ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રણછોડ-૫

From Ekatra Wiki
Revision as of 04:42, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રણછોડ-૫'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : રામભક્ત કવિ. વતન ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકાનું આગલોડ (અગસ્ત્યપુર) ગામ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા અનુપમરામ. માતા કુંવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રણછોડ-૫ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : રામભક્ત કવિ. વતન ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકાનું આગલોડ (અગસ્ત્યપુર) ગામ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા અનુપમરામ. માતા કુંવરબાઈ.અવટંકે જોશી. ગુરુ રામચંદદાસ મહારાજ. પહેલાં તેઓ હિંમતનગરની શાળામાં શિક્ષક હતા. પછી સંસારત્યાગ કરી ભજનમંડળી સ્થાપી ગામેગામ ખોટાં વહેમો અને માન્યતાઓનો વિરોધ કરી સદુપદેશ આપવા માંડ્યો. તેમનો જન્મ સંભવત: ઈ.૧૮૦૪માં થયો હતો અને ઈ.૧૮૨૨માં તેમણે સંસારત્યાગ કર્યો હોવાનું કહેવાય છે. એમની મુદ્રિત ૧ ‘થાળ’ કૃતિનો રચનાસમય ઈ.૧૮૩૫ મળે છે. એને આધારે ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં તેઓ હયાત હોવાનું નિશ્ચિત રૂપે કહી શકાય. મનની સુરતા (એકાગ્રતા) કેળવવાનો ઉપાય સૂચવતી ને રૂપકાત્મક વાણીમાં વૈરાગ્યબોધ આપતી ૧૦૬ કડીની ‘સુરતિબાઈનો વિવાહ’(મુ.) કવિની લાંબી રચના છે. એ સિવાય જ્ઞાનવૈરાગ્યનાં વિવિધ દેશીઓના ઢાળમાં રચાયેલાં ૧૮૭ પદ કવિને નામે મુદ્રિત મળે છે. સરળ ભાષામાં ઉદ્બોધન શૈલીનો આશ્રય લઈ કેટલીક અસરકારકતા આ પદોમાં કવિ સાધે છે. થોડાંક પદોમાં કૃષ્ણભક્તિ છે, પરંતુ ઈશ્વરબોધ અને જ્ઞાનબોધ તરફ કવિનો ઝોક વિશેષ છે તે સ્પષ્ટ વરતાય છે. રણછોડ-૨ને નામે જાણીતાં “દિલમાં દીવો કરો રે દીવો કરો” જેવાં પદો આ કવિને નામે પણ મુદ્રિત મળે છે અને ‘દિલમાં દીવો કરો’ પદ તો સંપાદકીય નોંધ પરથી આ કવિનું જ હોય એમ સંપાદકો માનતા જણાય છે. કૃતિ : રણછોડ ભજનાવલિ, સં. અંબાશંકર પ્ર. જોશી, ઈ.૧૯૩૩ (+સં.). સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [ચ.શે.]