અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/મેઘદર્શન
આવ્યો આવ્યો ઋતુ પલટતાં આશભીનો અષાઢ,
ને છાઈ ર્હે હૃદય પરકો વેદના ક્યાંથી તીવ્ર!
ના કૈં ચિત્તે અસુખ, સહસા તોય સોરાય જીવ,
સ્પર્શે પ્રાણે, કવિકુલગુરો, તારી હૈયાપ્રસાદી.
આનંદેથી નવયુગલ કૈં સોડમાં જે લપાઈ
આસ્વાદે છે મિલનસુખમાં મત્ત થૈ મેઘદૂત,
ના જાણે તે વિરહ વળી શું! ને પડે જો વિજોગ
વર્ષારૂંધ્યા પથ વિકટ ના પૂર્વ જેવા, શકે એ
સ્હેજે પાછાં મળી, સુકર છે આજ વાયુપ્રવાસ.
વિદ્યુદ્વેગે – ન અવ ઉપમા એ; સ્વયં લૈ જતી તે
વિદ્યુત્ આજે વિપળ મહીં સંદેશ પ્રેમીજનોના;
આજે તો સૌ મિલનસુખિયાં માનવી; ના અમારાં
ભાગ્યે દ્હાડા વિરહસુખના એકબેયે, પ્રિયાના
સાન્નિધ્યે છે સતત નિરમ્યું પ્રેમને ઓસવાવું!
ને તોયે જ્યાં ક્ષિતિજતટને ભેદતો નીલ મેઘ
વ્યોમે ધીરે રહી ગતિ કરે, સિંધુના સ્વપ્ન-શો, ત્યાં
હૈયામાં કો અકથિક વ્યથા ઊબળે જન્મજૂની,
કે સંચેલી વિરહસભરા કૈંક જન્માન્તરોની.
ક્યાં આઘેરા પુનિત નમણા રામગિર્યાશ્રમો તે
ને ક્યાં હર્મ્યે સુહતી અલકા દૂર ઊંચા હિમાળે?
વચ્ચે વ્હે દુસ્તર સરિત ને કૈં અરણ્યો અભેદ્ય,
હાવાં થાવું મિલન દ્વય તે યક્ષ પ્રેમી તણું શે?
રાત્રે દીર્ઘ પ્રહર પિયુએ નિર્ગમ્યા શૂન્ય શય્યા
કેરા છેડા પર તરફડી, અશ્રુથી દિગ્ધ નેત્રે
ઝંખી ઝંખી સદય દયિતામૂર્તિ તે મુગ્ધ. એનાં
અંગો સ્પર્શી અનિલલહરી દક્ષિણે વ્હેતી માની,
ભેટી એને પ્રિયતમ લહે સાન્ત્વના, ને વિમાસે:
“ઊભી મારી ગભરુ તરુણી રાત્રિપ્હોરે ઝરૂખે
નિઃશ્વાસોથી હળવું કરતી હૈયું ક્હેતી હશે — ‘ઓ
વ્હાલા આંહીં નિશદિન હવે વાટ હું જોઉં તારી,
ના સ્હેવાયે મુજથી ઘર આ સૂનું, સૂની પથારી,
સૂનું હૈયું; સભર અલકા સૂની તારા વિનાની!’
ને એ વાતે વળી શુકવધૂ પિંજરે પૂરી તેની
સાથે, હૈયું વિરહવિકળું ઠારતી કૈં હશે; ત્યાં
એના દૃષ્ટિપથ પર પડે જો નવા નીલ મેઘ,
ના એ જીવી ક્ષણ પણ શકે! કૈંક દેવો ઘટે હા
આશાપ્રેર્યો મુજ પ્રણયનો સદ્ય સંદેશ એને.”
ને એ વીતી સકળ રજની એમ ઝંખા મહીં ને
પ્રાતઃકાળે ગિરિશિખરને ભેટતો ગાઢ ઝૂક્યો
દીઠો એણે જલદ નવ, ને પુષ્પઅર્ઘ્યે વધાવી
સંદેશો એ સજલ ઉરનો પાઠવ્યો મેઘ સાથે.
શેં જામ્યું તેં, કવિ, પ્રિયતમા ઝૂરતી યક્ષની? શે
બે હૈયાંની, કવિ, અનુભવી અંતરે ગૂઢ આસ્થા?
ને આસ્થા એ જલધર તણે રમ્ય ધારી હિંડોળે
યાત્રાએ (શેં સૂઝ્યું, કવિ, તને?) મોકલી દેશદેશે!
ના, ના ગાયો કવિકુલગુરો, તેં દ્વય પ્રેમીનો જ
કિંતુ જીવી યુગ યુગ અહીં સૌ પ્રજાનો વિયોગ.
ના તેં જોડ્યાં દ્વય પ્રણયીને માત્ર; આ ભારતે તેં
જીવ્યાં લોકો યુગ યુગ મહીં એક તે સર્વ કીધાં.
બે હૈયાંની વિરહકથની ગાઈ સૌન્દર્યમત્ત,
તારે હૈયે જનકુળ બધું ભેળું તેં કીધ પ્રેમે.
ઊંચેરાં એ ગિરિવર તણાં શૃંગ ને એ નદીઓ,
વચ્ચે ફેલ્યા ફળભર પ્રદેશો કંઈ શસ્યશ્યામ.
શ્રીસોહન્તી નગરી વિદિશા ને વિશાળા — અવન્તી,
ક્ષેત્રો, ગ્રામો, જનપદ કંઈ કાવ્ય તારે ગ્રથાયાં.
વીત્યા વચ્ચે શતક; નિજને માનતાં એકગોત્ર
સંવાદી એ છવિ મનુકુળો ચિત્તમાં ધારી ર્હેતાં.
આજેયે તે નભ ભરી વહે સારસોના નિનાદો,
સૂતાં ભોળાં ભવનવલભી હેઠ પારાવતોયે;
ઊડે પાંખો ધવલ પસરી વ્યોમઅંકે બલાકા,
ને ચંચૂમાં કમલ ગ્રહીને સ્હેલતા રાજહંસો.
વાડો મ્હેકી કહીંક ઊઠતી ખેતરે કેતકીની,
ગ્રામે ગ્રામે અનુભવી કથાદક્ષ છે ગ્રામવૃદ્ધો;
આજેયે તે અભિસરી રહી પ્રેમિકા અંધકારે,
જોઈ ર્હેતી જલદ નભમાં કૌતુકે અંગનાઓ.
આજેયે તે જળઢળકતી ધન્ય સ્રોતસ્વિનીઓ.
રેવા બ્હોળી વિષમગતિ વિન્ધ્યાદ્રિપાદે વીંખાતી:
સિપ્રા સોહે સ્મિતમય; ફળે ઝૂકતી જાંબુકુંજો;
માર્ગે માર્ગે મમુકુલભર્યાં છે પુરો પ્રાણપૂર્ણ.
આજે શું ના વિરહ પણ તે? ના અરે એય રાજે,
આજેયે તે, વિરહ વિભુ આ માનવી જિંદગીમાં.
આજે ખોબા સમું જગ બન્યું, માનવી માનવીની
વચ્ચે કિંતુ નવ જરી ઘટ્યો — છે વધ્યો — આંતરો હા!
એવું કૈં શું મનુહૃદયમાં, કે સદાના વિજોગે
એકાબીજા તણી નિકટમાંયે રહે જીવી જીવો?
ખારા પેલા જલનિધિ તણા બાષ્પનો મેઘ વર્ષે,
તે શો મીઠો? મનુજઉરથી ઊઠતાં વારિ ખારાં!
તો એ કેવું મનુજઉર રે! ને હશે નિર્મ્યું શાનું?
જોડ્યા કાવ્યે કવિકુલગુરો, તેં હિમાદ્રિ-સમુદ્ર,
સિંધુ કેરું હિમગિરિ પ્રતિ પાઠવી મેઘસ્વપ્ન.
તારી હૈયાવિરહ તણી ગાથા ગવાતાં, સમષ્ટિ
ગૂંથાઈ ગૈ સકળ, સબળા સ્નિગ્ધ સૌંદર્યતારે.
આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘદર્શે રમું હું,
ઊંડી ગૂઢી મનુહૃદયની વેદનાને નમું હું,
ને એ ગાતી કવિકુલગુરુની કલાન નમું હું.