ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લોયણ
લોયણ [ ] : સંત કવયિત્રી. પરંપરાથી મળતી માહિતી અનુસાર તેઓ આટકોટનાં વતની અને જ્ઞાતિએ લુહાર હતાં. શેલર્ષિ સાથે સમાગમ થવાથી તેઓએ એમને ગુરુપદે સ્થાપ્યા હતા. એમનાં રૂપ પાછળ ગાંડો બનેલો કાઠી દરબાર લાખો કામાંધ બની એક વખત એમને બળાત્કારે સ્પર્શ કરવા જતાં કોઢનો ભોગ બની ગયો હતો. પછી પશ્ચાત્તાપમાં પ્રજ્જવળતા લાખાને જ્ઞાનનો બોધ આપી એમણે કોઢમાંથી મુક્ત કર્યો હતો એવી જનશ્રુતિ પ્રચલિત છે. લોયણ લાખાને સંબોધતાં હોય અને લાખો લોયણને સંબોધતો હોય એ રીતે રચાયેલાં એમનાં ભજનો (લગભગ ૫૦ જેટલાં મુ.) જનસમાજમાં સારી રીતે લોકપ્રિય છે. આ ભજનોમાં જ્ઞાન અને યોગની પરિભાષામાં નિર્ગુણભક્તિનો મહિમા થયો છે. કોઈક પદોમાં લાખા-લોયણના સંબંધના ઉલ્લેખ આવે છે, તો કેટલાંક પદોમાં સદ્ગુરુનો મહિમા પણ થયો છે. લોયણના ભક્તિ-આર્દ્ર હૃદયનું મર્મીપણું એમની ભજનવાણીમાં સચોટ રીતે અનુભવાય છે. કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તુ સાહિત્ય મુદ્રણાલય (ત્રીજી આ.); ૩. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ (છઠ્ઠી આ.); ૪. યોગ વેદાન્ત ભજન ભંડાર, ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૫. સતવાણી; ૬ સંતસમાજ ભજનાવળી, પ્ર. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧; ૭. સોસંવાણી (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ૩. સોરઠી સ્ત્રી સંતો, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૧૪.[દે.જો.]