ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રામાયણ’-૩

From Ekatra Wiki
Revision as of 05:21, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘રામાયણ’-૩'''</span> [ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, આસો સુદ ૧૦, ગુરુવાર] : ૧૨૫ જેટલાં કડવાં ને ૫૦૦૦ જેટલી કડીઓ ધરાવતી વીકાસુત નાકરની આ કૃતિ ખંડિત રૂપે પ્રાપ્ત થયેલી છે. બાલકાંડ અને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘રામાયણ’-૩ [ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, આસો સુદ ૧૦, ગુરુવાર] : ૧૨૫ જેટલાં કડવાં ને ૫૦૦૦ જેટલી કડીઓ ધરાવતી વીકાસુત નાકરની આ કૃતિ ખંડિત રૂપે પ્રાપ્ત થયેલી છે. બાલકાંડ અને અયોધ્યાકાંડ ભેગા થઈ જવાથી એ કુલ ૬ કાંડ ધરાવે છે. છેલ્લા ઉત્તરકાંડનું કર્તૃત્વ નાકરનું હશે કે કેમ એ વિશે શંકા થાય છે, કેમ કે કૃતિનો રચનાસમય પાંચમાં યુદ્ધકાંડને અંતે દર્શાવાય છે. ઉત્તરકાંડમાં ‘ભીમકવિ’, ‘કૃષ્ણભીમ’ એવા ઉલ્લેખો મળે, એમાં વાલ્મીકિ-રામાયણને વળગીને માત્ર કથાસાર આપવામાં આવ્યો છે ને આગળના કાંડો જેવી પ્રવાહિતા એમાં નથી. મૂળ રામકથાને પ્રવાહી અને ભાવવાહી રીતે રજૂ કરતી આ કૃતિમાં કવિએ કથાપ્રસંગોમાં કેટલાક ફેરફારો પણ કર્યા છે. હનુમાન એની માતા અંજનીને રામકથા કહી સંભળાવે છે એવું નિરૂપી એમણે કથાની ભૂમિકામાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે, તે ઉપરાંત કેટલાક પ્રસંગોને એમના મૂળ સાહજિક ક્રમમાં મૂકી સરળતા સાધી છે. જેમ કે, મૂળમાં શ્રવણકથા અયોધ્યાકાંડમાં પાછળથી, પૂર્વે બનેલી ઘટના તરીકે આવે છે, અહીં એ કથાને આગળ લઈ લેવામાં આવી છે. કેટલાક પ્રસંગો કવિએ ટાળ્યા છે, તો કવચિત્ નવા દાખલ કર્યા છે. મહાભારતની હરિશ્ચન્દ્રકથા કવિએ અહીં દાખલ કરી છે, સંભવત: રામ સમક્ષ રજૂ થયેલી દૃષ્ટાંતકથા તરીકે. ભયભીત થતા રાવણને આવેલું સ્વપ્ન, અંગદવિષ્ટિ પ્રસંગે કૃત્રિમ સીતાને સભામાં લાવવી વગેરે કેટલાક પ્રસંગો કવિકલ્પિત જણાય છે. શ્રવણને એની પત્ની સાથે માબાપને રાખવા કે તજી દેવા અંગે સંવાદ થાય છે એવું નાકર આલેખે છે તેમાં પૌરાણિક કૃતિમાં રામકાલીન જીવનના રંગો ભરવાનું એમનું વલણ દેખાય છે. કૃતિમાં હૃદ્ય ભાવનિરૂપણો અવારનવાર મળ્યાં કરે છે-લંકાદહન પછી સીતાના અંગને ઊનો પવન લાગશે તેની ચિંતા હનુમાન કરે છે, સીતાને પ્રાપ્ત કરવા માટે રામનું રૂપ ધારણ કરવાનું સૂચન થાય છે ત્યારે રાવણ પરપત્ની તો માતા લાગે એવો ગૌરવભર્યો ઉત્તર આપે છે વગેરે. લક્ષ્મણ મૂર્છાવશ થાય છે તે વખતનો રામવિલાપ અસરકારક છે, તે ઉપરાંત અયોધ્યાકાંડમાં શબ્દસામર્થ્યથી થયેલું સીતાનું ગાનઆલાપ દ્વારા પોતાનો પ્રભાવ પ્રગટ કરતા મોહિનીરૂપ શ્રીહરિનું, રામના સ્વાગત માટેની અયોધ્યાના નગરજનોની તૈયારીનું, ભાવોચિત ઢાળનો વિનિયોગ કરીને થયેલું વાનરસેનાધિપતિઓની ઓળખાણવિધિનું વગેરે વર્ણનો પણ મનોરમ છે. રામસીતાદિ પાત્રોનું ચિત્રણ સુરેખ થયું છે. પ્રેમાનંદને-ખાસ કરીને ‘રણયજ્ઞ’માં-આ કૃતિએ કેટલીક સામગ્રી પૂરી પાડેલી જણાય છે.[ચિ.ત્રિ.]