ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/‘મામેરું-૩

From Ekatra Wiki
Revision as of 16:07, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘મામેરું-૩'''</span> [ર. ઈ.૧૬૮૩/સં. ૧૭૩૯, આસો સુદ ૯, રવિવાર] : પ્રેમાનંદકૃત આખ્યાન. પંદરમાં સૈકામાં થઈ ગયેલા ભક્ત નરસિંહ મહેતાના જીવનમાં ભીડના પ્રસંગોએ ભગવાને સહાય કર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘મામેરું-૩ [ર. ઈ.૧૬૮૩/સં. ૧૭૩૯, આસો સુદ ૯, રવિવાર] : પ્રેમાનંદકૃત આખ્યાન. પંદરમાં સૈકામાં થઈ ગયેલા ભક્ત નરસિંહ મહેતાના જીવનમાં ભીડના પ્રસંગોએ ભગવાને સહાય કર્યાની પુરાકલ્પ-કથાઓ(મિથ) અનેક કવિઓને મુખે ગવાઈ છે. કુંવરબાઈને સીમંતનો પ્રસંગ આવ્યો ત્યારે ભગવાન દામોદર દોશી બનીને બધી સામગ્રી લઈ આવી મામેરું રૂડી રીતે પાર પાડી આપે છે તે કથા ‘મામેરું’(મુ.) આખ્યાનનાં ૧૬ કડવાંની ૬૦૨ પંક્તિઓ (કૃતિ રચ્યા પછી સોળ વરસે લખાયેલી હસ્તપ્રત ઉપરથી ચૈતન્યબાળા દિવેટિયા સંપાદિત આવૃત્તિ)માં પ્રેમાનંદે નિરૂપી છે. નરસિંહનાં મનાતાં ‘આત્મચરિતનાં પદો’માં આ કથાનું માળખું મળે છે (એ પદો નરસિંહનાં ન ઠરે તો પણ મરાઠી ‘ચી’ પ્રત્યય અને ‘વિસારિલા’ જેવા ક્રિયારૂપને લીધે કોઈ જૂના, અભિવ્યક્તિનો પ્રભાવ જોતાં, નરસિંહ જેવા મોટા કવિની રચના જરૂર લાગે છે.). મરાઠીમાં નરસિંહ મહેતાચરિત્ર નામદેવને નામે ચઢેલું મળે છે. પણ નામદેવ એકાદ સૈકા વહેલા થઈ ગયા છે. મીરાંબાઈના નામે ‘નરસિંહરા માહ્યરા’ કૃતિ નોંધાઈ છે. સોએક વરસ પછી વિષ્ણુદાસ આ પ્રસંગમાં રહેલી કાવ્યની શક્યતાઓ જરાતરા ખીલવીને કુંવરબાઈનું ‘મોસાળું’ આપે છે. તે પછી કૃષ્ણદાસ, ગોવિંદ, તુલસીદાસ, મોતીરામ અને વિષ્ણુએ પણ આ પ્રસંગને આલેખ્યો છે. પ્રેમાનંદે કાવ્યરસભરી કૃતિ ‘મામેરું’ ઈ.૧૬૭૯માં આપી તેની ૨૭ વરસ પૂર્વે ઈ.૧૬૫૨માં વિશ્વનાથ જાનીએ પ્રેમાનંદની સાથે ક્યાંકક્યાંક સરસાઈ ભોગવે એવું ‘મોસાળાચરિત્ર’ આપ્યું છે. મધ્યકાલીન કવિઓ પોતાની અગાઉના કવિઓમાંથી કથાઘટકો, પ્રસંગો, વીગતો, પંક્તિઓ સુદ્ધાં વિનાસંકોચે સ્વીકારે છે તેમ પ્રેમાનંદ પણ લે છે, પણ તેમની પ્રતિભાનો સ્પર્શ હંમેશાં વરતાઈ આવે છે. મહેતાની માંગીતાગી વહેલનાં વિષ્ણુદાસ, ગોવિંદ, વિશ્વનાથનાં વર્ણન કરતાં પ્રેમાનંદનું વર્ણન હૂબહૂપણામાં નોખું તરી આવે છે. ગૃહસ્થની નિર્ધનતા અને મા વગરની દીકરી ઉપરની અગાઉની જેવી પદ્યકંડિકાઓ પ્રેમાનંદ પણ યોજે છે. ઊકળતાં પાણીમાં સમોવણ ઉમેરવાનો પ્રસંગ, મામેરા માટે વીગતે યાદી, ભગવાનનું દોશી રૂપે આગમન, સ્ત્રીઓનું તેમ જ તેમને મળેલાં વસ્ત્રો-આભૂષણોનું રમતિયાળ નામસંકીર્તન, અરે, છેક છેલ્લે નણંદની દીકરી નાનબાઈ માટે આકાશમાંથી પડેલું વસ્ત્ર-એ બધું અગાઉ કરતાં વધુ સજીવ, આખી કૃતિ સાથે સપ્રમાણતાથી સમરસ બનેલું જોવા મળે છે. ભાભીએ કઠણ વચન કહ્યું અને મહેતા વનમાં ગયા, તપસ્યા કરી અને શ્રીકૃષ્ણગોપીનાં રાસનાં દર્શન પામ્યાં તેનો ઉલ્લેખ ગોવિંદ કૃતિને અંતે કરે છે, તો વિશ્વનાથે ‘મોસાળાચરિત્ર’નાં ૨૩ કડવાં પૂર્વે ૧૭ કડવાં વિસ્તૃત નરસિંહચરિત્રનાં આપ્યાં છે. પ્રેમાનંદે આરંભમાં ૨ કડવાંમાં નરસિંહને તપસ્યાના પરિણામે થયેલા અખંડ રાસનાં દર્શનની અને દુ:ખવેળાએ સંભારવાથી તત્કાળ ‘હું ધાઈ આવીશ’ એવાં કૃષ્ણનાં વચનની કથા ટૂંકમાં આપી કાવ્યની ભૂમિકા રચી છે. પૂર્વાર્ધ વડસાસુએ કરાવેલી મામેરા માટેની ગંજાવર યાદી પછી કુંવરબાઈના “ડોશીએ ડાટ વાળ્યો રે” એવા સાતમા કડવાના આક્રંદ સુધી ચાલે છે. અને ઉત્તરાર્ધ તે પછી એ જ કડવામાં આવતા નરસિંહના આતંકરહિત સરળ સહજ ઉદ્ગાર ‘ડોશીએ સારું કીધું રે’થી આરંભાય છે. “પિતાજી, તમે ગામ પધારો, આંહાં રહ્યે ઇજ્જત જાશે રે’. મહેતાજી કહે : “મારી પુત્રી, રહેજે તું વિશ્વાસે રે-ડોશીએ સારું કીધું રે.” શ્રદ્ધા, આસ્થા, પ્રતીતિ એવા ભારેખમ શબ્દને બદલે કવિ સાદો ‘વિશ્વાસ’ શબ્દ વારંવાર (આખી કૃતિમાં અગિયાર વાર) યોજે છે. વિશ્વાસના મૂલ્યને નરસિંહના અને ઇજ્જત (લોક-નામના)ના મૂલ્યને કુંવરબાઈના માધ્યમ દ્વારા ઉઠાવ આપવામાં આવ્યો છે અને ‘વિશ્વાસ હૃદયમાં’ આણી કુંવરબાઈ કસોટીમાં પસાર થાય છે તેમતેમ એ જુએ છે કે ઇજ્જત પણ જળવાવાની હોય તો વિશ્વાસ દ્વારા જળવાય છે અને પ્રભુમાં વિશ્વાસ રાખનારનો ઉપહાસ કરનારાં-નાગરી નાત, ખાસ તો સાસરિયાં - પોતે ઉપહસનીય બની રહે છે. યાદીમાં “એ લખ્યાથી અધિક કરશો તો તમારા ઘરની લાજ, વહુજી” એમ વડસાસુ બોલેલાં. પણ પછી કુંવરબાઈનો કહેવાનો વારો આવે છે : “જો લખ્યા થકી આશા હોય ઘણી, તે માગી લો બાઈ પહેરામણી.” કૃતિના આરંભની ૪ લીટીમાં બે વાર ‘મામેરું મહેતા તણું’ એ રીતે એનો ઉલ્લેખ છે, પણ આપણી વાઙ્મય પરંપરામાં એને ‘કુંવરબાઈનું મામેરું’ એવી સંજ્ઞા મળી દેખાય છે તે સાર્થક છે, એ અર્થમાં કે કૃતિને રસથી ભરી દેવામાં મહા સુદ છઠ ને શનિવારના મધ્યાહ્નથી સાતમ ને રવિવારની સાંજ સુધીની કુંવરવાઈની કરુણ મથામણો-મૂંઝવણો (જે “સાધુ બાપને દુ:ખ દેવાને મારે સીમંત [શાને] આવ્યું” એ ઉદ્ગારમાં કરુણની પરાકોટીએ પહોંચે છે)નો ફાળો સૌથી વધુ છે. નરસિંહનું ચરિત્ર નિર્લેપ (દામોદર દોશી વિદાય થયા પછી નાનબાઈના પ્રસંગ વખતે તે કહી છૂટે છે, ‘એક તાંતણો હુંથી ન મળે’) અને અક્ષુણ્ણ મહિમાવાળું ઊપસે છે. ‘મામેરું’માં પ્રેમાનંદની શૈલી અપૂર્વ લાઘવયુક્ત છે. દૃઢબંધ રચના, ઘરેળુ સરળ રસદ્યોતક બાની, સમકાલીન ગુજરાતી સમાજની તાદૃશ ભાતીગળ છબી, જરાસરખા ગૌરવભંગ વગર સાંસારિક કટોકટીમાં પસાર થતા (પાર ઊતરતા નહીં, કેવળ નિર્મમપણે સહજ પસાર થતા), સૌ વચ્ચે ઊભા રહીને શંખ ફૂંકતા નરસિંહની બ્રહ્મખુમારીની આભા-કવિ પ્રેમાનંદની આ ખરેખર ‘મનમુદા’ ભરી રચના છે તેની પદેપદે સાક્ષીપૂરે છે. [ઉ.જો.]