અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/હોળી મહિનાની વિજોગણ
Revision as of 12:29, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આગળ મોર્યા મોગરા ને પછવાડે ગલગોટ, સવળા વાતા વાયરા, એની અવળી વાગે...")
આગળ મોર્યા મોગરા ને પછવાડે ગલગોટ,
સવળા વાતા વાયરા, એની અવળી વાગે ચોટ!
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
ખીલ્યાં કેસૂ ખાખરે, એની વગડે વગડે આગ,
ફૂલડે ફૂલડે ફરી વળે મારું મન જાણે મધમાખ!
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
હોળી મહિનો હુલામણો, ઘેર નારી બાળે વેશ,
હું પૂછું નિર્દે નાવલા! તમે કેમ ગમે પરદેશ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
રાતે વસમી ચાંદની ને દા’ડે વસમી લૂ!
વસમી વિરહની શારડી, મન વિચાર કરજે તું
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?