ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/‘ભ્રમરગીતા-ફાગ’

From Ekatra Wiki
Revision as of 11:46, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘ભ્રમરગીતા-ફાગ’ [સંભવત: ૨. ઈ.૧૫૨૦] : ‘શ્રી કૃષ્ણગોપી-વિરહમેલાપકભ્રમરગીતા’ એ નામથી પણ ઓળખાવાયેલી ચતુર્ભુજની આ કૃતિ(મુ.)માં એકાંતરે આવતા દુહા અને છંદ (ઝૂલણાનો ૧૭ માત્રાનો ઉત્તરાર્ધ)ની ૯૯ કડી છે અને દુહાનાં કેટલાંક ચરણોમાં આંતરયમકનો પ્રયોગ થયેલો છે. ભાગવતના દશમસ્કંધમાંના ઉદ્ધવ-સંદેશના વિષયનું આ કાવ્ય પહેલી ૩૭ કડીમાં કૃષ્ણનું મથુરાગમન અને ત્યાં એમણે કરેલાં પરાક્રમો અને પૂર્વકથાને પણ સમાવી લે છે એ એની વિશેષતા છે. કૃષ્ણવિદાય વેળાની ગોપીઓની હૃદયવ્યથા, ઉદ્ધવ સમક્ષ નંદ-યશોદાનું કલ્પાંત, ઉદ્ધવને વિવિધ સ્થાનો બતાવતાં ગોપબાલોને થયેલું કૃષ્ણક્રીડાનું સ્મૃતિસંવેદન, ગોપીઓના કૃષ્ણ પ્રત્યેના ઉપાલંભો અને ઉદ્ધવને થતું ગ્રામવાસીઓના કૃષ્ણપ્રેમનું વિસ્મયકારી દર્શન આ સઘળું અહીં ચિત્રાત્મક અને ભાવવાહી રીતે આલેખાયું છે. આ કૃતિની લે. સં. ૧૬૨૨ મળતી હોઈ તેના પાઠમાં આવતા રચના-સમયનિર્દેશક ‘છિહુતરિ’ એ શબ્દને સં. ૧૫૭૬ (ઈ.૧૫૨૦) તરીકે ઘટાવવામાં આવેલ છે. [કા.શા.]