ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રાણક-રાખેંગારની ગીતકથા’

From Ekatra Wiki
Revision as of 05:04, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘રાણક-રાખેંગારની ગીતકથા’'''</span> : જૂનાગઢના રાજા ‘રા’ખેંગારને સિંહલદ્વીપના પરમાર રાજા રોરની, પિતાથી તરછોડાઈને કુંભારને ત્યાં ઊછરેલી, પુત્રી રાણકદેવી સાથે લગ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘રાણક-રાખેંગારની ગીતકથા’ : જૂનાગઢના રાજા ‘રા’ખેંગારને સિંહલદ્વીપના પરમાર રાજા રોરની, પિતાથી તરછોડાઈને કુંભારને ત્યાં ઊછરેલી, પુત્રી રાણકદેવી સાથે લગ્ન કરવાને કારણે સિદ્ધપુર-પાટણના રાજા સધરા જેસિંહ સાથે વેર બંધાય છે. સધરો જૂનાગઢ પર ચઢાઈ કરી રા’ખેંગારની હત્યા કરે છે અને રાણકદેવી વઢવાણ પાસે ભોગાવો નદીને કિનારે સતી થાય છે એ કથાને બહુધા કોઈને કોઈ પાત્રના સંબોધન રૂપે આલેખતા ૩૯ દુહા-સોરઠા(મુ.) મળે છે. એમાંના કેટલાક દુહા મેરુતુંગાચાર્યના ‘પ્રબંધચિંતામણિ’માં મળે છે, જે આ લોકકથાની પ્રાચીનતાને સૂચવે છે. કથાનો પ્રારંભનો દુહો એના કાવ્યચમત્કૃતિપૂર્ણ નિરૂપણથી ધ્યાન ખેંચે છે. રાણકદેવી રાજકુટુંબની બહાર કુંભારને ઘરે ઊછરી તેથી રાજકુંવરી મટી જતી નથી એ વાત ‘આંગણ આંબો રોપિયો, શાખ પડી ઘરબાર’ એ દૃષ્ટાંતથી સુંદર રીતે કહેવાઈ છે. પરંતુ કથામાં મર્મસ્પર્શી દુહા તો રા’ખેંગારના મૃત્યુ પછી રાણકે કરેલા વિલાપના છે. ઠપકો, મગરૂરી, નિરાશા, ગુસ્સો, અસહાયતા જેવા ભાવોથી પુષ્ટ થયેલો એ કરુણ રાણકદેવીના પુત્ર માણેરાની હત્યા વખતે પરાકાષ્ઠાએ પહોંચે છે. કરુણની એ તીવ્રતા અતિશયોક્તિથી પ્રભાવક રીતે વ્યક્ત થઈ છે. રાણકદેવી સધરાને સંબોધી કહે છે કે “પાંપણને પણગે, ભણ્ય તો કૂવા ભરાવીએં, માણેરો મરતે, શરીરમાં સરણ્યું વહે.” કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૧, સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩; ૨. સોરઠી ગીતકથાઓ; સં. ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (બીજી આ.).[જ.ગા.]