ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/ડામચિયો
ડામચિયો
હવે કોઈ બાળપણનો મિત્ર આવે અને લહેરમાં વાતો કરતાં ‘આપણે કેવાં ડામચિયાં થઈ ગયાં’ એમ સાથે બોલીને હસવાનું મન થાય છે. અમારે ત્યાં વળી ફર્નિચર કેવું? પણ ફર્નિચરના પ્રતિનિધિ તો અમારે ત્યાં હતા તેય અમારા જેવા! ખૂબ ઉપયોગી, અનિવાર્ય, માનમરતબા, પ્રતિષ્ઠાની આળપંપાળ અને બોજ વિનાનાં, આમ કર્મે બોઝિલ પણ જીવે ખાસ્સા હળવા ફૂલ. ઘરમાં ડોસો કે ડોસી એક કે બંને ન હોય તો ઘર અડવું લાગે. કોઈ ભારેખમ વાત કરવાની હોય કોઈ સાથે ત્યારે લશ્કરમાં હાથીને આગળ કરવામાં આવે એ રીતે એમને આગળ કરવામાં આવે અને એવા એ કોઈની સાથે કામની, જવાબદારીની વાત કરતાં હોય તે ઓરડાના બારણા પાછળ મારા જેવા છોકરાને સાંભળવાનું અને ડાહ્યાડમરાને જોઈ હોઠ દાબીને હસવાનુંયે મન થાય. આખી જિંદગી કામનાં વૈતરાં સાથે રાજપાટ વગરના નહીં, પણ ખજાના વગરના શહેનશાહો આવેલા આર્થિક હુમલા બહાદુરીથી નહીં કળેકળે ખાળે અને કામ અને કંઈ ને કંઈ ગૂંચવણિયું ઉકેલવામાં છેવટે એ હાડમાંસના ડામચિયા થઈ જાય. હવે કાલિદાસ તો મોટા કવિ તે કરતાં મોટા માણસ વધારે, એમણે ઠીકરાંનાં ઠામવાસણ ન જોયાં હોય, જોયાં હોય તોયે દૂરથી, એમાં રંધાયેલાં સમાજવાદી ભોજન નહીં કર્યાં હોય અને ખાસ તો અમારે ત્યાં અને આસપાસ ડોસાંડગરા રહેતા એવા તો એમના ખાસ વાસમાં કોઈ રહેતું ન હોય, એટલે ડોસા અને ડામચિયા વચ્ચે રહેલી સમાનતા અને એમાંથી ઊપજતી ઉપમા શે સૂઝે? અમે તો હરફન મૌલા ખરા જ તેમ ઘરના બીજાં ઠાવકા ખરા, સમય આવ્યે જોરૂકા પણ ખરા, પણ ખૂણે બેસે એવા નહીં, એમને એ પાલવે પોસાય નહીં, રસોડે ન હોય ત્યારે સાંજે ચાર-છ આના રળી આપે એવા કોઈ ને કોઈ કામ કરતા રહે. ઘરમાં ખૂણો પાળે માત્ર ડામચિયો! પેલા ગુપ્તવાસ જેવા પેટીપલંગ આવ્યા છે, તેમાં અનામત દળનાં ગોદજાં-ગાદલાં ગુપ્તવાસ સેવે છે કે તપ કરે છે એ સમજાતું નથી, પણ ડામચિયો ખૂણો સેવે તેના પર આખા ઘરનાં ગોદડાં સિંચાય. મહેમાનો માટેનાં અનામત ગાદલાં અમ ગરીબો ઊંચે ન આવે એમ ઊંચે ન આવે, દબાયેલાં રહે, અલબત્ત ઘરમાં અવસર આવે ત્યારે ઉપર શું, બહાર આવે. અમારા જેવા કલ્પનાશીલોને લાગે કે ડામચિયાંમાં સાવ નીચે દબાયેલાં ગોદડાં બહાર આવે એ માટે જ ઘરમાં કોઈ અવસર અને મહેમાનો આવતા હશે! કાઠિયાવાડી સુથારે ઇમારતી ફર્નિચરના સુથારી કામમાં ખપ ન લાગે એવા મૂલ્યે સસ્તા પણ મૂળભૂત સશક્ત લાકડામાંથી એ ડામચિયો બનાવેલો. એના પગ સશક્ત હોય અને આડાં બે-ત્રણ પાટિયાં નીચેની બાજુએ સરખા છોલાયેલાં ન હોય એવા આડા હોય, વચ્ચે નીચેનાં ગોદડાંને હવા મળ્યા કરે એ માટે અવકાશ હોય. એ સુથાર ખભે ઊંચકીને જાતે ડામચિયો વેચવા આવે તે ચારપાંચ રૂપિયામાં અને તેયે ભારે ભાવખેંચ કરીને ખરીદેલો તે ઘરને ખૂણે આખા ઘરનાં ગાભા-ગોદડાંનો સખ્ત ભાર ઊંચકે. રૂનાં ગોદડાં-ગાદલાં ઊંચકવાનાં હોય તો તે ‘પોચો ભાર’ કહેવાય પણ આ તો ઊતરેલા સ્વચ્છ ધોયેલા ગાભા ચીંથરાંનાં વજનદાર સપાટ ગોદડાં-ગોદડી! વરરાજા, અલબત્ત ઘોડા સહિત સાસરાના આંગણે પોતે ઊતરીને ઘોડાનો ભાર ઉતારે અને સંસારનો બોજ માથે ચઢાવે તેમ રોજ રાતે પોતા પરનો ભાર ઉતારે અને સવાર પડે કે છૂટું થયેલું પરચૂરણ બાંધો રૂપિયો થઈ જાય તેમ બધાં છૂટાં ગાદલાં-ગોદડાં એક થઈ જાય, ડામચિયો એમ રોજ સવારે પોતા પર ભાર ચઢાવે! બહારના માણસો એ સૌનાં દર્શન ન કરી શકે એટલે ઉપરથી તે ઠેઠ ડામચિયાની બેઠક સુધી શેતરંજી પગ લટકાવીને બેસી જાય. બીજાં ગોદડાં-ગાદલાંને છુપાવીને એ દેખાયા કરે!
હવે વસ્તીમાં ઉઘાડપગાં બિલ્ડિંગો દેખાય છે. અંગદના ટાંટિયા જેવા એ અફર ટાંટિયા દેખાયા કરે, એ પગો વચ્ચેથી શેરીનાં કૂતરાં ગલૂડિયાં જ નહીં, સ્કૂટર અને કાર આવ-જા કરે છે, એ સ્ટ્રક્ચરની પ્રેરણા સ્થપતિને આ ડામચિયા તરફથી જ મળી હશે! પહેલાં અમે ઘરમાં ઉઘાડપગો ડામચિયો જોતા. હવે ઉઘાડપગાં બિલ્ડિંગો જોઈએ છીએ! ધોતલી પહેરતા ત્યારે અમે અડધા પગ ઉઘાડા રાખતા, ધોતિયું પહેરતા ત્યારે ઢાંકતા તોયે પગની પાછલી બાજુએ હવા મળવા જેવો અવકાશ રહેતો અને તે ઓછો હોય ત્યારે હેલારા કરતો પવન આવતો અને જમણા હાથને કામે લગાડવો પડતો. ડામચિયાના પગ પણ અમારા પગ જેવા જ, ફેર એટલો કે એને પેલી ચકલીને નથી તેમ એને પણ ઘૂંટણ નહીં! ઉપરથી પાતળા ને ઊંધી ઉતરડ જેવો નીચે જતાં જાડા થતા જાય. બધાં ગોદડાં સવારે હજી જમીને રાતભર ઉઠાવેલો બોજ દૂર થતાં હળવાશ અનુભવતાં જમીન પર આરામ કરતાં હોય, ડામચિયાં પર ભવિષ્યે આવનારા મહેમાનોની રાહ જોતાં ચારપાંચ ગાદલાં પડ્યાં હોય ત્યારે તેના પર ચઢી બેસી પગ હલાવવાની મોજ માણી છે તે તો અમને કોઈ ભૂલથી સિંહાસને અને તેયે રાષ્ટ્રપતિ વિદેશપ્રવાસે ગયા હોય ત્યારે, ચઢાવી દે એના કરતાં જાતે ડામચિયે ચઢી બેસી બંને પગ બરાબરથી બરાબર હલાવેલા તેનો નરવો નિશ્ચલ આનંદ ઑર! સંતાકૂકડીની રમત વખતે એ ડામચિયા નીચે સંતાયેલા એ તો કોઈ યોગી ગુફામાં ઘડી તપ કરે એના કરતાં વધારે આત્માનંદી, પુણ્યશાળી! ઉપર નાખેલી શેતરંજીનો છેડો લંબાવી એકાંતવાસ સર્જી લેતા અને કોઈ અમને શોધી કાઢે અને સામટા હાસ્યનો ફુવારો ઊડે એ ક્ષણની ઉત્સાહભેર રાહ જોતા. છાપરા નીચે તો અમને આશરો મળ્યો જ હતો પણ આવી રીતે ડામચિયા નીચે આશરો મળે નહીં, પણ મેળવી લેવાય — એની મઝા ઑર!
અમારા એ આનંદની ઘરના માણસોને ઈર્ષ્યા આવી હશે કે શું, એ ડામચિયા નીચેના અવકાશમાં તેલનો ડબ્બો, તુવેરદાળનો મૂળે ઘાસલેટિયો, બર્માશેલના ભૂરી ઝાંયના ઘાસલેટનો ડબ્બો મૂક્યાં અને અમારો એક ગુપ્તવાસ છીનવાઈ ગયો! મોઢામાં હોય તે પેટમાં તો ઊતરે જ એમ ગોદડાંમાં ગુપ્તવાસ સેવતાં થોડાક માંકડને ડામચિયાના પગ, આડા પાટિયાના સાલના પોલાણમાં ગુપ્તવાસ સેવવાનો હક્ક અલબત્ત દિવસે જ હોં! આપણે ત્યાં રાતપાળી શરૂ થઈ એમાં માંકડો રાતપાળી કરે એની પ્રેરણા અવશ્ય રહી હશે! હા, હવે એવું લાગે છે ખરું! ઘરવાળા ડામચિયા પાસે ખૂણો પળાવે તે એમનાથી સહ્યું જતું નહીં હોય! અમે ભલે પેલા ભારતીઓ જેવા અનિવાસી બનીએ, પણ ડામચિયો જાહેરમાં આવી સૂર્યસ્નાન કરે એવી એમની શુભ કામના! એટલે ઉનાળે ડામચિયાં કંઈ ગાલ્લું નહીં, હીંચકાનાં કડાં નહીં, તોયે, અમારા ઘરમાં અમૃતકુપ્પી તો ક્યાંથી હોય પણ ગ્યાસતેલની કુપ્પી હતી. તેના દ્વારા ડામચિયાના સાંધામાં તેલસિંચન કરવા માટે ડામચિયાને બહાર કાઢે, ઉઘાડેછોગ કરી નાખે. અને પેલા અમેરિકનો રવિવારે ચડ્ડીભેર દરિયાકિનારે સૂર્યસ્નાન કરે એમ ડામચિયો સૂર્યસ્નાન કરે! આખો દિવસ જાહેરમાં સૂર્યસ્નાન કરી સાંજે ખૂણો પાળવા યથાસ્થાને આવે. સ્થાનભ્રષ્ટ ગોદડાં બીજી સવારે તેમનું ગુમાવેલું મૂળ સ્નાન પ્રાપ્ત કરે. ડામચિયા બહાર સૂર્યસ્નાન કરતા હોય ત્યારે ગોદડાંગાભા ઢગલો થઈને પડ્યાં હોય તે ચકલે બેઠેલા મજૂરોની ટોળી જેવાં લાગે. એ ડામચિયો ક્યાં ગયો, કયા સેકન્ડ-હૅન્ડ પ્રેમીને ત્યાં ગયો એની જાણ નથી, નહિતર એનાં દર્શન કરવા જવાની ઉંમર તો હજી છે. જૂનું આંગણ, જેના પર બેસી પગ હલાવેલા, તે ડામચિયો, કૃષ્ણને તેમનાં ક્રીડાસ્થાનો સાંભરતા હોય એવાં સાંભરે રે, મને સાંભરે રે! કંકાવટી: નવે-ડિસેમ્બર, ૧૯૯૯