અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અમૃત `ઘાયલ'/બેખુદી, બેખુદી, ખુમાર ખુમાર
બાજુમાં ગુલ અને નજરમાં બહાર!
હાથમાં જામ, આંખડીમાં ખુમાર!
આવી પહોંચી સવારી `ઘાયલ'ની
બાઅદબ, બામુલાહિજા, હુશિયાર!
હાથ લાગી છે માંડ માંડ બહાર,
સાકિયા! લાગી જામ, લાવ સિતાર.
ફૂલની સેજ માથે વ્યગ્ર તુષાર,
એટલે જિંદગીનો મૂર્ત ચિતાર.
શ્વાસના રૂપમાં છે તેજ કટાર,
મોતનો પણ છે જિંદગીમાં શુમાર.
એ જ નું એ જ દર્દ સાંજ સવાર,
એકની એક ધૂન અવારનવાર.
સાકિયા! આજ લાવ પીવા દે!
પુષ્પ માંહે ભરી ભરીને તુષાર.
યાદમાં શ્વાસ એમ ચાલે છે,
જાણે વાગે છે દૂર દૂર સિતાર.
હાય, નિદ્રાભર્યાં નયન એનાં,
બેખુદી, બેખુદી, ખુમાર ખુમાર.
એમની બુદ્ધિનું જ છે એ કામ,
અર્થ હર શબ્દના કરે છે હજાર.
જાનની ચિંતા, મોતની ચિંતા,
જિંદગી એટલે સળંગ વિચાર.
કોઈની મુક્તિમાં કોઈનું મોત,
કોઈના મતમાં કોઈનો ઉગાર.
સ્વર્ગનું નામ સાંભળ્યું તો છે!
છે જવાની તો કરશું ત્યાંયે વિહાર.
ગુર્જરી ગઝલો એટલે `ઘાયલ',
મૂક ગિરનારની અમૂક પુકાર.
(આઠોં જામ ખુમારી, પૃ. ૧૦૨)