ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મીઠુ-૨-મીઠુઓ

Revision as of 04:23, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મીઠુ-૨/મીઠુઓ [જ.ઈ.૧૭૩૮-અવ. ઈ.૧૭૯૧) : શાકતભક્ત. ખેડા જિલ્લાના મહીસાના વતની. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. અવટંકે શુક્લ. પિતા કૃપારામ. માતા મણિ. મીઠુ મહારાજને નામે જાણીતા થયેલા આ કવિએ ઉપનિષદો, તંત્રો ને સંગીતનો અભ્યાસ કરેલો એમ કહેવાય છે. કવિ જનીબાઈ તેમની શિષ્યા હોવાનું પણ કહેવાયું છે. આ કવિએ ગુજરાતી, હિન્દી તેમ જ સંસ્કૃતમાં કાવ્યરચના કરી છે. ગુજરાતી કૃતિઓમાં ‘શ્રીલહરી/લીલાલહરી’(મુ.) શંકરાચાર્યકૃત ‘સૌૈંદર્યલહરી’ના કંઈક ક્લિષ્ટ તથા અસહજ છંદોવહનવાળી પણ પ્રથમ ગુજરાતી સમશ્લોકી અનુવાદ તરીકે નોંધપાત્ર કૃતિ છે. અર્ધનારીશ્વરની ભાવના પર શ્રીચક્રની પદ્ધતિ અનુસાર રાસવર્ણન આપતી ૩૨ ઉલ્લાસની ‘રાસરસ’ પણ આ કવિની મહત્ત્વની કૃતિ ગણાઈ છે. આ ઉપરાંત ’પરમશિવસ્તોત્ર’, ‘બ્રાહ્મણાષ્ટક’, ‘ભક્તિતરંગિણી’, ‘ભગવદગીતા’નો અનુવાદ, ‘રસિકવૃત્તિવિનોદ’, ‘રસિકાષ્ટક’, ૧૨ ઉલ્લાસની ‘શ્રીરસ’, ૧૩ ઉલ્લાસની ‘શક્તિવિલાસ-લહરી’, ૧૫ કડીનું ‘અર્ધનારીશ્વરનું ગીત’(મુ.) અને ગુજરાતી-હિન્દી પદો તેમણે રચ્યાં છે. ‘શિવ-શક્તિરાસાનુક્રમ’ એમની ગદ્યકૃતિ છે. ‘ગુરુસ્તોત્ર’, ‘સ્ત્રીતત્ત્વ’ વગેરે એમની સંસ્કૃત કૃતિઓ છે. કૃતિ : ૧. લીલાલહરી, સં. હિંમતરામ મ. જાની, સં. ૨૦૧૦;  ૨. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૩, ઈ.૧૯૬૩. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ; ૫. શાક્તસંપ્રદાય, નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૩૨;  ૬. પ્રસ્થાન, જેઠ ૧૯૯૧-‘ગુજરાતમાં અર્ધનારીશ્વરની ઉપાસના’, મંજુલાલ મજમુદાર;  ૭. કદહસૂચિ; ૮. ગૂહયાદી; ૯. ડિકૅટલૉગબીજે.[ર.સો.]