ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યશોધર-યશોધીર

From Ekatra Wiki
Revision as of 15:25, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


યશોધર/યશોધીર [ઈ.૧૫૪૭ સુધીમાં] : પંડિત. સંભવત: બ્રાહ્મણ. ‘પંચાખ્યાન-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૪૭; મુ.)ના કર્તા. આ કૃતિ પશ્ચિમ ભારતીય પંચતંત્રની જૈન મુનિ પૂર્ણભદ્ર-સંકલિત અલંકૃત પાઠપરંપરા ‘પંચાખ્યાન’નો જૂની ગુજરાતીમાં થયેલો રસળતો ગદ્યનુવાદ છે. ૫૫૦૦ ગ્રંથાગ્ર ધરાવતા આ બાલાવબોધનું ભાષાસ્વરૂપ જોતાં કવિ ઈ.૧૫મી સદીના પૂર્વાર્ધમાં થયા હોય એવી સંભાવના છે. કવિ યશોધરે પૂર્ણભદ્રના ‘પંચાખ્યાન’નો શબ્દશ: અનુવાદ કર્યો નથી. આ કૃતિમાં કેટલેક સ્થળે ભાષાંતર તો કેટલેક સ્થળે ભાવાનુવાદ તો ક્યાંક સંક્ષેપ થયેલો જોવા મળે છે. વળી, બંને કથાઓમાં થોડો ફેરફાર પણ દૃષ્ટિગોચર થાય છે, આમ છતાં અન્ય કોઈ પણ પાઠપરંપરાની તુલનાએ કવિએ સવિશેષ અનુસરણ પૂર્ણપ્રભનું જ કર્યું છે. પંચતંત્રના ઉપલબ્ધ ગદ્યાનુવાદ કે પદ્યાનુવાદમાં આ કૃતિ સૌથી જૂની છે. કૃતિ : યશોધીરકૃત પંચાખ્યાન બાલાવબોધ : ૧, પ્રથમતંત્ર, સં. ભોગીલાલ જ. સાંડેસરા અને સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૬૩ (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; પંચતંત્ર, સંપા. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૯;  ૩. ડિકૅટલૉગભાવિ. [ભો.સાં.]