય રાણી અહલ્યાબાઈના ઘાટના સૌંદર્યનું તો કહેવું જ શું! આ ઘાટ એટલા યુવા, એટલા સહી ને સમરસ છે કે એક સુબદ્ધ કલાકૃતિ જેવા જણાય છે. બે માળનું વિશાળ ભવન, નદીની ક્રીડા જોવા માટે એમાં બનેલા અનેક ઝરૂખા, વચ્ચે વિશાળ દ્વાર, દ્વાર નીચે પંચકોણ પગથિયાં. જેમ જેમ નીચે આવે, તેમ તેમ પગથિયાંનો પંખો ખૂલતો જાય. પછી છેક નદી સુધી જતા ને થોડી થોડી વારે વિસામો મળતો રહે એવા સૌમ્ય ઘાટ. મોટું મંદિર, અહલ્યાબાઈનું સાદું નિવાસસ્થાન. દિવંગત રાજાઓની છતરીઓ અને આ બધાંની વચ્ચે અદ્ભુત સમતોલન. મહેશ્વર ઘાટ એટલે સુગઠિત કલાકૃતિ.
મહેશ્વરમાં નર્મદા ખૂબ વિશાળ જણાય છે. રસળતી નાવો એની શોભામાં વૃદ્ધિ કરે છે. અહીં આવ્યે આજે ત્રીજો દિવસ છે. આજે કાર્તિકી પૂર્ણિમા છે. કાલથી જ લોકોની ઠઠ વધવા માંડી હતી. દૂરદૂરથી લોકો ઊમટ્યાં છે. સેંકડો સ્ત્રી-પુરુષો રાત્રે ઘાટ પર જ સૂઈ ગયાં હતાં. વહેલી સવારથી ઉલ્લાસમય વાતાવરણમાં ભાવિકોની ભીડ ઊમટવા લાગી છે. આમાં રંગબેરંગી ઓઢણીઓવાળી સ્ત્રીઓ પણ છે. છાતી સમાણાં પાણીમાં ઊભા રહીને કેટલાક પુરુષો સંસ્કૃત શ્લોકોના સસ્વર પાઠ કરી રહ્યા છે. યુવાનો દૂર દૂર સુધી તરવા નીકળી ગયા છે. કિશોરો ઓવારા પરથી ધુબાકા મારી રહ્યા છે. સ્ત્રીઓ સ્નાન કરી રહી છે અથવા નાહીને સામસામા સાડીના છેડા પકડી સૂકવી રહી છે. હવામાં હિલ્લોળા લેતી ને ફફડાટ કરતી સાડીઓ નયનરમ્ય આકૃતિઓ રચી રહી છે. લોકો સ્નાન કરીને કિલ્લો જોવા જઈ રહ્યા છે અથવા મંદિરે દેવપૂજન કરવા જઈ રહ્યા છે. વાતાવરણમાં આનંદ ને શ્રદ્ધાનો જાણે કે જુવાળ આવ્યો છે.
ઘાટ પરથી ત્રણચાર માણસો જઈ રહ્યા હતા. એમાંથી એક કહેતો હતો, ‘બમ ભોલે! દૂસરોં કો ચાંદી દે, મુઝે સોના દે!’
બાબુલાલ સેન અહીંના વરિષ્ઠ સાહિત્યકાર છે. ભારે પ્રેમાળ માણસ. એમના અને હરીશ દુબેના પ્રયાસથી કાલે એક ગોષ્ઠિનું આયોજન થયું હતું. એમાં મેં પરિક્રમાનાં થોડાં સંસ્મરણો સંભળાવ્યાં હતાં. મારા ચહેરા પર એક મહિનાની વધેલી દાઢી હતી અને કપડાં મેલાંદાટ હતાં. આવી લઘરવઘર દશાને લીધે બોલવામાં મને સંકોચ થઈ રહ્યો હતો, પરંતુ શ્રોતાઓની આત્મીયતાને લીધે થોડી વાર પછી હું સહજ થઈ ગયો.
મહેશ્વર ઐતિહાસિક નગર છે. ક્યારેક એ હોલ્કર રાજ્યની રાજધાની હતી. રાણી અહલ્યાબાઈ નાની વયે વિધવા થયાં એથી શાસનનો ભાર એમના ઉપર આવ્યો. એમણે કુશળતાપૂર્વક શાસન કર્યું. અપાર સંપત્તિનાં સ્વામિની હોવા છતાં એક તપસ્વિની જેવું જીવન વિતાવ્યું. તેઓ પ્રજાની પ્રેમાળ માતા હતાં. પ્રજા એમના રાજ્યમાં ખૂબ સુખી હતી. અઢારમી સદીમાં એમણે સુરતથી વણકરો બોલાવેલા. એક વિશાળ ખંડમાં મહેશ્વરી સાડીઓ વણાઈ રહી હતી. અમે એ રસપૂર્વક જોતા રહ્યા.
જેમ જેમ રાત જામતી ગઈ, ઘાટ પર ભીડ વધતી ગઈ. દીપદાન કરતાં સ્ત્રીપુરુષોનો પાર નથી. એમણે દીવાઓથી જળને કાંઈ શણગાર્યું છે! કેટલાય નાવમાં બેસીને નદીની વચ્ચે જઈને દીવા તરતા મૂકી રહ્યા છે. સામે કાંઠે પણ દીવા જ દીવા છે. લાગે છે, નદીમાં પ્રકાશના દાણા વેરાઈ ગયા છે.
નદીના દીવામાં હોય છે ગતિ. નદીના દીવા ઘરોના દીવાને કહી શકે કે જો, હું કેવો ગતિશીલ છું, પ્રગતિશીલ છું! તું તો એક જ ઠેકાણે ખોડાઈને રહી ગયો છે. જરાય આગળ નથી વધી રહ્યો. તું યથાસ્થિતિવાદી છો, બૂર્જવા છો!
જવાબમાં ઘરનો દીવો કહી શકે કે શા માટે ખોટો જશ લઈ રહ્યો છે! આ ગતિ કોની છે, તારી કે નદીની? આ તો નદી તને હાંકીને લઈ જઈ રહી છે! જરા પ્રવાહની સામે જઈને તો બતાવ!
મિત્રો વચ્ચે આવા મીઠા કજિયા થતા જ હોય છે.
શરૂમાં કાર્તિકી પૂર્ણિમાનો ચંદ્ર વાદળાંઓમાં દટાયેલો રહ્યો, પણ પછી વાદળ વીખરાઈ ગયાં અને સ્વચ્છ આકાશમાં એ વધુ ચળકવા લાગ્યો. નીતરતી ચાંદનીમાં નર્મદા વધુ નમણી લાગતી હતી. હું ક્યારેક નદીના પહોળા પટને તો ક્યારેક ચંદ્રને જોતો રહ્યો. ચંદ્ર પોતાના ગૌરવના શિખર ઉપર હતો. મને થયું, શુક્લ પક્ષનું પહેલું અઠવાડિયું એટલે ચંદ્રનો બ્રહ્મચર્યાશ્રમ. એ નિરંતર વધતો રહે છે. બીજું અઠવાડિયું એટલે એનો ગૃહસ્થાશ્રમ, પરંતુ ઐશ્વર્યની ટોચે પહોંચ્યા પછી એનું મન વૈરાગ્ય તરફ ઢળે છે. આથી ત્રીજું અઠવાડિયું એટલે ચંદ્રનો વાનપ્રસ્થાશ્રમ અને ચોથું અઠવાડિયું એટલે સંન્યસ્તાશ્રમ. (છેલ્લે દિવસે તો એ અજ્ઞાતવાસમાં ચાલ્યો જાય છે.) સૂર્યનો તો એક જ આશ્રમ — બ્રહ્મચર્યાશ્રમ! કદાચ એથી જ એ આવો તેજસ્વી છે!
(ચંદ્ર, તું નસીબદાર છો. તારા જીવનમાં પાંચમો આશ્રમ ક્યારેય નહીં આવે. અમ મનુષ્યોના જીવનમાં તો એ તેજીથી આવી રહ્યો છે — વૃદ્ધાશ્રમ!)
ગ્રામીણો માટે શુક્લ પક્ષ કેટલો સુખદ હોય છે અને કૃષ્ણ પક્ષ કેટલો અગવડભર્યો! શા માટે આપણે અજવાળિયાની વધારાની ચાંદનીને એકઠી કરી રાખવાની ટેક્નિકનો આવિષ્કાર ન કર્યો, જેથી કૃષ્ણ પક્ષમાં અંધારાનો મુકાબલો કરી શકાય? કેવો હશે એ બંધ જેમાં ચાંદની ઠાંસી ઠાંસીને ભરવામાં આવી હશે! કેવું હશે એ બજાર જ્યાં ચાંદનીની પાટો વેચાતી હશે!
ઘરેથી નીકળતી વેળા ચિ. શરદે કહેલું કે આજકાલ ઠેકઠેકાણે એસ.ટી.ડી. ફોનની સગવડ થઈ ગઈ છે. તમે દર ત્રીજેચોથે દિવસે ઘેર ફોન કરતા રહેજો. પણ આવો પૈસાનો બગાડ મારાથી થાય નહીં. એ મારા સિદ્ધાંતથી વિરુદ્ધ. હા, પોસ્ટકાર્ડ જરૂર લખતો રહેતો. વિચાર્યું, અહીં મહેશ્વરથી ઘેર ફોન કરું. એક મહિનો થઈ ગયો. ટૂંકમાં બધા સમાચાર આપી દઈશ. મને ઘરના સમાચાર પણ મળી જશે. દસબાર રૂપિયાથી વધુ ખર્ચ નહીં થાય.
સારા નસીબે ફોન પર કાન્તા જ મળી. મેં કહ્યું, ‘અમે શૂલપાણ ઝાડી પાર કરી ચૂક્યાં છીએ. મારી તબિયત સારી છે. યાત્રા સરસ ચાલી રહી છે. અઠવાડિયામાં ઓમકારેશ્વર પહોંચી જશું. તમે બધાં મજામાં?’
‘હા.’
‘ફોન રાખું?’
‘આ લો, જવાહરભાઈથી વાત કરો.’
મારી નજર મીટર ઉપર. પંદર… સોળ…
નાનાભાઈથી વાત થઈ. એણે કહ્યું, ‘શરદથી વાત કરો.’
અઢાર… વીસ…
શરદે કહ્યું, અર્ચનાથી વાત કરો. અર્ચનાએ કહ્યું, રેખાથી વાત કરો. રેખાએ કહ્યું, લીનાથી વાત કરો.
મીટર વધુ ને વધુ આક્રમક થતું જતું હતું. ત્રીસ…
પૌત્રી નેહાથી પણ વાત થઈ. હજી થોડા સદસ્યો તો બાકી રહી ગયા હતા. હું ફોન મૂકવા જતો જ હતો ત્યાં પાછી કાન્તા આવી. ‘દૂધ રોજ લેજો. શરીર સાચવજો. વધુ ન ચાલતા. થાક જણાય તો ઘરે આવતા રહેજો.’
મારો ઉચાટ વધતો જતો હતો.
ત્યાં અચાનક એક વિચાર ઝબક્યો. પુત્રવધૂઓ માવતરે જાય ત્યારે પોતપોતાના પતિને ફોન કરે. પુત્રો એમને ફોન કરે. કાન્તાએ અને મેં આવી રીતે ક્યારેય વાત નહોતી કરી. આજે જીવતરમાં પહેલી વાર અમે બેય વાતો કરશું. મેં મીટર ભણી જોવું બંધ કર્યું. બોલ્યો, ‘કનિષ્કા ચાલતાં શીખી?’
‘ના, પણ થોડા દિવસોમાં શીખી જશે. તમે ક્યાં સુધી આવશો?’
‘હજી એક અઠવાડિયું તો થશે.’
‘ભલે, પણ તબિયત જાળવજો.’
‘તું ઠીક છો? તારું સવારે ફરવા જવાનું ચાલુ છે ને?’
થોડી બીજી વાતો પણ થઈ. અમારે વાતો ક્યાં કરવી હતી, એકબીજાનો સ્વર સાંભળવો હતો. એકબીજાના સ્વરનો સ્પર્શ અનુભવવો હતો. અમારો વાર્તાલાપ શાસ્ત્રીય સંગીત જેવો હતો. એમાં શબ્દનું નહીં, સ્વરનું મહત્ત્વ હતું.
ઓગણચાળીસ રૂપિયા થયા. ૪૩ વર્ષના લગ્નજીવનમાં ૩૯ રૂપિયાનું એસ.ટી.ડી. બિલ નર્મદા મૈયા માફ કરી દેશે.