ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પૃથ્વીચંદ્રચરિત્ર-વાગ્વિલાસ’

From Ekatra Wiki
Revision as of 05:59, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘પૃથ્વીચંદ્રચરિત્ર/વાગ્વિલાસ’'''</span> [ર.ઈ.૧૪૨૨/સં. ૧૪૭૮, શ્રાવણ સુદ ૫, રવિવાર] : ગુજરાતી તથા સંસ્કૃતના વિદ્વાન કવિ અંચલ ગચ્છીય જૈન સાધુ માણિક્યસુંદરની ૫ ઉલ્લાસમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘પૃથ્વીચંદ્રચરિત્ર/વાગ્વિલાસ’ [ર.ઈ.૧૪૨૨/સં. ૧૪૭૮, શ્રાવણ સુદ ૫, રવિવાર] : ગુજરાતી તથા સંસ્કૃતના વિદ્વાન કવિ અંચલ ગચ્છીય જૈન સાધુ માણિક્યસુંદરની ૫ ઉલ્લાસમાં વિભાજિત પ્રાસબદ્ધ ગદ્યમાં રચાયેલી આ કૃતિ(મુ.)માં પુણ્યનો મહિમા બતાવવો એ કવિનું મુખ્ય પ્રયોજન છે. એટલે મૂળ કથાસરિત્સાગર અને તેના પરથી ઊતરી આવેલી પૃથ્વીરાજની સંસ્કૃત-પ્રાકૃત કથાઓ પર આધારિત આ કથામાં દક્ષિણના મરહઠપ્રદેશના પઈઠાણપુરના રાજા પૃથ્વીચંદ્રના અયોધ્યાની રાજકુંવરી રત્નમંજરી સાથેના લગ્નની કથા મુખ્ય વસ્તુ હોવા છતાં એમાં શૃંગરરસ નહીં જેવો છે. લગ્નપૂર્વે આવતાં વિઘ્નો, ચમત્કારિક રીતે થતું એ વિઘ્નોનું નિવારણ અને એ ચમત્કારોની પાછળ રહેલા રહસ્યનું કૃતિને અંતે થતું ઉદ્ઘાટન એ તત્ત્વોને લીધે નિષ્પન્ન થતો અદ્ભુતરસ કથાના કુતૂહલને ઠેઠ સુધી જાળવી રાખવામાં ઉપકારક બને છે તેમ જ કથાના ધાર્મિક ઉદ્દેશને પણ પોષક બને છે. નાયકનાયિકાના પૂર્વભવની, વણિક શ્રીપતિની અને ધર્મનાથ તીર્થંકરની અવાંતર કથાઓ પણ ધર્મોદ્દેશથી મુકાઈ છે. કંઈક શિથિલ સંકલનાવાળી આ કૃતિ કથન કરતાં વર્ણન અને ભાષાની દૃષ્ટિએ વિશિષ્ટ છે. ટૂંકાં વાક્યોવાળા, પ્રાસબદ્ધ, અલંકારપ્રચુર, તત્સમ શબ્દોના ઉપયોગવાળા ને શબ્દક્રમ ઉલટાવી નિષ્પન્ન થયેલા મુક્ત લયવાળા પદ્યગંધી ગદ્યમાં પૃથ્વીચંદ્રની રાજસભા, અયોધ્યાનગરી, અટવી, યુદ્ધ ઇત્યાદિનાં જે ચિત્રાત્મક, વેગીલાં ને કાવ્યમય વર્ણનો મળે છે તે કવિની ગુજરાતીમાં ‘કાદમ્બરી’ રચવાની મહેચ્છા કેટલેક અંશે સફળ થતી બતાવે છે, અને કૃતિની ‘વાગ્વિલાસ’ સંજ્ઞાને સાર્થ ઠેરવે છે. વર્ણકોની અસરમાંથી આવેલાં કસરતી ચાતુર્યપ્રદર્શનનાં દ્યોતક માહિતીવર્ણનો અને શબ્દાળુતા કૃતિના કૃત્રિમ ગદ્યઅંશો છે.[ર.ર.દ.]