ગુજરાતી નિબંધ-સંપદા/પ્રીતિ સેનગુપ્તા/આજના અમેરિકાનો સમાજ
આજના અમેરિકાનો સમાજ
અમેરિકા એવો દેશ છે જેના વગર દુનિયાને ચાલતું નથી. પણ સાથે જ, એ કબૂલ કરવું દુનિયાને ગમતું નથી. એ એવો દેશ છે જેને દુનિયા ચાહે છે, વાંછે છે અને સાથે જ, એની સાથે વાંધા કાઢ્યા કરે છે. અમેરિકાને ધિક્કારવું દુનિયાને ઘણું ગમતું હોય છે. એ એવો દેશ છે જેને વિશે ફાવે તેવા મત તથા ખોટા ખ્યાલ લોકો સહેજમાં બાંધી દેતા હોય છે, પણ એને વિશે સમજણ કેળવવાનો પ્રયત્ન કરતા નથી.
જે સમાજ બહારથી સદંતર ઉચ્છ્રંખલ અને ચાર્વાકવાદી લાગે છે તે ખરેખર એવો નથી પણ હોતો. એના સદસ્યો પણ રિવાજો, રૂઢિચુસ્તતા, વહેમો, માન્યતાઓ વગેરેથી અત્યંત સભાન તેમજ દબાયેલાં હોય છે. દુનિયા માનતી હોય છે તેટલાં ઉન્મુક્ત એ બધાં નથી હોતાં, બલકે સામાજિક ટીકાનો ડર એમને જરૂર નડતો હોય છે. ‘અમેરિકન એટલે મજબૂત, બિન્ધાસ્ત અને લાપરવાહ — એવી વ્યક્તિ’ એમ સાધારણ રીતે માનવામાં આવતું હોય છે, પરંતુ અમેરિકન વિચારકો એનાથી જુદું જ માને છે, અને અમેરિકનોમાંતી વૈયક્તિકતાની ઓછપ અંગે ચિંતા વ્યક્ત કરે છે; વધારે પડતી અનુરૂપતા અને અનુસારકતાનાં ભય-સ્થાનોની વાત કરે છે.
થોડાં વર્ષો પહેલાં વિચારકોએ નોંધ્યું હતું કે, અમેરિકનો સ્વ-નિર્ભર થતાં ગભરાય છે, અને એકમેકના જેવાં થઈને ગોઠવાવાની ચિંતા કર્યા કરે છે. શાળાવયીથી માંડીને પુખ્ત-વયનાં સદસ્યો ‘સરખે-સરખાંનું સંપીડન’ કહેવાતી, દૃષ્ટ-અદૃષ્ટ, બળજોરી અનુભવતાં હોય છે, તે થોડું ધ્યાન આપતાં જોઈ શકાય છે.
જોકે શક્ય છે કે આ જમાનામાં અમેરિકી સમાજની સામૂહિક ચેતના એક વર્તુળ ફરતી ગઈ હોય, ને વૈયક્તિકતા જ નહીં પણ સ્વાર્થ-પરાયણતા સુધી પહોંચી જાય. આ ભાવ એવો છે કે જલદી સમજી અથવા સમજાવી ના શકાય. દા.ત., કોઈ પણ માણસને પૂછશો તો એ નક્કી કહેશે કે, ‘સ્વાર્થીપણું ખરાબ છે. આજ-કાલ બધા લોકો સાવ સ્વાર્થી હોય છે.’ પણ એ માણસ પોતાને આ સામાન્યીકરણમાંથી બાકાત રાખવાનો. લોકો હંમેશાં એમ કહેતા હોય છે કે, ‘આજ-કાલ કોઈના ઉપર વિશ્વાસ રખાય એવું નથી રહ્યું’ — ત્યારે એ લોકો એ વર્ગીકરણમાં પોતાને ક્યાં મૂકતા હોય છે?
જોવામાં એમ આવે છે કે બુનિયાદી મૂલ્યો વિશે પૂછવામાં આવે ત્યારે મોટા ભાગના લોકો — સાગ્રહ — જવાબદારી, સ્વ-નિર્ભરતા, વિચારોની અભિવ્યક્તિ જેવા ગુણો પોતાની જાતમાં દર્શાવે છે; અને સાથે જ, આ ગુણો બીજાઓમાં રહ્યા નથી કે દેખાતા નથી, એવો મત વ્યક્ત કરે છે. આ એક એવું ‘વિરુદ્ધ-કથન’ છે કે મત પ્રદર્શિત કરનારાનું ધ્યાન પણ તરત એ તરફ ના જાય.
જો દરેક જણ પોત-પોતાના હિતનો જ વિચાર કરશે, ને અન્ય-જનને નીચા ગણશે, તો સામાજિક તથા કૌટુંબિક સંબંધો વધારે ને વધારે નબળા પડતા જવાના. હવે વિચારકો આ ચિંતા કરે છે.
હજાર વર્ષ પહેલાં જગતમાં વ્યક્તિવાદ હયાતીમાં નહોતો — આપણે આજે જામીે છીએ તે રીતે તો નહીં જ. પુરુષો પિતાના નામથી, ને સ્ત્રીઓ પિતા અથવા પતિના નામથી ઓળખાતાં. ચૌદમી સદી પહેલાં સ્વતંત્ર અટકોનો રિવાજ નહતો. અમેરિકામાંના સીદી-હબસી ગુલમાને તો ઓગણીસમી સદી સુધી અટકો રાખવાની છૂટ ન હતી. વળી, રોજિંદું જીવન જાહેરમાં ને સમૂહમાં જિવાતું. પોતાની જુદી, નિજી જગ્યાનું કલ્પન છેક અઢારમી સદીમાં યુરોપના શ્રીમંત વર્ગમાં જન્મ પામ્યું. એકસો વર્ષ પહેલાં કેટલાં જણ સાવ એકલાં રહી શકતાં? આજના અમેરિકામાં પ્રજાનો ચોથો ભાગ એક-એક જણવાળાં ઘરોથી બનેલો છે. મધ્ય-વર્ગીય આર્થિક સધ્ધરતાને કારણે આ શક્ય બન્યું છે.
એક સમયે વૈયક્તિકતાનું સ્વરૂપ ‘ઉપયોગિતાવાદી’ હતું. જ્યારે હવે એ ‘અભિવ્યક્તિવાદી’ બન્યું છે એમ કહેવાય છે. હવે લોકો પોતાની જાતની સહાયમાં તથા શોખમાં પ્રવૃત્ત રહે છે. અમેરિકાની સંપન્નતા પ્રજાને આ માટે સમય, તેમજ શ્રી આપી શકી છે. છેલ્લાં ચાલીસ-પચાસ વર્ષથી જ આ શક્ય બન્યું છે. એ પહેલાં વ્યક્તિગત સંવેદનો કે આવશ્યકતાઓની અભિવ્યક્તિની અગત્ય ભાગ્યે જ થોડાં જણને જણાતી રહી હશે.
એક પ્રશ્નોત્તરી પ્રમાણે અમેરિકાની જનતા કઈ કઈ બાબતોને અગત્યની ગણે છે — તેની યાદી રસ પડે તેવી છે. પંદર મૂલ્યોમાંનું કયું કયા ક્રમાંક પર છે — તે જોતાં અમેરિકાના આજના, ભિન્ન-જાતીય સમાજની ખાસ્સી અર્થપૂર્ણ એવી ઝાંખી મળી આવે છે. દા.ત., પંચાણું ટકાથી વધારે લોકો ‘પોતાનાં કાર્યો માટે જવાબદાર હોવું’ને પ્રથમ સ્થાને મૂકે છે અને પંચોતેર ટકા લોકો ‘ઈશ્વરમાં શ્રદ્ધા હોવી’ ને અગત્યનું ગણે છે.
લોકોના પ્રત્યુત્તરોને આધારે ‘હું બરાબર છું, તમે સ્વાર્થી છો’ જેવું એક વિચરન ઊપસતું જણાયું છે — જેમ કે, કેવળ સત્તર ટકાએ પોતાની જાતને સ્વ-કેન્દ્રીય ગણાવી છે, જ્યારે સાઠ ટકા બીજાંને સ્વ-કેન્દ્રીય ગણાવે છે. આ જ રીતે, ‘નજીકના તો ગેર-ફાયદો ના જ ઉઠાવે,’ એમ કહેનારાં ઘણાં ઓછાં હોય છે, જ્યારે ‘મોટા ભાગના લોકો ગેર-ફાયદો ચોક્કસ ઉઠાવવાના’ — એમ કહેનારાંની સંખ્યા ઘણી વધારે છે. તો શું આનો અર્થ એ હશે, કે અમેરિકામાં ઘણા સ્વ-કેન્દ્રિત લોકો છે ખરા, પણ જાણે કોઈને એ બાબતની ખબર નથી? કે પાછી અમેરિકનો સમાજને એ છે કે તે કરતાં ખરાબ કલ્પે છે?
ધર્મને લગતી બાબતને અમેરિકનો આગવી રીતે જુએ છે. ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જરૂરી છે — એમ માનનારાં પંચોતેર ટકા છે, પણ એનાથી ઘણા ઓછા ટકા ધાર્મિકતાને અગત્યની ગણે છે. ‘ધાર્મિકતા’નું સૂચન જો સામૂહિક પ્રાર્થના ને ભક્તિમાં જોઈએ, તો એમ લાગે છે કે મોટા ભાગનાં અમેરિકનો જાહેર અને સામૂહિક ધર્મપ્રવૃત્તિઓને બદલે નિજી શ્રદ્ધા અને નૈતિક નિયમનનું મહત્ત્વ વધારે ગણે છે.
સામાજિક સ્તરે પણ અમેરિકનો એકલાં રહેવું વધારે પસંદ કરતાં લાગે છે, તો દાન પર ટકતી સંસ્થાઓમાં સ્વેચ્છાથી વિવિધ સેવા આપનારાંની સંખ્યા ઘણી વધી છે. આવાં સંધાન સામાજિક સંપર્કનું સ્થાન લે છે. વળી, સ્ત્રીઓ પણ હવે નોકરી કરતી થઈ ગઈ છે, ને તેથી કામ, ઘર, છોકરાંનો ઉછેર વગેરેમાંથી સામાજિક ઘનિષ્ઠતા માટે સમય કાઢવો કઠિન પડે છે.
એક તરફ આ સમાજ વ્યક્તિવાદી છે, તો બીજી તરફ એ સુસ્થિર સંબંધોની હિમાયત કરતો રહે છે. આ બે તત્ત્વોની વચમાં અમેરિકાનો પોતાની જાત વિશેનો ખ્યાલ ઝોલાં ખાતો રહે છે. સફળ મૂડીવાડને કારણે પ્રાપ્ત થયેલા ઉચ્ચ-કક્ષાના જીવનમાં લાંબા કાળના સંબંધો અને અન્યના આધારની બહુ જરૂર દેખાતી નથી, પણ શક્ય છે કે સમાજની સામૂહિક ચેતના પુનઃ એખ વર્તુળ ફરે, ને ત્યારે એનાં સદસ્યોને પણ ખબર પડવાની કે વૈયક્તિકતાની કિંમત શું ચૂકવવાની આવે છે.
છેલ્લે, અમેરિકનોને જે પંદર અંગત મૂલ્યો અગત્યનાં લાગે છે તેની ટકાવારી સાથેની યાદી જોઈએ. એ દ્વારા એ પ્રજાનું નિરાળું ને યથાર્થ ચિત્રણ જરૂર મળવાનું.
૧. પોતાનાં કાર્યોની જવાબદારી હોવી. ૯૭%
૨. આરોગ્યની સંભાળ રાખવી. ૯૧%
૩. સ્વાભિમાનથી પગ-ભર રહેવું. ૮૯%
૪. પોતાની લાગણીઓને વ્યક્ત કરી શકવી. ૭૮%
૫. ઈશ્વરમાં શ્રદ્ધા હોવી. ૭૫%
૬. બાળકો હોવાં. ૭૧%
૭. સંતોષકારક નોકરી હોવી. ૭૦%
૮. સારા પાડોશી થઈને રહેવું. ૬૮%
૯. આર્થિક રીતે સધ્ધર હોવું. ૬૫%
૧૦. લગ્ન કરવાં. ૬૨%
૧૧. ધર્મ-પરાયણ હોવું. ૫૬%
૧૨. પોતાને માટે પૂરતો સમય હોવો. ૫૨%
૧૩. સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો. ૩૫%
૧૪. અનેક મિત્રો હોવા. ૨૮%
૧૫. આકર્ષક દેખાવ હોવો. ૧૮%