ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રઘુનાથ-૧-રઘુનાથદાસ-રૂઘનાથ

From Ekatra Wiki
Revision as of 06:05, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રઘુનાથ-૧/રઘુનાથદાસ/રૂઘનાથ [ઈ.૧૭૧૯-ઈ.૧૮૧૪ દરમ્યાન હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. અમદાવાદના વતની. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર શ્રી વ્રજભૂષણલાલ પાસે સંપ્રદાયની દીક્ષા. ‘કવિચરિત’ ઈ.૧૭૧૯ને કવિનું જન્મવર્ષ ગણે છે. કણબી વૈષ્ણવ ઓધવદાસના સત્સંગનો સારો લાભ કવિને મળ્યો હતો. એમની ભક્ત તરીકેની ખ્યાતિથી પ્રભાવિત થઈ પેશ્વા સરકારે એમને જમીન બક્ષિસ આપેલી. તેમણે નાનીમોટી અનેક કૃતિઓ રચી છે, જેમાંની કેટલીક તેમના પુત્ર હળધરના અવસાન પછી ગુમ થઈ હોવાનું કહેવાય છે. ૧૪ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’(મુ.), ૧૫ કડવાંનું ‘પ્રહ્લાદાખ્યાન’ (ર.ઈ.૧૮૦૨/સં.૧૮૫૮, ભાદરવા સુદ ૧૧, બુધવાર; મુ.), ૪ કડવાંનું ‘રુક્મિણી-વિવાહ’, કૃષ્ણે ગોવર્ધનપર્વત ઊંચક્યો હતો એ પ્રસંગને આલેખતી ૧૭ પદની ‘ગોવર્ધનલીલા’(મુ.), રાસપંચાધ્યાયીના પ્રસંગને આલેખતી ૯૫ પદનો ‘રાસ’(મુ.) એ કવિની આખ્યાનકલ્પ કૃતિઓ છે. પ્રેમલક્ષણા ભક્તિની કવિતાની પરંપરામાં રહી કૃષ્ણજીવનવિષયક ઘણાં પદો એમણે રચ્યાં છે. કૃષ્ણજન્મોત્સવને આલેખતાં ‘જન્માષ્ટમીની વધાઈઓ’નાં ૬૬ પદ(મુ.), કૃષ્ણે ગોપી અને જસોદા પાસે કરેલા તોફાનને આલેખતાં ‘બાળલીલાં’નાં ૨૦ પદ(મુ.), રાધાકૃષ્ણસંવાદ રૂપે આલેખાયેલાં ‘દાણલીલાં’નાં ૫૩ પદ (મુ.) અને ૨૧ સવૈયા(મુ.), ગોપીના કૃષ્ણ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરતાં ‘પ્રેમપચીશી’નાં પદ(મુ.), કૃષ્ણ મથુરા ગયા ત્યાં સુધીના કૃષ્ણચરિત્રને આલેખતાં ૬૪ પદ(મુ.)-જેમાં ઓધવજીના સંદેશની ગરબીઓ સમાવિષ્ટ છે, ગોપીવિરહને આલેખતાં તિથિ, બારમાસ (મુ.) વગેરેનો એમાં સમાવેશ થાય છે. વૈષ્ણવધર્મની સાંપ્રદાયિક પરંપરાનો પ્રભાવ ઝીલી સમાસમાનાં પારણાંના ૧૧ પદ(મુ.), સાંજીનાં ૨૩ પદ(મુ.), હોરી-વસંતનાં ૫૨ પદ(મુ.), હિંડોળાનાં ૪૧ પદ(મુ.), થાળનાં ૧૨ પદ(મુ.), આરતીનાં ૩ પદ(મુ.), ધનતેરસનાં ૮ પદ(મુ.), દિવાળીનાં ૧૪ પદ(મુ.), વધાઇનાં ૧૪ પદ (મુ.), ૪૪ કડીની ‘વ્રજ ચોરાશી કોશની વનયાત્રાની પરિક્રમા’(મુ.) વગેરેની પણ કવિએ રચના કરી છે. એમણે વૈરાગ્યબોધનાં ૮૧ પદ(મુ.) અને રામજન્મોત્સવને આલેખતાં રામચંદ્રજીની વધાઈઓનાં ૧૬ પદ(મુ.) પણ રચ્યાં છે. એમનાં ઘણાં પદો વ્રજભાષામાં છે. વિવિધ રાગોમાં રચાયેલાં આ પદો ભાષાની સરળતા અને ચારુ ગેયત્વથી વૈષ્ણવમંદિરોમાં ઠીકઠીક લોકપ્રિય છે. ‘રાધાની કામળી’, ‘રુક્મિણીનો કાગળ’, ‘દશમસ્કંધ’ જેવી કૃતિઓ પણ એમણે રચી છે. એમને નામે નોંધાયેલી ‘રામાયણ’, ‘સારકોશ ભાગવત’, ‘સારકોશ છપ્પાવલી’ એ કૃતિઓની કોઈ હાથપ્રત અત્યારે ઉપલબ્ધ થતી નથી. કૃતિ : ૧. રસિક રૂઘનાથ કાવ્ય : ૧-૨, સં. રણછોડદાસ ઈ.વૈષ્ણવ અને ગોકળદાસ દ્વારકાદાસ, ઈ.૧૮૯૫ (+સં.);  ૨. ઓધવજીનો સંદેશો-ગરબીઓ, પ્ર. બાલાભાઈ નગીનદાસ, ઈ.૧૮૮૯; ૩. કાદોહન : ૩; ૪. નકાદોહન; ૫. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ, ઈ.૧૯૬૬ (બીજી આ.); ૬. બૃકાદોહન : ૧, ૩, ૫, ૭; ૭. ભજનસાગર : ૨; ૮. ભસાસિંધુ; ૯. ભ્રમરગીતા (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. કવિચરિત્ર; ૩. ગુસાઇતિહાસ (૧૭૩): ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. પાંગુહસ્તલેખો; ૭. પુગાસાહિત્યકારો; ૮. પ્રાકકૃતિઓ; ૯. મગુઆખ્યન; ૧૦. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ પંડ્યા, ઈ.૧૯૬૮; ૧૧. મસાપ્રકારો;  ૧૨. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો-ડિસે.. ૧૯૪૧-‘કવિ રઘુનાથદાસ, ચંદ્રકાન્ત મહેતા;  ૧૩. ગૂહાયાદી; ૧૪. ડિકૅટલૉગબીજે; ૧૫. ડિકૅટલૉગભાવિ; ૧૬. ફૉહનામાવલિ. [ચ.શે.]