Talk:ગુજરાતી નિબંધ-સંપદા/રામચન્દ્ર પટેલ/ખેતર
ખેતર
ઊતરતો માગસર મહિનો અને પોષ બેસતો હતો. બંનેના વચગાળાનું હવામાન ઠંડું હતું. આકાશ વાદળ વગરનું ચોખ્ખું. સૂર્ય પૂર્વદિશા ચઢીને તડકો વેરવા માંડ્યો. એમાં ગરમાશ હૂંફ હતી. મા, આગળ… અમે બંને ભાઈ પાછળ… ચાલતાં ચાલતાં પતંગ ચગાવવાની, પેચ લગાવવાની વાતો માંડી બેસતા હતા. મને તો માએ ઉત્તરાયણના દિવસે પતંગ-દોરી લઈ આપવાની જવાબદારી લીધી, એટલે ખેતર આવવા તૈયાર થયો હતો. અમારું ઉકરડિયું ખેતર ગામથી ઘણું છેટે, છેક કરલીગામના સીમાડાને અડીને બેઠું હતું. પાછો વગડાઉં રસ્તો ઉબડખાબડ, ક્યાંક ટેકરા-થુંબા આવે, ગાડાવાટ વાંકી ચઢઊતર, ધૂળ મરુડિયા કાંકરાઓથી ભરેલી. એ ચાલવામાં અડચણો ઊભી કરી દેતી હતી. હું અને નારણ દોડી દોડીને, માના આગળ પહોંચી જઈને. પછી મા નજીક આવવા થાય, ત્યારે દોડીએ. હું, મોટાભાઈ નારણથી દોડવામાં પાકો. થાક લાગે નહીં, ચઢે નહીં શ્વાસ. માના માથે સૂંડલી, એમાં દાતરડાં, કોદાળી, ડોલ-રાંઢવું, ટીનનો ડબ્બો અને બપોરનું ભાથું, મા, એકધારી ખેતર તરફ મીટ માંડીને, એ તો હેંડવામાં પૂરી. તેની ચાલવાની ઢબ ના ધીમી કે ઝડપી. પગમાં પાવલાં હતાં, પહેરેલાં ચાંદીનાં કડલાં તડકામાં ચળકી ઊઠતાં હતાં.
– ‘લ્યાં, આપણું ઉકેડિયું શેતર, પડ્યું છ, ને ભાની હાંડી, દાંણા ને ઢોરમાતરના ઘાસપૂળા પૂરા પાડે છે.’
ખેતરમાં એકલું ઢાઓર ઊભું હતું. એમાં વાયરો નાનાં-મોટાં વંટોળિયાં ઊભાં કરી કરીને દોડતો હતો. પાણોઠ-પાંદડાં ખખડી ઊઠતાં હતાં. થોરવાડમાં સુકાયેલા વેલા પણ. મેં માટીનું ઢેફું વાડના થોર બાજુ ફેંક્યું. એમાંથી હોલો-હોલી ઊડ્યાં દેખીને, માએ ઠપકો આપ્યો હતો. ‘હેંડ ઓંમ પંખડાંને મરાય નંઈ, પાપ લાગશે. શેતર તો સૌ કોય જીવમાતરનું છ. આટલું સાંભળીને હાથમાં પકડેલું બીજું ઢેપું નીચે પડી ગયેલું. પછી થાક ખાધા વિના મા, ખેતરના ટીંબાડે જઈને, જુવારના છોડછોડ વાઢવા માંડી હતી. નારાણભૈ જમીન પર પાડેલા પાથરાઓમાંથી રહી જવા પામેલાં દાણાદાર કણસલાં કાપી કાપીને પછેડીની ફાંટમાં મૂકે. હું ખેતરશેઢે રહેલી થુંબડી પર પતરાનો ટિનડબ્બો ડોકે ભરાવીને, વગડાનાં વૈયાં, ચકલાં, મોર, કબૂતર જુવારનાં ડૂંડાં બગાડી ના બેસે, એટલે ખેતરનો એક આંટો લગાવી દઈને, પાછો થુંબડા પર ચઢીને પતરાનો ડબ્બો ખખડાવી બેસતો હતો. આજુબાજુ વાવેતરવાળાં બીજાં ખેતર, પણ કોઈનો જુવારવાડો નહીં. બસ અમારું ખેતર એકલું જુવારવાળું, તડકો અને વાયરો બંને જબરા બળિયા, વાય વાય ને ટાઢક-તપારો મારે. હું ડબ્બો વગાડવામાં શૂરો-પૂરો. નારણ અને મા બંનેનાં દાતરડાંના ખખડાટથી ખેતર જાગતું લાગે.
ખેતર હતું બે-અઢી વીઘાંનું. એની કાળી છાણિયારંગી માટી. દર ચોમાસામાં ઘરના ઉકરડામાંથી પંદર-સોળ ગાલ્લાના ઠાઠાં દબાવી ભરીને ખાતરના પૂંજા પાડી ફેંકીને, માટી સાથે ભેળવવામાં આવે. એ એનો ખોરાક. પાછી હળની ખેડ, પછી જુવાર-બાજરી, કઠોળનો પાક નીઘલાઈ ઊઠે. જો એકલી જુવાર વાવવામાં આવે તો ખાસ્સી ભરપેટ ઊતરે. ચાલીસ-પચાસ ગાલ્લાંનાં ઝાકળિયાં ડકોડક ભરી, ખેંચી લાવીને ખળુવાડમાં ઠાલવતાં બળદોય થાકી જતા હતા.
ખેતરને વહાલથી જોતાં જોતાં એના શેઢે બેસીને. બાપાએ કહેલી વાત સાંભરી બેઠી. પતરાનો ટિનડબ્બો ખખડાવવાનું ચૂકી ગયેલો, ‘બેટા, મગોલાની ખળવાડમાં જુવારની પૂંમડીઓ કરતાં દાદા કનકાભા પટેલની ઊંચામાં ઊંચી હોય. એમનો વાવડોય ભારે. ઘેર ગાલ્લું. બે જાતવાન બળદો, વળી ટંકે દશશેરનું દૂધ કાઢે એવી આંગણે ગાય-ભેંસો, ઢોરઢાંખરનાં છાણમૂતર, ખાતરપુંજાથી બધાં ખેતર ખતરાતાં હતાં. એક વખત ઉકરડિયા ખેતરમાં અઢીસો-ત્રણસો મણ જુવાર પાકી. ખળુવાડમાં જારિયાંનો અંબાર જોયો હોય તો કોઈ હીરેમઢ્યું મંદિર! હાલરડે જુવાર લેતાં બળદોય થાકી ગયેલા, ને સૂપડે ઊપણતાં ઊપણતાં બાહુડાં દુખેલાં. જુવારદાણાઓથી આખું ખળું ભરાઈ ગયું હતું. શણિયાના કોથળામાં જુવાર ખાંપી ખાંપીને ગાલ્લે ઘેર મોકલાવી, છતાં વધ્યો હતો ધાન્યનો ઢગલો, ત્યારે બામણથી માંડીને ભંગી, ચમાર, દરજી સુધીના અઢારે વરણનાં લોક ખળું લેવા આવ્યાં, કનકાભા રાજીરેડ. ખળુવાડ હરખાઈ ઊઠી હતી. બધાંને ભોંય બેસાડીને ભાએ કહ્યું હતું.
— ‘અલ્યાં, મુંને ટેકો ના પૂરો. તમતમારી પછેડી, લૂંગડામાં ઊપડે એટલી જાર-દાંણા મારે ઘેર નાશ્યી આવો તો ભલું. પછ મનમાગ્યું ખળું દઉં…’
સૌએ કનકાભાનો બોલ વધાવી લીધો. પોતપોતાનાં પાથરણાં પાથરીને કોઈએ દસ શેર, પંદર શેર, કોઈએ મણ-દોઢમણ માથે ઊપડે એટલી જુવારની ગાંસડીઓ બાંધી લીધા પછી ઉપાડી લઈને ચાલવા માંડ્યું. નેવું વરસના કનકાભાના માથે પણ ગાંસડી. બધાંના આગળ એ થયા. પેલાં ખેંચાતાં પાછળ હેંડ્યાં આવે… ગામભાગોળનું સલાતોરણ આવ્યું, ત્યાં દાદા, પીઠ ફેરવીને બોલી ઊઠ્યા હતા.
— જોંવ લ્યા, જેને જેટલું ઉપાડ્યું છ, એ ઈનું ખળુ, લઈ જોંવ તમતમારે ઘેર… ખાં-પીવાં મજા કરાં…’ જેને ઓછું ઉપાડ્યું એને પસ્તાવો, હાય વધારે ઉપાડ્યું હોત તો! પણ આ કેવું ખળું? પછી કાંઈ વળે ખરું, જેના ઘેર વધુ જુવાર પાકે એના ત્યાં ગામ પડ્યું-પાથર્યું. ગામમાં દર વરસે આવતા નટ-બજાણિયા, હાથીબાવા, કથપૂતળીવાળા, મદારી બધાંને મળે જુવારનું દાન. ગામતળનાં મંદિરોનાં વરખાસન પણ જુવારનાં અપાય. ખેતર તો સૌ કોઈનાં તરભાણાં ભરે ભરે, બને અખેપાતર બેટા!’
ત્યાં ઓચિંતો નારાણ ડોલ-વરેડું પકડીને દોડતો થુંબડા ઉપર ચડ્યો ચડ્યો, ને મને ધબ્બો માર્યો. પાછો મુઠ્ઠો પોંક આપીને, કૂવા તરફ નાઠો. તેના હાથમાં પકડેલી ડોલ ચીબરીની જેમ કૂચ કૂચ… કૂચા… બોલતી એય ઉતાવળી પાણી ભરવા જતી હતી. મને નારણ સાથે દોડી જઈને, કૂવાના થાળામાં આડા પડીને ઊંધા મોંએ જળ જોવાનં મન થયું હતું. છતાં થુંબડો ઊતર્યો નહીં. પોંક ખાતો ખાતો પેલો ટિનનો ડબ્બો ડોકમાં ભરાવીને દાંડિયા વડે પીટવા માંડ્યો હતો. તેના તાલબદ્ધ અવાજમાં ખેતર નાચતું ઓતર-દખ્ખણની થોરવાડનો લીલેરો ખેસ ધરીને, ઠમકા લેવા માંડ્યું હતું. પૂર્વ બાજુનો કૂવો રેડી-મંડાણ સાથે પૂજાનો થાળ જાણે એના માથે ગોઠવાઈ ગયો ન હોય! આંબો તો લીલોછમ, જવારાની જેમ મઘમઘી ઊઠ્યો હતો. ક્યાંક સારંગી સરખું ખેતરમાં તેતર તેંજિલ્યોં… તેજિલ્યોં… રકચક… બોલીને ચૂપચાપ થયું, ને બપોરના તડકામાં ચોખૂણિયું એ ખેતર આઠે અંગો એકઠાં કરીને મને ટહુકા પાડતું લાગ્યું હતું.
— ‘લે, હેંડ ખાવા… હવ્વ સૂડા-બૂડા ક્યાંક ઝાંડીઝાંખરમાં —
— ‘એય આવું મા…’
થુંબડા પરથી ઊતરવા માંડું ત્યાં સૂર્ય આકરો થયો. વાયરો જબરો વાયો, ને આભમાં બે-ચાર વાદળાંય ખેંચાઈ આવ્યાં હતાં. પેલા કરલીગામથી આવતા નેળિયામાં ધૂળ ચઢવા માંડી, એવામાં કેટલાંક રોઝ ધોળી પરબના રસ્તેથી દોડતાં આવીને, ખેતરશેઢે ઊભાં રહ્યાં. પાછાં ઊભાં ઊભાં પૂંઠળ કશુંક તાકી બેસતાં હતાં. હું સ્થંભી પડ્યો. કશોક શોરબકોર વધી પડ્યો એવું લાગ્યું. ત્યાં બંદૂકનો ભડાકો થયો. ધડામ… ધડ… ધડામ ધ્વનિ ગાજતાં વગડો ધ્રૂજી ઊઠ્યો હતો. વક્તિતીતી ચઢઊતર ઊડતી ઊડતી ભયજનક બોલ છોડવા માંડી. બે-ચાર સમડીઓ પણ ચક્રાવા લેવા લાગી હતી. બાજ, પડોશીના ખેતરમાં ખીજડાના ઠૂંઠા પર ગોઠવાઈને કશીક તરાપ મારવાની વેતરણમાં પડેલો. કેટલીક કાબરો કલબલી ઊઠેલી. હું દોડ્યો… વગડાઉ કૂતરો ભસતો હતો એ બાજું… ખેતરછીંડે ગયો તો કેટલાંક રોઝ ખેતરમાં પેઠેલાં. મા, ઢાઓર વટાવીને, જુવાર કણસલાં જોડે દાતરડું સાહ્યીને બહાર આવી હતી, તો સામે કાળા મોઢાવાળી અલમસ્ત સોંઢણી ઊંચી ડોકે છીંડામાં પેસવાની તૈયારી રૂપે જીભનો લોચો બહાર કાઢીને, ગાંગરતી ખૂંખારી રહી હતી. તેના ઉપર કાળા કપડાના વેશમાં મઢાયેલી બુરખાધારી, રંગે કાળી-કૂબડી મિયાંણીબાઈ, ખભે કાળી બંદૂક, જોડેના આંબા ઉપર કાગડા ઊડીઊડીને કર્કશ સ્વર ઉરાડતા પાછા એના ઉપર જ બેસતા હતા,
— ‘શું છે મા, આ બધું?’
— ‘કાંય નંઈ પેલી રોઝડાં મારવા નેંહરી પડી છ.’
— ‘માર્યા હવે.’
— ‘મું મારવા દેતી હશ્યું.’
પેલીએ સાંઢણી ઉપર પોતાનો કાળો બૂરખો ઉલાળી, ખસેડીને તેની લાલ આંખો ચાંપીને, બંદૂકનો ઊંચે ઢીસુંમ ધડાકો કર્યો, પછી નીચે લબડી પડીને, ઊતરી તો શરીરે ઠીંગણી ભય પમાડે એવી કાળો બૂરખો ઓઢેલી બાઈ, મા ઊભી હતી, તેની સામે આવીને ઊભી રહી. જોડે બંદૂક હતી. માના હાથમાં ગજવેલનું દાતરડું. કાળા પહેરવેશના દેખાવવાળી, માએ પહેરેલો આછો લાલ સાડલો. બંને સરખી ઉંમરની લાગે. શરીરે બંને જણાં ઊંચાં-નીચાં પણ નીડર હતાં. બંને સામસામે આવ્યાં. બીજું મોટેરું કોઈ નહીં. માથે સૂર્ય આકરો બનીને તપવા માંડ્યો હતો. બેમાંથી એકેય પાછી પડે એમ નહીં. માનો રતુંબડો ચહેરો તો પેલી મુંજિયાબાઈના કાળા મોઢામાં લાલઘૂમ આંખોની મર્દાઈને માપી રહ્યો. આખો વગડો વેરાન બનતો જતો હોય એવો લાગ્યો હતો.
— ‘રોઝડાં અહીંયાં હૈ!’
— ‘હા, મારા ખેતરમાં…’
— ‘તો મારવા દે ને, હલાલ કરને મેં દેર નહીં કરુંગી. હરેક ખેતોમેં પાક બિગાડતાં, ભટકનેવાલે જનાવરોં કો ખત્મ કરના મેરા ધર્મ હૈ.’
— ‘માર્યા માર્યા હવ્વ મું બેહી સું નં તું રોઝડાં મારે. પાશેર દાંણા બગાડ છ મારા શેતરના, ઈમાં તારે શ્યું લેવાદેવા જા અંઈથી.’
— ‘રોઝ-હરણાં, સેંકારો કો મારને કુ સરકાર માલિક્કા હુકમ હૈ.’
— ‘હેંડ માલિકવાળી, મારે મારવા નથ દેવાં…’
— ‘મત રોષ લાના, રોઝ છટકી જાસે તો ફેરા બિગડના, માડી…’
— ‘જો રોઝડાં માર્યાં સે તો દાતરડા વડે તને બેટી નાંશીશ, નંઈ છોડું હા, આ ભોમકા તારા બાપની નથ, લ્યોં બંદૂક લઈને નેહરી પડ્યાં છ. બપોરના તાપમાં. સેંકારાં-રોઝડાંએ તારું શ્યું બગાડ્યું છ઼ ક઼ ઈની આંહે લોઈ પીવા પડી છ. આ પરથમી તો જીવમાતરને જિવાડે છે. મુઠ્ઠી બંટી ભૂસ્યા માંણહને વળી પશુઓને મારી ભૂંજી ચેટલું ધાંન મેળવી ભોગવવું છ, મારી બુન, છાંનીમાંની ઘેર જા. તારાં છોકરાંનું સુખ રોઝડાં મારવામાં નથ, જનાવરોંને હાચવવામાં છ. તારી બંદૂક ઠેંકાણે મૂંચી દે, ઈમાં તારું ભલું થાહ. મું બેહી સું તાં લગણ તો…’
માએ રોષમાં દાતરડું ઊભું કર્યું, ઊંચક્યું એવી જ તાકેલી બંદૂક નીચી નમી ગઈ હતી. પેલીએ સાંઢણીનું મુખ વાળી દીધું. રોઝડાંને નહીં મારવા દેવામાં મા મક્કમ હતી. હું અવાચક ઊભો રહેલો. પેલી બાઈ એકીટશે લાલ આંખો ચાંપી તાકતી ઊભી. તેના ચહેરામાં કેટકેટલીય નીલગાયોનું ફફડતું લોહી ઊભરાતું હોય એવું લાગ્યું હતું. હું ભયભીત બન્યો હતો. પણ જો એ માને ધક્કો મારીને, ખેતરમાં પેસવા જાય તો હાથમાં પકડાયેલો ઢેખાળો એના ભોડામાં ઢીચકાડી દેવા ટાંપીને ઠર્યો હતો.
— ‘તું આવી છ ઈવી પાછી જા, ફરી આ બાજુ લમણો વાળતી નંઈ, નંઈ તો જોવા જેવી થાહ.’
— ‘સરકારકા હુકમ કો ઠુકરાના ગુના હૈ, પટલાણી.’
— ‘ભલે સો વાતની એક વાત કહી દીધી તોય…’
પેલી ડફેરબાઈનો કાળો દેહદાર સાંઢણી પર ચઢી બેસતાં જ એ સાંઢણી સાથે જોતજોતામાં ઊંડા નેળિયામાં ઊતરી, અલોપ બની ગયો હતો. વાતાવરણમાં વ્યાપેલો બિકાવાળો સન્નાટો હળવો થતાં જ મેં ખેતરનું કટલું બંધ કરી દીધું. માએ રોઝ પ્રાણીઓની તરફેણ ખેંચેલી એનો રોફ મને ચડ્યો હતો. ખેતરમાં કાન ઊંચા કરીને, રોઝડાં તાક્યા કરતાં હતાં.
— ‘રોઝડાંને મારવાથી શ્યું હાથમાં આવતું હશ ભઈ.’
— ‘માંસ અને પૈસા’ નારાણ બોલેલો.
— ‘મુઓ એ ધંધો. ચેટલાં જનાવર હતાં વગડામાં, મારાં પીટ્યાંએ મારી ખાધાં, જમાનાને સુધારવો ઘેર રહ્યો, પણ સૌ બગાડવા બેહ્યાં છીએ.’
રોઝ બચાવ્યાં એનો ઉત્સાહ હતો. મા, ખેતરની કાળી માટી જેવી ફળદ્રુપ હતી. પાછી સશક્ત અને સાચુકલી. મેં પણ ગુરુ નાનકની જેમ ચણ ચણતાં પંખીઓને ઉડાડવાનું છોડી દીધેલું. કોઈ પણ જંતુને મારવાનું પણ. ટિનનો ડબ્બો ફેંકી દીધો હતો. બટકું રોટલો ગોળ સાથે ખાધો ખાધો, ને વધ્યો એ પાસે ઊભેલા વગડાઉ કૂતરાને ખવડાવી દીધો હતો, પછી પેલા થુંબડા પર ચઢીને નારણ અને હું પેલી વગડાની ગોઝારણ બાઈને ઊંચા થઈ થઈને જોવા લાગ્યા, છતાં એ દેખાઈ આવી ન હતી. માએ ખેતરનું કેટલુંક ઢાઓર વાઢ્યા પછી કાલ પર રાખ્યું; પછી ગામ-ઘર બાજુ વળ્યાં. જતાં જતાં જોયું તે પેલાં રોઝડા ખેતરનાં જુવાર-ઢાઓરમાંથી ઊંચા કાન કરીને, અમને દેખ્યા કરતાં હતાં.
અમે બે ભાઈ મા સાથે ઘેર આવ્યા, છતાં પેલી બાઈ ભુલાતી ન હતી. એ કદાચ પાછી આવીને, પેલાં રોઝડાં ઉપર બંદૂકના ધડાકા ફોડીને ગોળીઓથી ધડામ ધડ… વીંધી મારી નાખ્યાં તો નહીં હોય! મા એના વિચારોમાં ડૂબેલી રહી હતી. સાંજવેળા થવા આવી ત્યાં ઘર-આંગણે મુખી, પોલીસપટેલ અને બે ડફેરપુરુષો આવીને ઊભા રહ્યા. મહોલ્લો આખો ભેગો થઈ ગયો હતો. માએ પડસાળમાં ખાટલા ઢાળીને એમાં બેસાડ્યા. નારણે તો ઘરમાંથી લોટો અને પવાલું લઈ આવીને પાણી બધાંને પાયું હતું, પછી વગડેથી પિતા આવ્યા. ગામમુખીએ રોઝ-સિંકારાંને મારવાનો સરકારનો હુકમ કહ્યો કે અનાજ બગાડતાં જાનવરોને મારવા નહીં દેવામાં ગુનો થશે એ મતલબનું સમજાવ્યું તો માએ એનો સખત વિરોધ કર્યો, ને ઠપકા રૂપે પ્રહાર કરતી એ બોલી ઊઠી હતી.
— ‘મારે મારા શેતરને મસાણ નથ બનવા દેઉં હમજ્યા… રોઝડાં છોને ભજવાડ કરતાં ખઈ ખઈને ચેટલું ખાવાનાં. જનાવરૉંની દાઢ મેંડી વૉય, ખાધેલો હોઠોય નવું ધરોયું નાંશ્યી છૂટે. હૂંકો ડોકોય વરતી આલે…’
— ‘ગામ સાથે રહેવું જોઈએ. વિરોધ કરવો એ ખરાબ બાબત કહેવાય.’
બાપાએ માને સમજાવી હતી. છતાંય તેણે કહેવામાં પાછી પાની કરેલી નહીં. મહોલ્લાનાં બૈરાંએ માને સમજાવવા માંડ્યાં છતાં પાછી પડે એ બીજી બાઈ, મા નહીં. એ બોલ્યા જ કરતી હતી.
— સંજ્યાકાળ વેળાએ કઉં સું… બીજા જીવોને વેંધી શ્યું ફેણવાનાં, શેર-બશેર વધુ કોદરા ક બીજું, બાકી જનાવરોથી વગડો ઊજળો દેખાય હોં, ઈના વના જીવવામાં સાર કદી ના આવે. જીવડાં જનાવરાં જોડે તો હળીમળીને જીવવા સહુ જમીં પર આયાં છીએ. સરકાર તો લાકડે-માંકડું વળગાડી પાપ આચરવાનો હુકમ છોડી બેહ પર આપણું ફૂટી જ્યું છ ક પાપનો ધંધો ખોલી બેહીએ. મું બેઠી સું ત્યાં લગણ શેતરમોં પાંણીઓને શ્યું પણ કોય વનરાઈનું એક લીલું ઝાડવુંય ભાંગે ઈનં જાંનથી માર્યા વગર ના મૂકું પછ છોને સરકાર ફાંસીને માંચડે લટકાવે. મું સાચથી કોઈનાથીય ગાંજી જાઉં ઈવી નથ, ન્યા કે અન્યા ઈ તો ઉપરવાળો કાઢતો વૉય છ. કાંય ગદાલીઓ પર બેહી આંકડા માંડવાવાળા નંઈ હમજ્યા. જાં અંઈથી મારી આંશ્યો આગળથી —’
માના કઠણ વાગે એવા બોલ સાંભળીને મુખી, પેલા બે ડફેર સાથે પોલીસપટેલ ઊઠીને ચાલતા થયા હતા, પિતા પણ માને ધીરજ ધરવાનું કહીને, એ પાછળથી ચોરા તરફ ગયા હતા.
આખી રાત માને ઊંઘ આવેલી નહીં. એને પેલાં ખેતરમાં પેઠેલાં રોઝડાંની ચિંતા. મળસકે વહેલી જાગી ઊઠીને વલોણું-ઘંટી પતાવ્યાં, પછી રોટલા ટીપીને ઘેર આવેલાં મજૂરો સાથે ઉકરડિયા ખેતરે પહોંચી ગયા પછી જ પૂર્વમાં સૂર્ય ઊગ્યો હતો. ઢાઓર વાઢતાં વાઢતાં મજૂર ખેતર વચમાં આવ્યાં. જોયું તો એક રોઝડી વિયાયેલી દીઠી. માને હાશ થઈ હતી. એનું બચ્ચું આમ વાછરડું. મોં ગાયનું પણ ઘોડાના વછેરા જેવું એ કૂદે, નાચે. દેખ્યા કરીએ એવું વ્હાલમૂઉં લાગે. રોઝડી શાંત ઊભી રહેલી જાણે ઘરનું પાળેલું ઢોર ના હોય. માએ એના પર હાથ મૂકી પંસવાર્યો હતો, ને મેં પણ રોઝડી અને બચ્ચાને હાથ અડકાડીને ઉષ્માસ્પર્શ માણ્યો હતો. રોઝડીની સુવાવડ માએ કરી હતી; એટલું જ નહીં ઢાઓરનો એટલો ભાગ ગોળાકાર વાઢ્યા વિના મૂકી દેવડાવેલો, વળી ખેતરના નીચાણવાળી જગ્યાએ પાંચ પાંચ જુવાર-ઘાસના ઝૂડા ઊભા રખાવ્યા હતા; સીમવગડે રખડતાં હરણ-રોઝડાં માટે ખાવા. માએ તો ઉકરડિયા ખેતરની થોરવાડે ખાડા ખોદીને પાણીનાં કૂંડાં મુકાવ્યાં. પછી રોજ ભરઉનાળે આવીને કૂવાના પાણીથી ભરી દેવાનું વ્રત રાખ્યું હતું.
આજે મા નથી. ઉકરડિયું બે-અઢી વીઘાંનું ખેતર હયાત છે, હું વારસદાર ત્યાં જઈને શેઢે ઊભો રહું છું, તો સાંભરી આવે છે. પશુપંખીને વૃક્ષમાત્રની તરફદારી ખેંચનારી મા તથા હિંસક પેલી મિયાંણીબાઈ, ગવન અને કાળુ મલિર બંને મારી આંખ સામે ફરકતાં આવી ઊભાં રહે છે, સાથે રોઝડી એનું બચ્ચું, જેના પર હાથ મૂકીને માણેલો અચરજ હજીયે મારી જમણી હથેલીએ સળવળ્યા કરે છે એ ભુલાઈ શકાતો નથી.