અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અમૃત `ઘાયલ'/શબ્દની આરપાર (આરપાર જીવ્યો છું)

Revision as of 10:54, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> શબ્દની આરપાર જીવ્યો છું, હું બહુ ધારદાર જીવ્યો છું. સામે પૂરે ધર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું.

સામે પૂરે ધરાર જીવ્યો છું,
વિષ મહીં નિર્વિકાર જીવ્યો છું.

ખૂબ અંદર બહાર જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિકાર જીવ્યો છું.

મધ્યમાં જીવવું જ ના ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું.

મંદ ક્યારેય થઈ ન મારી ગતિ,
આમ બસ મારમાર જીવ્યો છું.

આભની જેમ વિસ્તર્યો છું સતત,
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું.

બાગ તો બાગ સૂર્યની પેઠે,
આગમાં પુરબહાર જીવ્યો છું.

હુંય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હુંય બહુ ધોધમાર જીવ્યો છું.

આમ `ઘાયલ' છું અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું.

(આઠોં જામ ખુમારી, પૃ. ૪૮૩)