ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/‘ભાગવત’

From Ekatra Wiki
Revision as of 06:28, 4 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘ભાગવત’'''</span> : સંપૂર્ણ ભાગવતને ગુજરાતીમાં ઉતારવાના સૌપ્રથમ પ્રયત્ન લેખે રત્નેશ્વરના આ અપૂર્ણ રૂપે ઉપલબ્ધ થતા અનુવાદગ્રંથનું વિશિષ્ટ મહત્ત્વ છે. અત્યારે ગ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘ભાગવત’ : સંપૂર્ણ ભાગવતને ગુજરાતીમાં ઉતારવાના સૌપ્રથમ પ્રયત્ન લેખે રત્નેશ્વરના આ અપૂર્ણ રૂપે ઉપલબ્ધ થતા અનુવાદગ્રંથનું વિશિષ્ટ મહત્ત્વ છે. અત્યારે ગ્રંથના ૬ સ્કંધ મળે છે, તેમાં પહેલો (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, કારતક સુદ ૧૧, શનિવાર), બીજો (ર.ઈ.૧૬૯૩/સં.૧૭૪૯, કારતક સુદ ૧૧, સોમવાર) અને ૧૦મો (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૩૯, ભાદરવા સુદ ૫, રવિવાર) મુદ્રિત છે. તથા ૧૧મો (ર.ઈ.૧૬૮૪) અને ૧૨મો (ર.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦, શ્રાવણ સુદ ૧૦, સોમવાર) અમુદ્રિત છે. ‘કવિચરિત’ એમાં ત્રીજો સ્કંધ ઉમેરી કુલ ૬ સ્કંધ મળતા હોવાની માહિતી આપે છે. ચોપાઈ-દાવટી અને ચોપાઈ-જેકરીની દેશીઓના બનેલા ઢાળબંધમાં કવિએ શ્રીધરની ભાગવતટીકાને અનુસરી આ અનુવાદ કર્યો છે. દરેક અધ્યાયના પ્રારંભમાં આગળના અધ્યાયના સારરૂપ એકબે સંસ્કૃત અને ગુજરાતી શ્લોકો કવિએ મૂક્યા છે તેમાં રથોદ્ધતા, દ્રતવિલંબિત, વસંતતિલકા વગેરે અક્ષરમેળ વૃત્તો પ્રયોજ્યા છે. શ્રીધરની ટીકાના મર્મને બરોબર સમજી ભાગવતની સમાસબહુલ ભાષા તથા તેમાં થયેલી વેદાંતવિષયક સૂક્ષ્મ શાસ્ત્રીય ચર્ચાઓને ગુજરાતીમાં ઉતારવાનું ઠીકઠીક મુશ્કેલ કાર્ય કવિએ સારી રીતે પાર પાડ્યું છે. ટીકાકારની પદ્ધતિને અનુસરી શ્લોકમાં ઊઠતા પ્રશ્નો આપી તેનું નિરાકરણ શ્લોકના શબ્દોથી જ કરી કવિએ પોતનાં વિદ્વત્તા અને ભાષાપ્રભુત્વનો અચ્છો પરિચય આપ્યો છે.[શ્ર.ત્રિ.]